વડોદરા: પત્ની અને બે સંતાનો હોવા છતાં અપરણિત જણાવી પતિએ બીજા લગ્ન કરી લીધા

વડોદરા: પત્ની અને બે સંતાનો હોવા છતાં અપરણિત જણાવી પતિએ બીજા લગ્ન કરી લીધા

વડોદરા, તા.22 નવેમ્બર 2020, રવિવાર 

પત્ની અને બે સંતાનો હોવા છતાં પોતે અપરણિત છે તેમ જણાવી થરાદ ગામના યુવાને અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. વડોદરા નજીક આવેલ સરાર ગામમાં રહેતી ફરજાનાના લગ્ન 2013માં સદ્દામ હુસૈન સિંધી સાથે થયા હતા લગ્ન બાદ ફરજાનાએ બે સંતાનોને જન્મ આપ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી પતિનું વર્તન બદલાઈ ગયું હતું અને કોઈપણ બહાનું કાઢી ઝઘડો કરી ફરજાનાને મારઝૂડ કરતો હતો. લાંબા સમય સુધી પતિ ઘેર પણ આવતો ન હતો. 

જેથી તપાસ કરતાં જાણવા મળેલ કે પતિએ હાથીખાનામાં રહેતી સુમૈયા સિકંદર પઠાણ સાથે ગેરકાયદે બીજા લગ્ન કરી દીધા છે અને પતિ પણ ત્યાં જ રહે છે. 30 જુલાઈના રોજ પતિ ઘેર આવ્યો ત્યારે બીજા લગ્ન અંગે પૂછપરછ કરતા પતિએ ઝઘડો કરી ફરજાનાને મારઝૂડ કરી હતી તેમજ મેં બીજું લગ્ન કરી દીધું છે. મારે તારી જરૂર નથી તું તારા પિયર જતી રહે એમ કહી ધમકી આપી હતી. દરમિયાન ફરજાનાના સસરાએ લગ્ન નોંધણી કચેરીમાં આરટીઆઇ કરી માહિતી માંગતા સદ્દામ હુસૈન અને સુમૈયાએ લગ્ન કરી લીધા હોવાનું પ્રમાણપત્ર મળ્યું હતું. 

લગ્ન નોંધણી માટેના ફોર્મમાં સદ્દામેં પોતે અપરણિત હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ સદ્દામેં જેની સાથે લગ્ન કર્યા તે સુમૈંયા સદ્દામની દૂરની જેઠાણી થતી હતી. ઉપરોક્ત બાબતો અંગે પોલીસ ફરિયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here