વડોદરા: રાત્રી કરફ્યુ ભંગ બદલ 25ની અટકાયત, વેપારીઓએ રાત્રે અગિયાર વાગ્યાથી કરફ્યુનો અમલ કરવા માગણી કરી

વડોદરા: રાત્રી કરફ્યુ ભંગ બદલ 25ની અટકાયત, વેપારીઓએ રાત્રે અગિયાર વાગ્યાથી કરફ્યુનો અમલ કરવા માગણી કરી

વડોદરા, તા. 22 નવેમ્બર 2020 રવિવાર

વડોદરા શહેરમાં રાત્રી કરફ્યુનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે પોલીસે કરફ્યુ ભંગ અંગે 25 વ્યક્તિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો બીજી બાજુ વેપારીઓએ રાત્રે 11:00 વાગ્યાથી કરફ્યુનો અમલ કરવા માંગણી કરી હતી.

રાજ્ય સરકારે ગઈકાલથી કોરોના મહામારીમાં વધતા જતા સંક્રમણને રોકવા ફરી એક વખત વડોદરામાં રાત્રી કરફ્યુનો અમલ શરૂ કરવા સુચના આપવામાં આવતા ગઈકાલે રાતના નવ વાગ્યાથી વહેલી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો હતો.

ગઈ રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં બેરીકેટ લગાવવામાં આવ્યા હતા. તેની સાથે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની અલગ-અલગ ટીમે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને રોકીને ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન કોઈ પણ કારણ વિના ફરવા નીકળ્યા હોય તેવા 25 વ્યક્તિઓ સામે પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દરમિયાનમાં ગઈકાલથી વડોદરા કોર્પોરેશન દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર વેપારીઓ સામે દુકાનો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવતા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને જરૂર પડે સોમવારે કમિશનરને આવેદનપત્ર આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. તો બીજી બાજુ હોટેલ, રેસ્ટોરાં, આઈસક્રીમ પાર્લર વિજય જેવા વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ એ સરકારે રાત્રી કર્ફ્યુનો અમલ કર્યો છે તેને આવકારી માગણી કરી હતી કે અમારો વ્યવસાય સાંજે 6:00 વાગ્યા બાદ શરૂ થાય છે. તેથી તેની પર અસર પડી છે. જેથી સરકારે રાત્રે 09:00 વાગ્યા ના સમયને બદલે રાત્રે 11 કલાકથી રાત્રી કર્ફ્યુનો અમલ કરવો જોઈએ તેવી અમારી માંગણી અને લાગણી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here