સેન્સેક્સ અફડાતફડીના અંતે 25 પોઈન્ટ પોઈન્ટ ઘટીને 49492

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 13 જાન્યુઆરી 2021, બુધવાર

કોર્પોરેટ ઈન્ડિયાની ડિસેમ્બર ૨૦૨૦ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં એકંદર અપેક્ષાથી સારા પરિણામોથી શરૂઆત સાથે હવે કેન્દ્રિય બજેટની તૈયારીએ ઉદ્યોગોની અપેક્ષાઓ અને નાણા પ્રધાનના આ વખતે ઐતિહાસિક બજેટ રજૂ કરવાના આગોતરા સંકેતે ભારતીય શેર બજારોમાં ઐતિહાસિક લાંબી તેજી જોવાયા બાદ આજે ફરી ઈન્ડેક્સ બેઝડ ફંડોએ તેજીને બ્રેક લગાવી હતી. બજાર લાંબા સમયથી ઓવરબોટ સ્થિતિમાં હોઈ લોકલ ફંડોએ દરેક ઉછાળે શેરોમાં વેચીને નફો બુક કરવાનું પસંદ કર્યું હોવા સામે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ)ની શેરોમાં અવિરત ખરીદી આજે પણ ચાલુ રહી હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાનીએ આજે સતત બીજા દિવસે ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં તેજી કરી હતી. આ સાથે ટીસીએસ બાદ હવે ઈન્ફોસીસના પરિણામ પૂર્વે ફંડોએ આઈટી શેરોમાં સતત લેવાલી કરતાં અને ઓઈલ-ગેસ શેરો સાથે ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે વાહનોના સ્ક્રેપમાં લઈ જવાની પોલીસીને આખરી ઓપ અપાઈ રહ્યાના સંકેતે ઓટો શેરોમાં આજે ફંડોની અવિરત તેજી રહી હતી. અલબત કન્ઝયુમર ડયુરેબલ્સ, ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં ઓફલોડિંગે અને અન્ય ઈન્ડેક્સ હેવીવેઈટ શેરોમાં નરમાઈએ અફડાતફડીના અંતે સેન્સેક્સ ૨૪.૭૯ પોઈન્ટ ઘટીને ૪૯,૪૯૨.૩૨ અને નિફટી સ્પોટ ૧.૪૦ પોઈન્ટ વધીને ૧૪,૫૬૪.૮૫ બંધ રહ્યા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૧૧ પૈસા ઘટીને રૂ.૭૩.૧૪ રહ્યો હતો.

સેન્સેક્સ અફડાતફડીમાં ૪૯૭૯૫ નવો ઈતિહાસ રચીને નીચામાં ૪૯૦૭૩ સુધી આવી અંતે ૨૫ પોઈન્ટ ઘટીને ૪૯૪૯૨

ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૪૯૫૧૭.૧૧ સામે ૪૯૭૬૩.૯૩ મથાળે ખુલીને ફંડોની ઓટોમોબાઈલ શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં મોટી ખરીદી અને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાનીએ એક્સીસ બેક, ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક સહિતમાં તેજી અને ભારતી એરટેલમાં ફોરેન ફંડોનું રોકાણ વધારીને ૧૦૦ ટકા કરવાના નિર્ણયે સતત ખરીદી સાથે ઓએનજીસી, આઈટીસી, એનટીપીસી, લાર્સન, નેસ્લે ઈન્ડિયા, પાવર ગ્રીડ કોર્પ સહિતમાં લેવાલીએ એક સમયે વધીને ૪૯૭૯૫.૧૯ નવી ઊંચાઈનો ઈતિહાસ રચાયા બાદ ઘટાડા તરફી થઈ જઈ બજાજ ફાઈનાન્સ, એચડીએફસી લિમિટેડ, બજાજ ફિનસર્વમાં મોટું પ્રોફિટ બુકિંગ થતાં અને કોટક મહિન્દ્રા બેંક, ડો.રેડ્ડીઝ લેબ., સન ફાર્મા, ટાઈટન કંપની, મારૂતી સુઝુકી, ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી, રિલાયન્સમાં વેચવાલીએ ઘટીને નીચામાં ૪૯૦૭૩.૮૫ સુધી આવી ગયા બાદ અંતે ૨૪.૭૯ પોઈન્ટ ઘટીને ૪૯,૪૯૨.૩૨ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ૧૪,૬૫૩ નવો ઈતિહાસ રચી નીચામાં ૧૪,૪૩૫ સુધી આવી અંતે એક પોઈન્ટ વધીને ૧૪,૫૬૫ નવી ઊંચાઈએ

