સુરતમાં માર્કેટીંગ કંપનીના ફ્રેન્ચાઇઝી ધારકે ઓફિસની પરિણીતા સાથે દુષ્કર્મ આચાર્યુ

સુરતમાં માર્કેટીંગ કંપનીના ફ્રેન્ચાઇઝી ધારકે ઓફિસની પરિણીતા સાથે દુષ્કર્મ આચાર્યુ

સુરત,  તા.18 ઓકટોબર 2020, રવિવાર

સરથાણાના યોગીચોકના અમેઝિંગ સ્ટાર યસબીજ અને સ્વદેશી મંત્રા માર્કેટીંગ પ્રા. લિ.ની ફ્રેન્ચાઇઝી ધરાવનારે ઓફિસમાં કામ કરતી પરિણીતા પર બળાત્કાર ગુજારવા ઉપરાંત આ મુદ્દે જો સમાધાન નહીં કરે અને પોલીસ ફરિયાદ કરશે તો પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.

સરથાણા યોગીચોક વિસ્તારમાં અમેઝિંગ સ્ટાર યશબીજ અને સ્વદેશી મંત્રા માર્કેટીંગની ફ્રેન્ચાઇઝી ધરાવતા શૈલેષ બોધરાએ પોતાની ઓફિસમાં પરિણીતાને નોકરી પર રાખી હતી. ગત તા. 10 ના રોજ સાડા નવ વાગ્યાના અરસામાં પરિણીતા ઓફિસમાં એકલી હતી. તે દરમ્યાન પરિણીતાની એકલતાનો ગેરલાભ લઇ શૈલેષે તેણી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. પોતાની સાથે અઘટિત કૃત્ય થતા સ્તબ્ધ થઇ જનાર પરિણીતા તુરંત જ નોકરી છોડવાનું અને પોલીસ ફરિયાદ કરશે તેમ કહી ઓફિસની બહાર નીકળી ગઇ હતી. પરિણીતાએ પોલીસ ફરિયાદનું કહેતા વેંત શૈલેષને પરસેવો છુટી ગયો હતો અને પોતાની આબરૂ બચાવવા માટે પરિણીતાને ફોન કરી સમાધાન કરવા માટે દબાણ કર્યુ હતું. બીજી તરફ પોતાની પણ આબરૂ જશે તે વિચાર માત્રથી પરિણીતાએ જે તે વખતે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું અને સમગ્ર બાબત અંગે પતિને જાણ કરી હતી. 

જો કે ત્યાર બાદ પણ શૈલેષે વારંવાર પરિણીતાને ફોન કરી જો પોલીસ ફરિયાદ કરશે તો તેને અને તેના પતિને જાનથી મારી નાંખશે તેવી ધમકી ઉચ્ચારી હતી. પોતાને અને પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપતા છેવટે પરિણીતાએ શૈલેષ વિરૂધ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here