લાહોરની એન્ટી ટેરરિઝમ કોર્ટે આતંકવાદી હાફિઝ સઈદના બે સાગરિતોને 15 વર્ષની સજા ફટકારી

– ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના બ્લેકલિસ્ટથી બચવા પાકિસ્તાન સરકારના હવાતિયા

લાહોર, તા. 13 જાન્યુઆરી 2021, બુધવાર

લાહોરની એન્ટી ટેરરિઝમ કોર્ટે આતંકવાદી હાફિઝ સઈદના બે સાગરિતોને 15-15 વર્ષની સજા ફટકારી છે. ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક પહેલાં બ્લેકલિસ્ટના ડરે પાકિસ્તાને આતંકવાદીઓ સામે પગલાં ભરવાનું નાટક શરૂ કર્યું છે.

ગ્લોબલ ટેરર ફાઈનાન્સિંગ વોચડોગ ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ(એફએટીએફ)ની 2021ની બેઠકમાં પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરાય તેવી પૂરી શક્યતા છે. આ બ્લેકલિસ્ટથી બચવા પાકિસ્તાન સરકારે આતંકવાદીઓ સામે કાર્યવાહીનું નાટક શરૂ કર્યું છે.

અગાઉ મસૂદ અઝહર સામે ધરપકડનું વોરંટ જારી કરીને પાકિસ્તાને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરાતી હોવાનો દેખાડો કર્યો હતો. એ પછી હવે આતંકવાદી સંગઠનોનો સંચાલક હાફિઝ સઈદના સાગરિતો સામે કાર્યવાહીનું નાટક થયું છે.

લાહોરની એન્ટી ટેરરિઝમ કોર્ટે જમાત-ઉદ-દાવાના આતંકવાદી હાફિઝ સઈદના બે સાગરિતો – યાહ્યા મુઝાહિદ અને ઝફર ઈકબાલને 15-15 વર્ષની જેલની સજા ફટકારી છે. ટેરર ફંડિંગ બાબતે આ આતંકવાદીઓ સામે લાહોરની કોર્ટે પગલાં ભર્યા છે. તે ઉપરાંત હાફિઝના એક સંબંધી અબ્દુલ રહેમાન મુક્કીને પણ છ માસની સજા કરવામાં આવી હતી.

લાહોર કોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણેય આરોપીઓને જેલમાં રજૂ કરવામાં આવ્યા હતા. એ પછી કોર્ટે ત્રણેયને સજા ફટકારીને જેલમાં ધકેલી દેવાનો આદેશ કર્યો હતો.

2021માં એફએટીએફની બેઠક થવાની છે. એમાં પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરાય તેવી શક્યતા છે. અગાઉ જૂન 2018માં એફએટીએફે પાકિસ્તાનને ટેરર ફંડિંગ મુદ્દે ગુનેગાર ગણાવીને ગ્રે લિસ્ટમાં મૂક્યું હતું.

2019માં પણ ગ્રે લિસ્ટમાં યથાવત રાખીને આતંકવાદીઓ સામે યોગ્ય પગલાં ભરવાની તાકીદ કરી હતી. 2020માં કોરોના મહામારીના કારણે ડેડલાઈન લંબાવી દેવામાં આવી હતી. હવે ૨૦૨૧માં બેઠક થશે ત્યારે પાકિસ્તાન બ્લેકલિસ્ટમાં થાય તેવી પ્રબળ શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here