FPIની સંખ્યા વધીને 10000ને પાર

મુંબઈ, તા. 13 જાન્યુઆરી 2021, બુધવાર

વિદેશી સંસ્થાકીય રોકાણકારો   – ફોરેન પોર્ટફોલિઓ ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ) દ્વારા ભારતમાં નાણાં ઠલવાઈ રહ્યા છે એટલું જ નહીં ભારતીય મૂડી બજારમાં કામકાજ કરવા ઈચ્છુક એફપીઆઈની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ભારત સહિતની ઊભરતી બજારોમાં હાલમાં સાનુકૂળ સ્થિતિને કારણે એફપીઆઈનું  આ બજારોમાં આકર્ષણ વધી રહ્યું છે.

૨૦૨૦ના ડિસેમ્બરમાં ભારતના મૂડી બજારના નિયામકો સમક્ષ ૧૦૦થી વધુ એફપીઆઈએ નોંધણી કરાવતા દેશમાં એફપીઆઈની સંખ્યા વધીને પ્રથમ વખત ૧૦,૦૦૦ને પાર કરી ગઈ હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. ડીમ્ડ એફપીઆઈસ સહિત કુલ સંખ્યા ૧૦૬૫૬ સુધી પહોંચી હોવાનું સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના આંકડા જણાવે છે. 

અગાઉની  નિયમનકારી પદ્ધતિ હેઠળ  ફોરેન ઈન્સ્ટિટયૂશનલ ઈન્વેસ્ટર્સ (એફઆઈઆઈ) તરીકે રજિસ્ટર્ડ થયેલા રોકાણકારો અને તેમના સબ-એકાઉન્ટસ નિયમો બદલાયા ત્યારે ડીમ્ડ એફપીઆઈસ હતા. 

ગયા વર્ષના નવેમ્બર તથા ડિસેમ્બરમાં દેશની ઈક્વિટીઝમાં ૧૬.૮૦ અબજ ડોલરનો એફપીઆઈ ઈન્ફલોઝ રહ્યો હતો જેના ટેકાએ દેશના શેરબજારોના મુખ્ય ઈન્ડાઈસિસ નવી ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા. કોરોના વાઈરસના ફેલાવાના પ્રારંભમાં એફપીઆઈની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. અનિશ્ચિતતાના માહોલ તથા લોકડાઉનને કારણે કામકાજ ખોરવાઈ જવાને  કારણે આ ઘટાડો જોવા મળ્યો હતો. 

કોરોનાવાઈરસના કાળમાં ભારતના શેરબજારોમાં પ્રારંભિક ઘટાડા બાદ જોરદાર ઉછાળો આવ્યો હતો જેને કારણે એફપીઆઈના રસમાં વધારો થયો છે એમ બજારના સુત્રોએ જણાવ્યું હતું. 

કોરોનાને કારણે સેબીએ પણ એફપીઆઈના રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને હળવી બનાવી છે. દેશના અર્થતંત્ર ૧૯૯૦ના પ્રારંભથી જ્યારથી ખુલ્લુ મૂકી દેવાયું છે ત્યારથી દેશમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની દેશના મૂડી બજારોમાં સક્રિય ભૂમિકા રહેલી છે. 

૨૦૨૦ના વર્ષમાં વિદેશી રોકાણકારોનો ઈન્ફલોઝ ૨૩ અબજ ડોલર જેટલો રહ્યો હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here