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૪,૫૬૩.૪૫ સામે ૧૪,૬૩૯.૮૦ મથાળે ખુલીને આરંભમાં તેજીમાં ઓટો જાયન્ટ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં આકર્ષણે અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાનીમાં બેંકિંગ શેરો તેમ જ બીપીસીએલ, આઈઓસી, ઓએનજીસી સહિતના ઓઈલ-ગેસ શેરો અને ટાટા સ્ટીલ, અદાણી પોર્ટસ, આઈટીસી, ગ્રાસીમ, ભારતી એરટેલ, એનટીપીસી, ટાટા મોટર્સ, એક્સીસ બેંક, ઈન્ફોસીસ, જેએસડબલ્યુ સ્ટીલ સહિતમાં આકર્ષણે અને ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, વિપ્રો પરિણામ પૂર્વે વધી આવતાં તેમ જ અલ્ટ્રાટેક સિમેન્ટ, લાર્સન, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, નેસ્લે ઈન્ડિયામાં મજબૂતીએ ૧૪,૬૫૩.૩૫ની નવી ઊંચાઈનો વિક્રમ સ્થાપ્યા બાદ એચડીએફસી લિમિટેડ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વમાં ઓફલોડિંગે અને શ્રી સિમેન્ટ, ટાઈટન, દિવીઝ લેબ., સન ફાર્મા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી લાઈફ, એચડીએફસી બેંકમાં વેચવાલીએ ઘટીને નીચામાં ૧૪,૪૩૫.૭૦ સુધી આવ્યા બાદ અંતે ૧.૪૦ પોઈન્ટ વધીને ૧૪,૫૬૪.૮૫ની નવી વિક્રમી ઊંચાઈએ  બંધ રહ્યો હતો.

ટેકનીકલી નિફટી સ્પોટમાં નજીકનો ટ્રેન્ડ તેજી : ૧૪૦૦૦ના ક્લોઝિંગ સ્ટોપલોસે તેજીનું ધ્યાન

ટેકનીકલી નિફટી સ્પોટમાં નજીકનો ટ્રેન્ડ તેજી બતાવાઈ રહ્યો છે. નિફટી સ્પોટમાં ૧૪૦૦૦ના ક્લોઝિંગ સ્ટોપલોસે તેજીમાં રહેવાનું ધ્યાન બતાવાય છે.

નિફટી ફયુચર ૧૪૫૯૭ થી ઘટીને ૧૪,૫૯૧ : બેંક નિફટી ફયુચર ૩૨,૪૫૫ થી વધીને ૩૨,૬૪૯

ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ ફંડોની આજે ઘટાડે ફરી તેજી થઈ હતી. નિફટી જાન્યુઆરી ફયુચર ૧૪,૫૯૭.૯૫ સામે ૧૪,૬૫૩.૮૫ મથાળે ખુલીને નીચામાં ૧૪,૪૭૬ થઈ વધીને ૧૪,૬૬૦ સુધી પહોંચી અંતે ૧૪,૫૯૧.૧૫ રહ્યો હતો. બેંક નિફટી જાન્યુઆરી ફયુચર ૩૨,૪૫૫.૦૫ સામે ૩૨,૬૦૩ મથાળે ખુલીને નીચામાં ૩૨,૨૫૧.૮૫ થઈ વધીને ૩૨,૭૫૮.૧૫ સુધી પહોંચી અંતે ૩૨,૬૪૯.૧૫ રહ્યો હતો. 

