સમાપ્ત થયેલા ૨૦૨૦ના વર્ષમાં ઓનલાઈન ટ્રાન્ઝકશન્સમાં ૨૦૧૯ની સરખામણીએ ૮૦ ટકા વધારો થયો છે. કોરોનાના કાળમાં દેશના દ્વીતિય તથા તૃતિય શ્રેણીના શહેરોમાં ડિજિટલ ટ્રાન્ઝકશન્સના સ્વીકારમાં વધારો થતા એકંદર ઓનલાઈન વ્યવહારમાં વધારો જોવા મળ્યો છે એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું.
યુપીઆઈ મારફતના વ્યવહારમાં ૧૨૦ ટકા વધારો થયો છે. કાર્ડસ, નેટબેન્કિંગ તથા વોલેટસ મારફતના વ્યવહાર કરતા યુપીઆઈ મારફતના વ્યવહારમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી છે.કોરોનાને કારણે લાગુ કરાયેલા લોકડાઉનના પ્રારંભિક સમયમાં ડિજિટલ વ્યવહારમાં ઘટાડો નોંધાયો હતો પરંતુ લોકડાઉન હળવા થવા સાથે ડિજિટલ પેમેન્ટસમાં વધારો જોવા મળ્યો હતો.
ઉપભોગતાઓ ઉપરાંત વેપારગૃહો દ્વારા પણ ડિજિટલ પેમેન્ટસનો મોટેપાયે સ્વીકાર કરાયો હોવાનું જોવા મળી રહ્યું છે. ૨૦૨૦ના પ્રથમ ૬ મહિનાની સરખામણીએ પાછલા ૬ મહિનામાં ડિજિટલ પેમેન્ટસમાં ૭૩ ટકા વૃદ્ધિ જોવા મળી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
૨૦૨૦માં થયેલા કુલ ડિજિટલ ટ્રાન્ઝકશન્સમાંથી ૫૪ ટકા વ્યવહાર દ્વીતિય તથા તૃતિય શ્રેણીના શહેરોમાંથી થયા હતા. આ શહેરો ખાતેથી ડિજિટલ વ્યવહારમાં એક જ વર્ષમાં ૯૨ ટકા વધારો થયાનું પણ જણાવાયું હતું.