સિંગતેલમાં આગળ ધપતી તેજી

સિંગતેલમાં આગળ ધપતી તેજી

(વાણિજ્ય પ્રતિનિધિ દ્વારા), મુંબઈ, તા. 17 ઓક્ટોબર 2020, શનિવાર

મુંબઈ તેલ-તેલીબિયાં બજારમાં આજે નવરાત્રિના પ્રથમ દિવસે સિંગતેલમાં તેજીની આગેકૂચ ચાલુ રહી હતી, સામે કપાસિયા તેલના ભાવ પણ ઊંચકાયા હતા. આયાતી ખાદ્યતેલોમાં પામતેલ તથા સોયાતેલના ભાવ ઊંચા બોલાતા હતા, જ્યારે સનફ્લાવરના ભાવો નીચા બોલાઈ રહ્યા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, મુંબઈ બજારમાં જોકે આજે નવી માગ પાંખી હતી અને વેપારો છૂટાછવાયા હતા. 

દરમિયાન, વિશ્વબજારમાં અમેરિકાના કૃષિબજારોના ઓવરનાઈટ સમાચાર એકંદરે જોકે ઘટાડો બતાવી રહ્યા હતા. દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના ઊછળી રૂ.૧,૩૫૦ બોલાયા હતા, જ્યારે કપાસિયા તેલના ભાવ વધી રૂ.૯૫૭ રહ્યા હતા. ઉત્પાદક મથકોએ આજે સિંગતેલના ભાવ વધુ વધી રૂ.૧,૩૨૦થી રૂ.૧,૩૨૫ તથા ૧૫ કિલોના રૂ.૨,૦૯૦થી રૂ.૨,૧૦૦ બોલાતા હતા, સામે કોટન વોશ્ડના ભાવ પણ ઊછળી રૂ.૮૯૦થી રૂ.૮૯૫ રહ્યાના સમાચાર હતા.

દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે પામતેલના ભાવ વધી રૂ.૮૬૦ રહ્યા હતા, જ્યારે ક્રૂડ પામ ઓઈલ (સીપીઓ) કંડલાના ભાવ વધી રૂ.૭૯૦થી રૂ.૭૯૨ બોલાતા હતા. સોયાતેલ ડીગમના ભાવ રૂ.૯૦૦ તથા રિફાઈન્ડના રૂ.૯૨૫, મસ્ટર્ડના રૂ.૧,૦૮૦ના મથાળે શાંત હતા. દરમિયાન, સનફ્લાવરના ભાવ આજે રૂ.૧૦ ઘટી રૂ.૧,૧૨૦ તથા રિફાઈન્ડના રૂ.૧,૧૫૦ બોલાઈ રહ્યા હતા.

નવી મુંબઈ બંદરે સનફ્લાવરના ભાવ નજીકની ડિલિવરી માટે રૂ.૧,૧૧૦ તથા દૂરની ડિલિવરી માટે રૂ.૧,૦૫૦થી રૂ.૧,૦૭૦ રહ્યાના સમાચાર હતા. દરમિયાન, મુંબઈ બજારમાં આજે હાજર દિવેલના ભાવ રૂ.૨ વધ્યા હતા, જ્યારે હાજર એરંડાના ભાવ રૂ.૧૦ ઊંચકાયા હતા. દરમિયાન, મુંબઈ ખોળ બજારમાં આજે ૧ ટનના ભાવ સોયાખોળના આશરે રૂ.૫૦૦ ઘટયા હતા, જ્યારે અન્ય ખોળો શાંત હતા.

દરમિયાન, અમેરિકાના કૃષિ બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનનો વાયદો ૧૨૨ પોઈન્ટ ઘટયો હતો, સામે સોયાતેલનો વાયદો ૧૮ પોઈન્ટ તથા સોયાખોળનો વાયદો ૪૬ પોઈન્ટ ઘટયાના સમાચાર હતા, જ્યારે ત્યાં કોટનનો વાયદો જોકે, ૭૦ પોઈન્ટ ઊંચકાયો હતો. દરમિયાન, અમેરિકા ખાતેથી સોયાબીનની નિકાસ માટે  ચીન માટે આશરે ૧,૨૮,૦૦૦ ટનના તથા અન્ય દેશો માટે આશરે ૩,૯૧,૦૦૦ ટનના વેપાર થયાના સમાચાર હતા.

જોકે, બ્રાઝિલમાં જેની આવશ્યક્તા હતી એવો વરસાદ શરૂ થતાં ત્યાં સોયાબીનના પાક માટે ફરી આશાવાદ સર્જાયો હતો અને તેના પગલે અમેરિકાના કૃષિ બજારોમાં સોયાબીનનો વાયદો ઓવરનાઈટ ઘટયો હોવાનું વિશ્વબજારના જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, મલેશિયા ખાતે આગળ ઉપર પામતેલમાં ચીનની માગ વધવાની શક્યતા પણ જાણકારો બતાવી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here