અમદાવાદ, તા. 14 જાન્યુઆરી 2020, ગુરૂવાર
ઉત્તરાયણ પર્વ હોય અને કોઈ દુર્ઘટના ન બને તેવું ભાગ્યે જ સર્જાતું હોય છે. ત્યારે અમદાવાદ શહેરના પશ્ચિમમાં આવેલા શ્યામલ જીવરાજ બ્રિજ પર બનવા પામ્યો હતો. પતંગ લૂંટવા જતાં યુવકને બચાવવા જતા બે કારનો ભુક્કો બોલી ગયો હતો. જોકે, આ બનાવમાં યુવકનો તો જીવ બચી ગયો હતો, પરંતુ બે કારનો સોથ વળી ગયો હતો.
અમદાવાદ શહેરમાં ઉતરાયણ પર્વની શરૂઆત થઈ ગઈ છે, લોકો વહેલી સવારથી ધાબા પર પંતગ ઉડાવવા માટે ચડી ગયા છે. બીજી તરફ પવન પણ પંતગ રસીકોનો સાથ આપી રહ્યો છે. ત્યારે શહેરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં પતંગની દોરીથી વાહન ચાલકનું ગળું કપાયાની ઘટના સામે આવી છે. અને વાહન ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે, તેને તાત્કાલિકના ધોરણે ખસેડવામાં આવ્યો છે.
અમદાવાદમાં ચાંદખેડા ખાતે રહેતાં સાત વર્ષનાં સુભાષ ડામોરને માથામાં ઈજા પહોંચતા તેને અસારવા સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો વસ્ત્રાલ ખાતે રહેતાં ચેતનભાઈ મોદી રસ્તામાં પોતાના વાહન પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ પતંગની દોરી વચ્ચે આવતા તેમના ગળા ઉપર દોરીનો કાપો થયો હતો. જે બાદ તેમને અવધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો જુહપુરામાં રહેતાં વિશાલભાઈ ગોસાઈ પણ રસ્તા જઈ રહ્યા હતા ત્યારે પતંગની દોરી આવતા તેમને ઈજા થઈ હતી અને તેમને જીવરાજ મહેતા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. 55 વર્ષનાં કનૈયાલાલ પટેલ વસ્ત્રાલ ખાતે પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થતાં તેમને સ્પંદન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.