વિરમગામમાં કરૂણાંતિકા સર્જાઈ : પતંગ લૂંટવા જતા વીજ શોક લાગવાથી 2 સગા ભાઈનાં મોત

– શહેરની નૂરી સોસાયટી વિસ્તારની ઘટનાથી ચકચાર
– નાનીના ઘરે આવેલા બંને ભાઇ લોખંડની પાઈપથી પતંગ પકડવા જતા વીજલાઈનને અડી જતા કરંટ લાગ્યો

વિરમગામ, તા. 13 જાન્યુઆરી, 2021, બુધવાર

વિરમગામના ભાવસારવાડમાં રહેતા એક પરિવારના બે પુત્રો શહેરની નુરી સોસાયટીમાં તેમની નાનીના ઘરે પતંગ ચગાવવા આવ્યા હતા. જો કે મકાનના બીજા માળેથી એક ભાઇએ પતંગ લૂંટવા માટે લોખંડનો પાઈપ લીધો હતો અને આ પાઈપ નજીકથી પસાર થતી વીજલાઇન સાથે અડી જતા સગીરને વીજકરંટ લાગ્યો હતો. જો કે નાના ભાઇને બચાવવા મોટાભાઇએ પ્રયત્ન કર્યો હતો પરંતુ વીજશોક લાગવાથી બંનેના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.

વિરમગામ શહેરના ભાવસારવાડમાં રહેતા જાવેદભાઇ મીરઝાના બે પુત્રો રહેણાક મકાનના ધાબા ઉપર પતંગ ચગાવી રહ્યા હતા ત્યારે કપાયેલ પતંગ પકડવા માટે ધાબા ઉપર રહેલ લોખંડના પાઇપ વડે પતંગ પકડવા જતા ધાબાની બાજુમાંથી પસાર થઇ રહેલ હેવી વીજ લાઇન અડી જતાં વીજળી કરંટ લાગતા (૧) મહંમદતુફેલ જાવીદભાઇ મીરઝા ઉ.વ. ૧૭ અને મુજમીર જાવીદભાઇ મીરઝા ઉ.વ. ૧૫ના બન્ને સગાભાઇના કરૂણ મોત નીપજ્યા હતા.

આ બનાવથી પરીવાર ઉપર આભ તૂટી પડયું હતું. એક ભાઇને કરંટ લાગતા બીજા ભાઇએ બચાવવા જતાં બન્ને ભાઇઓને વીજ કરંટ લાગ્યો હતો. બન્ને જણાને તાત્કાલીક વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોકટરે બન્ને ભાઇઓને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં સ્વજનો અને લોકો ઉમટી પડયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here