સ્ટેટ બેંક રૂ.૧૪ ઉછળીને રૂ.૩૦૭ : એક્સીસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક , ICICI બેંક, હુડકો, જે એન્ડ કે બેંક, બીઓબી વધ્યા

બેંકિંગ શેરોમાં આજે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાનીએ ફંડોની પસંદગીની સતત તેજી રહેતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૨૫.૪૦ પોઈન્ટ વધીને ૩૬,૯૭૬.૧૬ બંધ રહ્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૪.૦૫ વધીને રૂ.૩૦૬.૭૦, એક્સીસ બેંક રૂ.૧૨.૦૫ વધીને રૂ.૬૮૭.૭૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૫.૨૦ વધીને રૂ.૯૪૨.૭૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૮.૫૦ વધીને રૂ.૫૫૬.૪૦, મેગ્મા ફિનકોર્પ રૂ.૨.૩૦ ઘટીને રૂ.૪૫.૨૫, દિવાન હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧.૩૦ ઘટીને રૂ.૨૫.૬૫, હુડકો રૂ.૪.૨૫ વધીને રૂ.૪૬.૯૫, જે એન્ડ કે બેંક રૂ.૨.૭૫ વધીને રૂ.૩૦.૫૫, બેંક ઓફ બરોડા રૂ.૧૪.૦૫ વધીને રૂ.૩૦૬.૭૦, કેનેરા બેંક રૂ.૫.૫૦ વધીને રૂ.૧૪૪.૭૦, પીએનબી હાઉસીંગ રૂ.૬.૯૦ વધીને રૂ.૩૭૬ રહ્યા હતા. 

એચડીએફસી લિ. રૂ.૭૫, બજાજ ફિનસર્વ રૂ.૧૭૫, બજાજ ફાઈનાન્સ રૂ.૧૪૩, કોટક બેંક રૂ.૨૧ ઘટયા

ફાઈનાન્સ- અન્ય બેંકિંગ શેરોમાં એચડીએફસી લિમિટેડ રૂ.૭૫.૭૫ ઘટીને રૂ.૨૬૭૦.૨૫, બજાજ ફાઈનાન્સ રૂ.૧૪૩.૬૫ ઘટીને રૂ.૪૮૯૯.૫૦, બજાજ ફિનસર્વ રૂ.૧૭૫.૦૫ ઘટીને રૂ.૮૭૯૧.૫૦, ફેડરલ બેંક રૂ.૧.૫૦ ઘટીને રૂ.૭૪.૭૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૧.૧૦ ઘટીને રૂ.૧૮૮૩.૧૫, આરબીએલ બેંક રૂ.૨.૮૦ ઘટીને રૂ.૨૫૪.૫૦, એચડીએફસી બેંક રૂ.૧૦.૩૫ ઘટીને રૂ.૧૪૭૦.૯૫ રહ્યા હતા.

પેટ્રોલ, ડિઝલની માંગમાં વૃદ્વિએ ઓઈલ-ગેસ શેરોમાં સતત તેજી : આઈઓસી, બીપીસીએલ, ઓએનજીસી, એચપીસીએલ વધ્યા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં રહીને બ્રેન્ટ ક્રુડ ૫૭ ડોલર નજીક પહોંચી જતાં અને દેશમાં પણ પેટ્રોલ, ડિઝલની માંગમાં સતત થઈ રહેલી વૃદ્વિએ ફંડોની આજે ઓઈલ-ગેસ શેરોમાં સતત લેવાલી રહી હતી. આઈઓસી રૂ.૨.૯૦ વધીને રૂ.૧૦૦.૮૫, બીપીસીએલ રૂ.૯.૫૦ વધીને રૂ.૪૧૧.૮૫, ઓએનજીસી રૂ.૧.૭૫ વધીને રૂ.૧૦૫.૨૦, એચપીસીએલ રૂ.૨.૦૫ વધીને રૂ.૨૨૭, કેસ્ટ્રોલ ઈન્ડિયા રૂ.૧.૨૫ વધીને રૂ.૧૨૯.૩૦ રહ્યા હતા. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૭.૫૫ ઘટીને રૂ.૧૯૩૯.૧૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૫.૧૦ ઘટીને રૂ.૨૬૫.૩૫ રહ્યા હતા.

