વાહનોના ઉત્પાદન માટેના મુખ્ય કાચા માલ સ્ટીલના ઊંચા ભાવ ઉપરાંત તેના પૂરવઠામાં ખેંચને કારણે વર્તમાન ત્રિમાસિક ગાળામાં દેશમાં વાહનોનું ઉત્પાદન ટાર્ગેટ કરતા ૧૮થી ૨૦ ટકા ઓછું રહેવા ધારણાં મુકાઈ રહી છે.
વાહનોનાડિલરો પાસે હાલમાં ઈન્વેન્ટરીનું સ્તર પણ ઘણું નીચું છે. ગયા વર્ષે તહેવારોની મોસમ પૂરી થયા બાદ ઈન્વેન્ટરીનું સ્તર ઘટી રહ્યાનું સુત્રોએ જણાવ્યું હતું. ઉત્પાદન પર અસરને જોતા માર્ચ ત્રિમાસિક ગાળામાં અંદાજ કરતા ૧.૪૦ લાખ વાહનો ઓછા ઉત્પન્ન થવાની ધારણાં રખાઈ રહી છે.માત્ર વાહન ઉત્પાદકો જ નહીં પણ ઓટો પાર્ટસના ઉત્પાદનમાં પણ સ્ટીલના ઊંચા ભાવની અસર પડી રહી છે. સ્ટીલના ઊચા ભાવને કારણે વાહન ઉત્પાદકોના માર્જિન પર અસર પડી રહી છે.
ઉત્પાદનમાં સૂચિત ઘટાડાને જોતા આગામી દિવસોમાં વાહનો માટેની માગ તથા પૂરવઠા વચ્ચે અંતર ઊભું થાય તો નવાઈ નહીં એમ ઓટો ક્ષેત્રના સુત્રોએ જણાવ્યું હતું.
કોરોના કાળ બાદ પરિવહન માટે વ્યક્તિગત વાહનો ખાસ કરીને ટુ વ્હીલર્સ તથા ફોર વ્હીલર્સની માગમાં વધારો જોવા મળી રહ્યો છે. ઘરઆંગણે સ્ટીલના ભાવમાં છેલ્લા એક વર્ષમાં ૬૦ ટકા વધારો થયો છે. ૨૦૨૦ના જુલાઈથી સ્ટીલના ભાવમાં વધારો શરૂ થયાનું સુત્રોએ જણાવ્યું હતું. ભારતમાં સ્ટીલના કુલ વપરાશમાંથી ૧૪થી ૧૫ ટકા વપરાશ ઓટો ક્ષેત્ર દ્વારા થાય છે.