સાત અમેરિકી સાંસદોનો વિદેશ મંત્રી પોમ્પીઓને પત્ર ભારતના ખેડૂતો મુદ્દે મોદી સાથે વાત કરો

કાયદા વિશે જુઠી અને અધુરી માહિતીના આધારે ભ્રમ ન ફેલાવો : ભારતનો અમેરિકાના સાંસદોને જવાબ

વોશિંગ્ટન, તા. 25 ડિસેમ્બર, 2020, શુક્રવાર

ભારતમાં કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો એક મહિનાથી આંદોલન ચલાવી રહ્યા છે. આ આંદોલનની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા ચાલી રહી છે. કેનેડાના પીએમ, બ્રિટનના સાંસદો બાદ હવે અમેરિકી સાંસદોએ પણ ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું છે.

અમેરિકાના સાત સાંસદોએ અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પીઓને પત્ર લખીને અપીલ કરી છે કે અમેરિકાની સરકાર ખેડૂતોના માગણીઓ અને આંદોલનનો મામલો ભારતની સરકાર સમક્ષ ઉઠાવે. 

અગાઉ સંયુક્ત રાષ્ટ્ર, કેનેડા, બ્રિટન બાદ હવે અમેરિકાનું પણ ખેડૂતોને કૃષિ કાયદા વિરોધના આંદોલનમાં સમર્થન મળી રહ્યું છે. જે અમેરિકી સાંસદોએ અમેરિકાની સરકાર પર વાતચીત કરવા માટે દબાણ વધાર્યંુ છે તેમાં કોંગ્રેસમેન ડોનાલ્ડ નાક્રોસ, બ્રેડન એફ બોયલે, બ્રીઆન ફિટ્ઝપેટ્રિક, મેરી ગ્રે સ્કેલોન, બેબી ડિંગલ, ડેવિડ ટ્રોન, ભારતીય-અમેરિકન કોેંગ્રેસવૂમન પ્રમીલા જયપાલનો પણ સમાવેશ થાય છે.

સાંસદોએ જણાવ્યું છે કે આ મામલો એવો છે કે જેની અસર શીખ અમેરિકન્સ પર થઇ રહી છે જેઓ પંજાબ સાથે સંકળાયેલા છે. આ મામલાની બહુ જ મોટી અસર એ લોકો પર થઇ શકે છે કે જેઓ ભારતીય-અમેરિકન છે અને ભારતના વિવિધ રાજ્યો સાથે જોડાયેલા છે. માટે આ મામલાને તાત્કાલીક ધોરણે અમેરિકાએ ભારતની સરકાર સાથે ઉઠાવવો જોઇએ.

અનેક ભારતીય-અમેરિકનોને આ મામલાની અસર એટલા માટે પણ થઇ રહી છે કેમ કે તેઓની બહુ જ મોટી જમીન ભારતમાં આવેલી છે અને તેઓનો પરિવાર ખેતી સાથે સંકળાયેલો છે. માટે અમે આપને વિનંતી કરીએ છીએ કે અમેરિકાના વડા ભારતના વડાની સાથે આ મુદ્દે વાતચીત કરે અને નિરાકરણ લાવે. અમેરિકા અભિવ્યક્તિની અને રાજકીય આઝાદીનું સમર્થક રહ્યું છે. 

બીજી તરફ ભારતે જે પ્રકારનો જવાબ કેનેડાના પીએમને આપ્યો હતો તે જ પ્રકારનો જવાબ અમેરિકાના સાંસદોને ટાંકીને આપ્યો છે. વિદેશી બાબતોના મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રિવાસ્તવે જણાવ્યું હતું કે ભારતના ખેડૂતો અંગેની અધુરી અને ખોટી માહિતીના આધારે કેટલાક દેશો અયોગ્ય નિવેદનો આપી રહ્યા છે જેનો અમે વિરોધ કરીએ છીએ. આ પ્રકારના નિવેદનો ભારત અને જે તે દેશના સંબંધો પર ખોટી અસર કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here