વાહનોના સ્ક્રેપની પોલીસીની તૈયારીએ ઓટો શેરોમાં તેજી : મહિન્દ્રા રૂ.૪૮ ઉછળીને રૂ.૮૨૮ : ટાટા મોટર્સ, બોશ વધ્યા

દેશમાં પ્રદુષણ નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર દ્વારા જૂના વાહનોને સ્ક્રેપમાં લઈ જવા માટેની લાંબા સમયથી અટવાયેલી પોલીસીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યાના અને આ વખતે કેન્દ્રિય બજેટમાં આ મામલે મોટી જાહેરાત થવાના  સંકેત તેમ જ કોરોનાને લઈ લોકોની પોતાના અંગત વાહનોમાં વહનની વધતી પસંદગીએ વાહનોની ખરીદી વધતાં ઓટો શેરોમાં સતત લેવાલી રહી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૮.૬૫ વધીને રૂ.૮૨૮.૬૫, ટાટા મોટર્સ રૂ.૪.૭૦ વધીને રૂ.૨૪૨.૫૦, બોશ રૂ.૧૩૬.૫૦ વધીને રૂ.૧૪,૭૬૨.૬૦, હીરો મોટોકોર્પ રૂ.૧૧.૨૫ વધીને રૂ.૩૨૫૭.૪૦ રહ્યા હતા. જ્યારે બજાજ ઓટો રૂ.૨૨.૭૦ ઘટીને રૂ.૩૬૦૧.૭૦, મારૂતી સુઝુકી રૂ.૪૬.૪૦ ઘટીને રૂ.૮૧૩૭.૪૦, એમઆરએફ રૂ.૩૪૨.૨૫ ઘટીને રૂ.૮૫,૪૦૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૯૦.૮૦ પોઈન્ટ વધીને ૨૩,૦૩૦.૮૯ બંધ રહ્યો હતો. 

ઈન્ફોસીસ, વિપ્રો પરિણામ જાહેર થતાં પૂર્વે વધ્યા : ટાટા એલેક્સી રૂ.૨૯૯, સિગ્નિટી ટેક, મેજેસ્કો, એલ એન્ડ ટી ટેકનો વધ્યા

આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોની આજે સતત પસંદગીની લેવાલી રહી હતી. ઈન્ફોસીસ, વિપ્રોના સાંજે ત્રિમાસિક પરિણામ અને આઉટલૂક જાહેર થતાં પૂર્વે ફંડો લેવાલ રહ્યા હતા. વિપ્રો રૂ.૧.૦૫ વધીને રૂ.૪૫૮.૭૫, ઈન્ફોસીસ રૂ.૧૫.૮૫ વધીને રૂ.૧૩૮૭.૭૦, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૨૩.૪૫ વધીને રૂ.૧૬૪૯.૫૦, એલ એન્ડ ટી ઈન્ફોટેક રૂ.૧૩૨.૫૫ વધીને રૂ.૪૪૧૭.૩૫, ટાટા એલેક્સી રૂ.૨૯૯.૩૦ વધીને રૂ.૨૩૭૬.૪૦, સિગ્નિટી ટેક રૂ.૨૨.૪૫ વધીને રૂ.૪૧૧.૯૫, એલ એન્ડ ટેકનોલોજી રૂ.૯૪ વધીને રૂ.૨૬૦૦.૩૫ રહ્યા હતા. 

કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૨૦ પોઈન્ટ ઘટયો : બજાજ ઈલેક્ટ્રિકલ્સ રૂ.૧૦૬ વધીને રૂ.૮૧૯ : ટાઈટન, ડિક્સન ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આજે એકંદર સતત પ્રોફિટ બુકિંગ થયું હતું. અલબત બજાજ ઈલેક્ટ્રિકલ્સ રૂ.૧૦૬.૧૫ વધીને રૂ.૮૧૯ રહ્યો હતો.  ડિક્સન ટેકનોલોજી રૂ.૫૨૧.૮૫ ઘટીને રૂ.૧૪,૫૩૫.૬૦, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૮૧.૬૫ ઘટીને રૂ.૨૪૯૭.૮૦, ટાઈટન કંપની રૂ.૨૨.૫૫ ઘટીને રૂ.૧૫૦૪.૬૫, વ્હર્લપુલ રૂ.૩૬.૭૦ ઘટીને રૂ.૨૪૭૨.૪૫, વોલ્ટાસ રૂ.૯.૩૦ ઘટીને રૂ.૮૯૪.૪૫ રહ્યા હતા.

વેક્સિન ડેવલપમેન્ટમાં પ્રગતિ વચ્ચે ફાર્મા શેરોમાં પ્રોફિટ બુકિંગ : અબોટ ઈન્ડિયા, સુવેન ફાર્મા, મોરપેન લેબ., વોખાર્ટ ઘટયા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં આજે ફંડોએ પ્રોફિટ બુકિંગ શરૂ કર્યું હતું. કોરોના વેક્સિનના ડેવલપમેન્ટમાં સારી પ્રગિતએ ફંડો ફાર્મા શેરોમાં તેજીનો વેપાર હળવો કરવા લાગ્યા હતા. સુવેન ફાર્મા રૂ.૧૪.૧૫ ઘટીને રૂ.૪૩૪.૬૦, મોરપેન લેબ રૂ.૧ ઘટીને રૂ.૩૦.૮૫, હેસ્ટર બાયો રૂ.૪૭.૨૦ ઘટીને રૂ.૧૭૦૮.૮૦, વોખાર્ટ રૂ.૧૩.૨૦ ઘટીને રૂ.૪૯૫.૬૦, અબોટ ઈન્ડિયા રૂ.૩૯૮.૨૫ ઘટીને રૂ.૧૫,૦૦૮.૫૫, ટોરન્ટ ફાર્મા રૂ.૬૮.૬૦ ઘટીને રૂ.૨૭૬૭.૮૯ રહ્યા હતા. જયારે દિશમેન કાર્બોજેન રૂ.૮.૭૫ વધીને રૂ.૧૫૦, જયુબિલન્ટ લાઈફ રૂ.૫૧.૬૦ વધીને રૂ.૯૭૮.૨૦, ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયા રૂ.૬.૯૦ વધીને રૂ.૩૬૮.૪૦ રહ્યા હતા. 

અંતે ફંડો, ખેલંદાઓનું સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ શરૂ : ૧૮૬૩ શેરો નેગેટીવ બંધ : ૩૩૬ શેરોમાં તેજીની સર્કિટ

અંતે ફંડો, ખેલંદાઓએ આજે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ઘટાડે શેરોમાં ફંડો, ખેલંદાઓએ વ્યાપક પ્રોફિટ શરૂ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૧૨  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૨૦૯  અને ઘટનારની ૧૮૬૩ રહી હતી. ૩૩૬  શેરોમાં ઓનલી બાયરની તેજીની સર્કિટ સામે ૨૬૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૧૮૭૯ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની કેશમાં રૂ.૨૩૭૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો-ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની આજે-બુધવારે કેશમાં રૂ.૧૮૭૯.૦૬ કરોડના શેરોની  ચોખ્ખી ખરીદી થઈ હતી. જેમાં કુલ રૂ.૧૦,૨૬૩.૫૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૩૮૪.૫૧ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૩૭૦.૧૭  કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૫૭૭૭.૨૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૧૪૭.૩૭  કરોડની વેચવાલી થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here