– મહિનાથી સરધાર – ભાયાસર પંથકમાં પડાવ નાખ્યો હતો
– સાસણની ટીમે ત્રણે’ય સિંહોને વાહન મારફત શિફટ કર્યા : ટૂંક સમયમાં જંગલમાં છોડી દેવાશે
રાજકોટ અને કોટડા સાંગાણી તાલુકાનાં ગામોમાં છેલ્લા એકાદ મહિનાથી ત્રણ સિંહોનું ટોળુ ફરી રહયુ હોય ભારે ડરનો માહોલ ઉભો થયો હતો. આ સિંહો માલધારીઓનાં કિંમતી પશુઓનું રોજ મારણ કરતા હોવાથી સ્થાનિક લોકોએ વન મંત્રી સુધી રજુઆત કર્યાનાં પગલે અંતે વન વિભાગની ટીમોએ ત્રણેય સિંહોને રેસ્કયુ કરીને ગીરનાં જંગલમાં ખસેડી દેતા રાજકોટ અને તાલુકાનાં ગામોનાં લોકોમાં રાહતનો દમ લીધો હતો.
જસદણ, સરધાર અને ત્યાંથી ભાયાસરની વીડીમાં પહોંચેલા ત્રણ સિંહોનાં ટોળાએ ભારે ખોફ ઉભો કર્યો હતો. સિંહોએ આશરે ૪૦ જેટલા મારણ કર્યા હતા અને છેલ્લે વડાળીની આસપાસની વીડીમાં એકાદ અઠવાડીયાથી ધામા નાખીને પડયા હતા. વડાળીની સીમમાં પાંચ જેટલા પશુઓનાં મારણ કર્યા હતા. વડાળીથી આ સિંહો છેક રાજકોટ આજી ડેમ સુધી પહોંચી ગયા હતા અને મેલડી માતાજીનાં મંદિર પાસે મારણ કરતા રાજકોટવાસીઓમાં પણ આ સિંહ ત્રિપુટીનો ભય જોવા મળ્યો હતો.
સિંહોની રંજાડ વધી રહી હોવાથી આ મામલે સ્થાનિક ગામ લોકો – સરપંચોએ આ મામલે વન મંત્રી સુધી રજુઆતો કરતા અંતે વન વિભાગ હરકતમાં આવ્યુ હતુ. ત્રણેક દિવસ પહેલા સાસણથી ખાસ ટીમને રાજકોટ તાલુકામાં મોકલવામાં આવી હતી. આ ટીમે ઓબ્ઝર્વ કર્યા બાદ ગાંધીનગર ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડનથી આદેશ મળતા અંતે ત્રણ સિંહોને બેભાન બનાવીને રેસ્કયુ કરીને વાહન મારફત ગીર જંગલમાં ખસેડવામાં આવ્યા હતા. જૂનાગઢ સીસીએફનાં જણાંવ્યા મુજબ ત્રણેય સિંહોને સલામત રીતે રેસ્કયુ કરી ગીર ખસેડવામાં આવ્યા છે અને ટુંક સમયમાં જ જંગલમાં છોડી દેવામાં આવશે.
રાજકોટ તાલુકાનાં ગામો લોકોની અસરકારક રજુઆત બાદ વન વિભાગે આ સિંહોને રેસ્કયુ કર્યા હતા. સૂત્રોનાં જણાંવ્યા મુજબ આ રીતે કોઈ એક એરીયામાંથી રેસ્કયુ કરીને બીજા એરીયામાં છોડવાની કામગીરી ખાસ કિસ્સામાં જ કરવામાં આવતી હોય છે. હાલ રાજકોટ અને કોટડા સાંગાણી તાલુકાનાં ગામો પરથી તો સિંહોનો ખતરો ટળ્યો છે પરંતુ જેતપુર પંથકમાં હજુ બે ગ્રુપ ફરી રહયા છે. સિંહોની વસતી વધતા તેઓ ખોરાક અને પાણીની શોધમાં નવા રહેઠાણની શોધમાં રેવન્યુ એરીયમાં આવી ચડે છે.