IPL બની રોમાંચકઃ ટોપ-4માં પહોંચવાની લાગી હોડ, જાણો પર્પલ-ઓરેન્જ કેપની રેસમાં કોણ છે આગળ!

IPL બની રોમાંચકઃ ટોપ-4માં પહોંચવાની લાગી હોડ, જાણો પર્પલ-ઓરેન્જ કેપની રેસમાં કોણ છે આગળ!

મુંબઇ, તા. 17 ઓક્ટોબર 2020, શનિવાર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે રીતે મેચો રમાઈ રહી છે તે જોતાં મોખરાની ચાર ટીમમાં સ્થાન હાંસલ કરવા માટે આગળ જતાં ભારે સ્પર્ધા જામવાની છે. મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ હાલમાં 12-12 પોઇન્ટ ધરાવે છે, પરંતુ બહેતર નેટ રનરેટને કારણે મુંબઈની ટીમ આગળ છે.

જ્યારે દિલ્હીની ટીમ બીજા ક્રમે છે. ત્રીજા ક્રમે રોયલ ચેલેન્જર્સ બેંગલોર દસ પોઇન્ટ ધરાવે છે તો કોલકાતા નાઇટ રાઇડર્સ મુંબઈ સામે શુક્રવારે હારી ગયું હોવા છતાં આઠ પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે.

જોકે ખરી સ્પર્ધા તો આ શનિ-રવિમાં થનારી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ 6-6 પોઇન્ટ સાથે રમી રહી છે. હૈદરાબાદની ટીમ રવિવારે કોલકાતા સામે રમશે તો ચેન્નાઈની ટીમ શનિવારે સાંજે દિલ્હી સામે રમનારી છે.

આ તરફ રાજસ્થાન રોયલ્સની ટીમ પણ શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે રમવાની છે. હવે આ ત્રણ મેચમાં એકાદમાં પણ અપસેટ સર્જાય તો પોઇન્ટ ટેબલમાં જોરદાર ઉલટફેર થવાની શક્યતા છે.

આ ત્રણ ટીમો તેમની મેચો જીતી જાય તો તે તમામ આઠ આઠ પોઇન્ટ પર આવી જાય. હવે જેનો નેટ રનરેટ બહેતર હોય તે આગળ વધશે.

હવે ઓરેન્જ અને પર્પલ કેપની વાત કરીએ તો મોખરાના બેટ્સમેનમાં લોકેશ રાહુલ 448 રન ધરાવે છે તો તેની જ ટીમનો સાથી મયંક અગ્રવાલ 382 રન સાથે બીજા ક્રમે છે. હવે મયંક એકાદ સારી ઇનિંગ્સ રમી નાખે તો તે રાહુલને પાછળ રાખી શકે છે. જોકે ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલી પણ ખાસ પાછળ નથી.

બીજી તરફ બોલિંગમાં કેગિસો રબાડા 18 વિકેટ સાથે અન્ય કરતાં ઘણો આગળ છે, પરંતુ દિલ્હીના આ બોલરની પાછળ જોફરા આર્ચર, જસપ્રિત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને મોહમ્મદ શમી ઝડપથી દોડી રહ્યા છે.

 આ તમામ બોલર 12-12 વિકેટ ખેરવી ચૂક્યા છે. એકાદ મેચમાં પણ આ બોલરમાંથી કોઈ ચાર વિકેટની સિદ્ધિ હાંસલ કરે અથવા તો પાંચ વિકેટ લે તો રબાડા માટે પણ મુશ્કેલીનો સામનો કરવાનો આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here