IPL ના સટ્ટાની લત : મોબાઈલમાં સટ્ટો રમતા ચાર યુવાન વેપારી પકડાયા

IPL ના સટ્ટાની લત : મોબાઈલમાં સટ્ટો રમતા ચાર યુવાન વેપારી પકડાયા

સુરત, તા.24 ઓક્ટોબર 2020, શનિવાર

સુરતના બેગમપુરા વિસ્તારમાં પોતાના ઘરની સામે બાઈક ઉપર બેસી જયારે વીઆઈપી રોડ વેસુ ફાયર સ્ટેશન નજીક જાહેરમાં આઈપીએલની ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયનસ વચ્ચેની 20-20 મેચ ઉપર પોતાના મોબાઈલ ફોનમાં એપ્લિકેશન મારફતે સટ્ટો રમતા ચાર યુવાન વેપારીને સલાબતપુરા અને ઉમરા પોલીસે ઝડપી લીધા હતા.

સલાબતપુરા પોલીસે મળેલી બાતમીના આધારે ગતરાત્રે 10 વાગ્યે બેગમપુરા વિરમગામી મહોલ્લો હજુરી ચેમ્બર્સની પાસે ઘર નં.4/2925 ની સામે છાપો મારી ત્યાં પોતાના ઘરની સામે બાઈક ઉપર બેસી મોબાઈલ ફોનમાં એપ્લિકેશન મારફતે આઈપીએલની ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયનસ વચ્ચેની 20-20 મેચ ઉપર સટ્ટો રમતા વેપારી મો.સોહીલ મો.સિદ્દીક શેખ ( ઉ.વ.32 ) ને રંગેહાથ ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂ.10 હજારની કિંમતનો મોબાઈલ ફોન કબ્જે કરી ચકાસતા તેમાં એપ્લિકેશન મારફતે સટ્ટો ચાલુ હતો. તેને સટ્ટો રમવા આઈડી રાંદેરના વહાબ અને ચોકબજારના ગુડ્ડુ પટેલે આપ્યા હતા. બંને આઇપીએલ શરૂ થઈ ત્યારથી ગ્રાહકો પાસે પૈસા લઈ એપ્લિકેશનની લીંક મોકલી આઈડી પાસવર્ડ આપતા હોવાનું પણ સોહીલે જણાવ્યું હતું. પોલીસે એપ્લિકેશનમાં ચેક કર્યું તો ખુલી નહોતી. ત્યારે સોહીલે કહ્યું કે ગ્રાહક પક્ડાયાની જાણ થાય એટલે વહાબ અને ગુડ્ડુ એપ્લિકેશન બ્લોક કરી દે છે. અગાઉ પણ બંનેએ આમ કર્યું છે. પોલીસે બંને બુકીને વોન્ટેડ જાહેર કર્યા છે.

ઉમરા પોલીસે પણ ગતરાત્રે 11 વાગ્યે વીઆઈપી રોડ વેસુ ફાયર સ્ટેશન નજીક ગોપાલ કોમ્પ્લેક્ષ સામે જાહેરમાં મોબાઈલ ફોનમાં એપ્લિકેશન મારફતે આઈપીએલની ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયનસ વચ્ચેની 20-20 મેચ ઉપર સટ્ટો રમતા વેપારીઓ શનિ નરેન્દ્રભાઈ ભાટીયા ( ઉ.વ.31, રહે.બી/707, સેંટોઝ હાઈટ્સ, ભીમરાડ, અલથાણ, સુરત ), શિવમ નરેન્દ્રભાઈ ખંડેલવાલ ( ઉ.વ.21, રહે.સી/709, સાંઈરુદ્ર, અલથાણ રોડ, સુરત ) અને કુલદીપ રાજેશ પચાર ( ઉ.વ.24, બી/303, શ્યામરચના રેસિડન્સી, સુરત ) ને ઝડપી લીધા હતા. તે પૈકી શનિ પોતે રમવાની સાથે સટ્ટો રમાડતો હતો. જયારે શિવમ અને કુલદીપ પૈકી કુલદીપે બુકી નીતિન અને તેના ભાગીદાર આશિષ ઢીંગરા પાસેથી મોબાઈલ એપ્લિકેશનમાં સટ્ટો રમવા માટે આઈડી- પાસવર્ડ મેળવ્યા હોય પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી ત્રણેય વેપારી પાસેથી રૂ.78 હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા.



લાખોના ખર્ચે એપ્લિકેશન બનાવાય તેમાંથી બુકીઓ માસ્ટર આઈડી 16 ટકામાં ખરીદી ગ્રાહકોને વેચે છે, નેટવર્ક ગોવાથી ઓપરેટ થાય છે

સૂત્રોના જણાવ્યા મુજબ જુગાર માટેની એપ્લિકેશન લાખોના ખર્ચે બનાવવામાં આવે છે અને તેમાંથી સંખ્યાબંધ બુકીઓને માસ્ટર આઈડી વેચવામાં આવે છે. બુકીઓ તે આઈડી 16 ટકામાં ખરીદી ગ્રાહકોને વેચી રોકડી કરે છે. સુરતમાં ગતરોજ સલાબતપુરા પોલીસે જેને વોન્ટેડ જાહેર કર્યા તે રાંદેરના વહાબ અને ચોકબજારના ગુડ્ડુ પટેલ ઉપરાંત બન્ટી ઉર્ફે રાવણ, મનોજ, ગજુ સહિત અનેક બુકીઓ સક્રિય છે. બુકીઓ આઈડી આપ્યા બાદ પણ તેની ચાવી તો તેમની પાસે રહે છે. અગર બુકીને તેમની નક્કી કરેલી ટકાવારીની રકમ કે નક્કી કરેલા રૂપિયા નહી આપે કે પછી પોલીસમાં પકડાઈ જાય તો તપાસનો રેલો તેમના સુધી નહી પહોચે તે માટે તેઓ ગ્રાહકની એપ્લિકેશન આઈડી બ્લોક કરી દે છે. બન્ટી ઉર્ફે રાવણ આઈપીએલ દરમિયાન સટ્ટાનું નેટવર્ક ગોવામાં બેસી ઓપરેટ કરતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here