વડોદરા,તા.૧૩જાન્યુઆરી 2021, બુધવાર
એમ.એસ.યુનિ.ની આર્ટસ ફેકલ્ટી અંતર્ગત આવેલ શ્રી કાલિદાસ એસ દોશી (એસકેએસડી) જૈન વિદ્યાલયને ફેકલ્ટીમાં જ ઓફિસ અને ક્લાસરુમ માટેની જગ્યા ફાળવવાની જાહેરાત એમ.એસ.યુનિ.ના વાઈસ ચાન્સેલરે કરી છે, જેની જવાબદારી આર્ટસ ફેકલ્ટીના ડીનને સોંપાઈ છે. ક્લાસરુમ તેમજ ઓફિસની તમામ સુવિધાઓ સાથે અત્યાધુનિક બનાવવા આવશે. આચાર્ય વિજય વલ્લભસૂરિ મ.સાહેબના ૧૫૦ જન્મશતાબ્દિ વર્ષ નિમિત્તે ક્લાસરુમ અને ઓફિસના તમામ ખર્ચની જવાબદારી ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધૂરંધરસૂરિ મ.સાહેબે લીધી છે. જેઓ દાતાઓ પાસેથી ફાળો મેળવીને યુનિ.ને દાન કરશે. યુનિ.માં ગત વર્ષે આયોજિત રાષ્ટ્રીય સેમિનારમાં જૈન એકેડમીને ઓફિસ અને ક્લાસરુમ ફાળવવાની રજૂઆત કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે આજના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધૂરંધરસૂરિ મ.સાહેબને સરસ્વતી ઉપાસક એવંમ શ્રુત મંદિર સંરક્ષકની ઉપાધિ એનાયત કરાઈ હતી.
મહારાજ સાહેબે ગુરુભક્તના ઘરે જઈ નવકારશી ગોચરીનો લાભ આપ્યો
એમ.એસ.યુનિ.માં પુસ્તક વિમોચન કાર્યક્રમમાં જતા પૂર્વે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધૂરંધરસૂરિ મ.સાહેબે શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા ગુરુભક્ત જયેશભાઈ શાહના ઘરે જઈને નવકારશી ગોચરીનો લાભ આપ્યો હતો. આ વિહારમાં આચાર્યની સાથે તેમના ૯૦ વર્ષીય માતાજી મહારાજ અમિતગુણાશ્રીજી મ.સા., પિયુષપુર્ણાશ્રી મ.સા. અને આચાર્ય વિદ્યુતરત્નસૂરિ મ.સાહેબે સ્થિરતા કરી હતી.
આચાર્ય શ્રી રત્નાકરસૂરીશ્વરજી આરાધના ભવનનું ઉદ્દઘાટન
શ્રી વિમલનાથ રેસિડન્સીની પાવન ધરા પર પ.પૂ.આચાર્ય શ્રી રત્નાકરસૂરીશ્વરજી આરાધના ભવનનું ઉદ્દઘાટન અને અર્પણ વિધિ તા.૧૫ને શુક્રવારે ગુરુ ભગવંતોની પાવન નિશ્રામાં રાખવામાં આવેલ છે.