વિવિધ આયાતી ખાદ્યતેલો ફરી એકવાર ઊછળ્યા

વિવિધ આયાતી ખાદ્યતેલો  ફરી એકવાર ઊછળ્યા

(વાણિજ્ય પ્રતિનિધિ દ્વારા), મુંબઈ, તા. 10 ઓક્ટોબર 2020, શનિવાર

મુંબઈ તેલ-તેલીબિયાં બજારમાં આજે કપાસિયા તેલમાં ઉત્પાદક મથકો પાછળ તેજી આગળ વધી હતી, સામે વિવિધ આયાતી ખાદ્યતેલોના ભાવ પણ વિશ્વબજાર પાછળ વધુ ઊછળ્યા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, મુંબઈ બજારમાં આજે આયાતી પામતેલમાં વધ્યા મથાળે નવી માગ ધીમી રહી હતી. 

દરમિયાન, અમેરિકાના કૃષિ બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનના ભાવમાં નવો ઉછાળો નોંધાયો હતો તથા ભાવ વધી માર્ચ-૨૦૧૮ પછીની નવી ઊંચી ટોચે પહોંચ્યાના નિર્દેશો હતા. અમેરિકામાં સોયાબીનનો પુરવઠો અપેક્ષાથી ઓછો રહેવાનો અંદાજ ત્યાંના કૃષિ ખાતાએ બહાર પાડતાં તેજી આગળ વધી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.

દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના જોકે, રૂ.૧,૨૮૦ના મથાળે ટકેલા રહ્યા હતા, જ્યારે કપાસિયા તેલના ભાવ વધુ ઊછળી રૂ.૯૪૫ બોલાયા હતા.

 ઉત્પાદક મથકોએ આજે કોટન વોશ્ડના ભાવ વધી રૂ.૮૮૫થી રૂ.૮૮૮ બોલાયા હતા, જ્યારે સિંગતેલના ભાવ રૂ.૧,૨૫૦ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૧,૯૮૦થી રૂ.૧,૯૯૦ના મથાળે ઉછાળો પચાવી રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે પામતેલના ભાવ વધી રૂ.૮૭૦ બોલાયા હતા, જ્યારે સોયાતેલના ભાવ વધી ડીગમના રૂ.૯૦૫ તથા રિફાઈન્ડના રૂ.૯૨૦થી રૂ.૯૨૫ બોલાયા હતા, સામે સનફ્લાવરના ભાવ પણ ઊછળી રૂ.૧,૧૩૦ તથા રિફાઈન્ડના રૂ.૧,૧૬૦ બોલાઈ રહ્યા હતા.

 જોકે, મસ્ટર્ડના ભાવ રૂ.૧,૦૭૦ના મથાળે શાંત હતા. દરમિયાન, મુંબઈ હાજર દિવેલના ભાવ તેમ જ હાજર એરંડાના ભાવમાં આજે વધ્યામથાળેથી ધીમો ઘટાડો જોવા મળ્યો હતો.

દરમિયાન, મુંબઈ ખોળ બજારમાં આજે ૧ ટનના ભાવ સિંગખોળના આશરે રૂ.૫૦૦ તથા સોયાખોળના ભાવ રૂ.૨,૦૦૦ ઊછળ્યા હતા, જ્યારે અન્ય ખોળો શાંત હતા. દરમિયાન, દેશમાં સોયાબીનનું ઉત્પાદન વધી ૨૦૨૦માં ૧૦૪.૫૫ લાખ ટન અંદાજાયું છે, જે પાછલા વર્ષે ૯૩.૦૬ લાખ ટન થયું હતું. દરમિયાન, સોયાબીનની કુલ આવકો ઓલ ઈન્ડિયા ધોરણે આજે ૨,૭૦,૦૦૦ ગુણી આવી હતી તથા મધ્ય પ્રદેશ ખાતે આવી આવકો ૫૦,૦૦૦ ગુણી આવી હતી. 

દરમિયાન, અમેરિકાના કૃષિબજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનનો વાયદો વધુ ૧૫૪ પોઈન્ટ ઊછળ્યો હતો, જ્યારે સોયાખોળનો વાયદો ૩૯ પોઈન્ટ, સોયાતેલનો વાયદો ૯૧ પોઈન્ટ તથા કોટનનો વાયદો ૧૫ પોઈન્ટ વધ્યાના સમાચાર મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here