સાત મોટા શહેરોમાં રહેઠાણ વેચાણમાં પચાસ ટકાથી વધુ ઘટાડો

મુંબઈ, તા. 13 જાન્યુઆરી 2021, બુધવાર

સમાપ્ત થયેલા ૨૦૨૦ના વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં રહેઠાણ વેચાણના આંક દેશના મોટા શહેરોમાં ભલે ઊંચા રહ્યા હોય પરંતુ સંપૂર્ણ  વર્ષની વાત કરીએ તો ગત વર્ષમાં સાત મોટા શહેરોમાં રહેઠાણ વેચાણમાં વાર્ષિક ધોરણે પચાસ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

૨૦૧૯માં ૧.૪૩ લાખ રહેઠાણોની સામે ૨૦૨૦માં સાત શહેરોમાં કુલ ૭૪૪૫૦ રહેઠાણો વેચાયા હતા. ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં રહેઠાણના વેચાણમાં સપ્ટેમ્બર ત્રિમાસિકની સરખામણીએ ૫૧ ટકા વધારો થયો હતો એમ એક રિપોર્ટમાં જણાવાયું છે. ૨૦૨૦માં વાર્ષિક ધોરણે ૫૨ ટકાનો ઘટાડો નોંધાયો છે.

ડિસેમ્બર ત્રિમાસિકની વાત કરીએ તો દેશના શહેરોમાં થયેલા કુલ વેચાણમાંથી ૨૩ ટકા વેચાણ  મુંબઈમાં થયું હતું. દિલ્હી એનસીઆરમાં આ આંક વીસ ટકા રહ્યો હતો. ત્રીજા ત્રિમાસિક ગાળાની સરખામણીએ પૂણેમાં રહેઠાણ વેચાણમાં ચોથા ત્રિમાસિકમાં ૧૪૫ ટકાથી વધુની  વૃદ્ધિ જોવા મળી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

૨૦૨૦ના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસ દરનો આંક અપેક્ષા કરતા સારો રહ્યો હતો. કોરોનાના કાળમાં રોજગાર તથા આવક પર પડેલી અસર વચ્ચે પણ રહેઠાણ આંકમાં વધારો રિઅલ એસ્ટેટ ક્ષેત્ર માટે મોટી રાહત કહી શકાય એમ છે. 

એફોર્ડેબલ તથા મધ્યમ શ્રેણી (રૂપિયા એક કરોડથી ઓછી કિંમત)ના રહેઠાણો માટેની માગમાં જોવાઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખી વિકાસકો પણ પોતાના પ્રોજેકટસને તે પ્રમાણે આકાર આપી રહ્યા છે. 

નવા પ્રોજેકટસ લોન્ચ થવાની માત્રા પણ ચોથા ત્રિમાસિક ગાળામાં ઊંચી રહી છે. ૨૬૭૮૫ નવા રહેઠાણો સાથેના પ્રોજેકટસ આ ગાળામાં લોન્ચ  થયા છે જે ત્રીજા ત્રિમાસિક ગાળાની સરખામણીએ બમણા છે. જો કે વાર્ષિક ધોરણે ૨૦૨૦માં નવા લોન્ચિસમાં ૩૦  ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ૨૦૧૯માં ૧.૩૭ લાખની સામે ૨૦૨૦માં નવા લોન્ચ હેઠળ રહેઠાણોનો આંક ૯૫૦૦૦ રહ્યો હતો. 

વેચાણ કરતા નવા લોન્ચિસ વધી જતા રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં બાંધકામના વિવિધ તબક્કા હેઠળના  નહીં વેચાયેલા રહેઠાણોનો આંક ૪,૬૨,૩૮૦ રહ્યો હતો. જે ૨૦૧૯ની સરખામણીએ સાધારણ ઊંચો છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here