72 વર્ષની સૌથી નીચલા સ્તરે કોંગ્રેસ પાર્ટી, જમીની સ્તરના લોકો સાથે પકડ ગુમાવી રહ્યો છે પક્ષ: ગુલામ નબી આઝાદ

72 વર્ષની સૌથી નીચલા સ્તરે કોંગ્રેસ પાર્ટી, જમીની સ્તરના લોકો સાથે પકડ ગુમાવી રહ્યો છે પક્ષ: ગુલામ નબી આઝાદ

નવી દિલ્હી, તા. 22 નવેમ્બર 2020, રવિવાર

પહેલેથી જ આંતરિક વિવાદો સામે લડી રહેલી કોંગ્રેસનો આંતરિક વિખવાદ હવે સપાટી પર આવી રહ્યો છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ હવે પાર્ટીની મુશ્કેલીઓ વધતી જાય છે. પાર્ટીના કેટલાંય સિનિયર નેતાઓ હવે ખુલ્લીને સામે આવી રહ્યા છે અને પાર્ટીના હાઈકમાન્ડ પર સવાલો કરી રહ્યા છે.

કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે પણ પ્રતિક્રિયા આપી છે. તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છે કે, બિહારમાં થયેલા તેમની પાર્ટીના પ્રદર્શન માટે નેતૃત્વને જવાબદાર નથી ગણતાં. આ ઉપરાંત તેમણે પાર્ટીના નેતાઓને વ્યવહાર પર પણ સવાલો ઉભા કર્યા છે.

એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યુ હતું કે, અમે બધા હારથી ચિંતિત છીએ. ખાસ કરીને બિહાર વિધાનસભા અને પેટાચૂંટણીના પરિણામોથી હતાશ છીએ. હાર માટે નેતૃત્વને દોષ આપી શકાય નહીં. અમારા લોકોનો જમીની સ્તરનો સંપર્ક તુટી ગયો છે. લોકોને પાર્ટી સાથે પ્રેમ હોવો જોઈએ. છેલ્લા 72 વર્ષમાં કોંગ્રેસ સૌથી નિચલા પાયદાન પર છે.

આઝાદે પાર્ટીના નેતાઓના વ્યવહાર પર પણ સવાલો ઉભા કરતા કહ્યું કે, આ ચૂંટણીઓ કંઈ 5 સ્ટાર હોટલમાં બેસીને જીતી શકાય નહીં. આજે નેતાઓની પરેશાની એ છે કે, જો તેમને ટિકિટ મળી જાય તો, તેઓ 5 સ્ટાર હોટલ બુક કરાવે છે. પણ જો ક્યાંક રોડ ખરાબ થયાં હોય તો ક્યાંય નહીં જાય. હવે 5 સ્ટાર કલ્ચર ખતમ કરવુ પડશે, નહીંતર એક પણ ચૂંટણી જીતી શકીશું નહીં.

પાર્ટીના પદાધિકારીઓ વિશે તેમણે કહ્યું કે, પાર્ટીના પદાધિકારીઓએ પોતાની જવાબદારી સમજવી પડશે. જ્યાં સુધી તેમને પાર્ટીમાં કોઈ પદ આપવામાં આવે નહી ત્યાં સુધી તેઓ ક્યાંય નહી જાય પરંતુ જો દરેકને પદાધિકારી તરીકે પસંદ કરવામાં આવે તો તે પોતાની જવાબદારી સમજશે. હવે સમય છે કે દરેકને પાર્ટીમાં પદ આપવામાં આવે.

તેમણે જણાવ્યુ હતુ કે, પાર્ટીમાં મહત્વના ફેરફાર કરવામાં નહી આવે તો પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે. પાર્ટી અપોઈન્ટ નેતાથી ચાલી શકે નહી. પાર્ટીમાં કોઈને પણ ચૂંટીને પદાધિકારી બનાવવામાં આવ્યા નથી. પાર્ટીમાં અત્યારે જે કોઈપણ નેતા છે તેને અપોઈન્ટ કરવામાં આવ્યા છે. જેથી કોંગ્રેસમાં કેટલીક વ્યવસ્થાને બદલવાની જરૂર છે. જે અત્યારે પાર્ટીમાં કરવામાં આવી નથી.

ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે પાર્ટીને લઇ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતુ કે, કોંગેસ હવે પ્રભાવિ વિપક્ષ રહ્યો નથી. એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યું આપતા કપિલ સિબ્બલે કહ્યું હતુ કે, કોંગ્રેસ પાર્ટી છેલ્લા દોઢ વર્ષથી નેતા વગર ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટીના નેતાઓને પણ ખબર નથી કે ભવિષ્યમાં શુ કરવાનું છે અને ક્યા જવાનું છે. જ્યારે બીજી બાજું કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે કોંગ્રેસ પાર્ટીને લઇ નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વને લઇને કોઇ સંકટ નથી. સોનિયા અને રાહુલ ગાંધીને સપોર્ટ મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here