વધેલી માંગ છતાં ચણા પરની આયાત ડયૂટીમાં ઘટાડો કરવા સરકારનો નનૈયો

વધેલી માંગ છતાં ચણા પરની આયાત ડયૂટીમાં ઘટાડો કરવા સરકારનો નનૈયો

મુંબઈ, તા. 17 ઓક્ટોબર 2020, શનિવાર

કેટલાક ટ્રેડરો તરફથી વધેલી માગ છતાં કેન્દ્ર સરકાર ચણા પરની આયાત ડયૂટી ઘટાડવા ઈરાદો ધરાવતી નથી. દેશમાં કઠોળમાં સૌથી વધુ વાવણી ચણાની થાય છે. થોડાક જ સપ્તાહમાં ચણાના વાવેતરની મોસમ શરૂ થઈ રહી હોય સરકાર ખેડૂતોમાં કોઈપણ નેગેટિવ સંકેત જવા દેવા માગતી નથી એમ વાણિજ્ય મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. 

દેશમાં ચણાની મોટાભાગની આયાત ઓસ્ટ્રેલિયા તથા તાંઝાનિયા ખાતેથી થાય છે અને તેના પર ૬૦ ટકા આયાત ડયૂટી વસૂલવામાં આવે છે. 

ચણાનો નવો પાક ફેબુ્રઆરીના મધ્યથી આવવાનું શરૂ થશે તેને ધ્યાનમાં રાખી દેશમાં ચણાની અછત ન સર્જાય માટે કેટલાક ટ્રેડરો તરફથી ચણાની આયાત ડયૂટી ઘટાડી ૩૫થી ૪૦ ટકા કરવા માગણી કરવામાં આવી છે. 

કોવિડ-૧૯ રાહત પેકેજને કારણે વધેલા પૂરવઠાને કારણે ચણાનો સ્ટોકસ ખલાસ થઈ જવાની તૈયારીમાં છે. જો કે હાલના તબક્કે ડયૂટીમાં કોઈપણ ઘટાડાથી બજારનું માનસ ખરડાશે એમ સરકાર માની રહી છે. 

પૂરવઠો વધે તો ચણાના ભાવ ગબડીને ટેકાના ભાવથી નીચે જઈ શકે છે. ચણાના ટેકાના ભાવ હાલમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૫૧૦૦ નિશ્ચિત કરાયા છે. દેશના કેટલાક ભાગોમાં ચણાનું વાવેતર  ઓકટોબરના અંત ભાગથી શરૂ થશે. 

હાલમાં ખુલ્લા બજારમાં ચણાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૫૩૦૦ બોલાઈ રહ્યા છે જે આગામી થોડાક સમયમાં વધીને રૂપિયા ૬૦૦૦ સુધી જવાનો ટ્રેડરો દાવો કરી રહ્યા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here