સુરતમાં રવિવારે ભીડ વધે તેવા બજાર મ્યુનિ. અને પોલીસે બંધ કરાવી દીધા

સુરતમાં રવિવારે ભીડ વધે તેવા બજાર મ્યુનિ. અને પોલીસે બંધ કરાવી દીધા

રાજમાર્ગ, મજુરાગેટ પર ભરાતા રવિવારી બજાર સાથે ચૌટા, ઝાંપા બજાર અને માર્કેટ વિસ્તારમાં સોશ્યલ ડિસ્ટન્સ ન દેખાતા બંધ કરાયા 

સુરત, તા. 22 નવેમ્બર 2020 રવિવાર

સુરતના કેટલાક વિસ્તારમાં ભરાતા રવિવારી બજાર સાથે કાયમ ભીડ હોય તેવા ચૌટા બજાર અને ઝાંપા બજાર સહિતના અનેક વિસ્તાર પાલિકાએ પોલીસની મદદથી બંધ કરાવી દીધા હતા. અચાનક જ પાલિકા અને પોલીસ ભીડવાળા બજારમાં ત્રાટકી જતાં લોકોમાં નાસભાગ થઈ ગઈ હતી. આ જગ્યાઓ પર સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતા પોલીસ અને પાલિકાએ બજાર બંધ કરાવવાનું શરૂ કરી દીધું છે. 

દિવાળી બાદ સુરતમાં કોરોના સંક્રમણમાં વધારો થતાં પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. સુરત મ્યનિ.ના સૌથી ભીડવાળા ચૌટા બજારમાં આજે વહેલી સવારે મ્યુનિ.કમિશ્નરના રાઉન્ડ સાથે પાલિકાના સેન્ટ્રલ ઝોને પોલીસની મદદથી જ્યાં રવિવારે વધુ લોકો ભેગા થાય છે.

તેવી જગ્યાની દુકાનો બંધ કરાવવા સાથે લારી ગલ્લા અને પાથરણા હટાવી દેવાની કામગીરી કરી હતી. સવારે દુકાન ખોલીને ધંધો કરવાની શરૂઆત કરી હતી તો બીજી તરફ પોલીસ અને પાલિકાની ટીમ આવીને દુકાનો તાત્કાલિક બંધ કરાવી દેતાં ગભરાટનો માહોલ થઈ ગયો હતો.

સુરતમાં મજુરાગેટ ગાંધી કોલેજ નજીક રવિવારે મોટું રવિવારી બજાર ભરાઈ છે અને છેલ્લા ઘણાં વખતથી ભારે ભીડ સાથે જ  બજાર ચાલી રહ્યું છે. વારંવારની તાકીદ છતાં પણ આ બજારમાં માથાભારે તત્વો હોવાથી મ્યુનિ.તંત્ર બજાર બંધ કરાવી શકી નથી પરંતુ આજે મ્યુનિ. કમિશ્નર શહેરના વિવિધ વિસ્તારમાં રાઉન્ડ પર નિકળવાના હોવાથી આ બજાર પણ મ્યુનિ.તંત્રએ પોલીસની મદદથી આ બજાર પણ બંધ કરાવી દીધું હતું.

આ ઉપરાંત રવિવારે શહેરના રાજ માર્ગ, ચૌટા બજાર, ઝાંપા બજાર અને રીંગરોડના માર્કેટ વિસ્તારમાં પણ લોકોની ભીડ જોવા મળે છે. આ જગ્યાઓ પર પણ સોશ્યલ ડિસન્ટસન ન જળવાતું હોવાથી મ્યુનિ. તંત્રએ આ વિસ્તારની દુકાનો પણ બંધ કરાવી દીધી હતી.

સેન્ટ્રલ ઝોન ઉપરાંત મ્યુનિ.ના અન્ય ઝોનમાં પણ જ્યાં લોકો વધુ ભેગા થતાં હોય અને સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતું હોય તે જગ્યાએ મ્યુનિ. અને પોલીસની ટીમ પહોંચીને દુકાનો બંધ કરાવવા સાથે લોકોને સોશ્યલ ડિસન્ટન્સ રાખવા માટેની અપીલ કરતી નજરે પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here