મૂડી બજારોની તેજી અને અર્થતંત્રના ખરા ચિત્ર વચ્ચે વ્યાપક અંતર

મુંબઈ, તા. 12 જાન્યુઆરી 2021, મંગળવાર

બજારોમાં તેજી અને અર્થતંત્રની મૂળ સ્થિતિ વચ્ચે વ્યાપક અંતર હોવાનું જણાવી રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે નાણાંકીય એસેટસના ખેંચાયેલા મૂલ્યાંકનો નાણાંકીય સ્થિરતા સામે જોખમ ઊભા કરી શકે છે તેવી ચેતવણી ઉચ્ચારી છે. નાણાંકીય બજારોના કેટલાક સેગમેન્ટસ તથા અર્થતંત્રના ખરા ચિત્ર વચ્ચેનું અંતર ભારત તથા વૈશ્વિક સ્તરે હાલના સમયમાં ધ્યાન દોરનારું બની ગયું છે. 

નાણાંકીય એસેટસના વધુ પડતા મૂલ્યાંકનો નાણાંકીય સ્થિરતા સામે જોખમો ધરાવે છે એમ ગવર્નરે રિઝર્વ બેન્કના દ્વીવાષક ફાઈનાન્સિઅલ સ્ટેબિલિટી રિપોર્ટની પ્રસ્તાવનામાં જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભારત સહિત વિશ્વના શેરબજારો કોરોનાના કાળમાં પણ તેજીમાં જોવા મળી રહ્યા છે અને અસંખ્ય કંપનીઓના શેરભાવ ટૂંકા ગાળામાં ઘણાં ઊંચે ગયા છે.

આવા પ્રકારના જોખમો સામે સાવચેત રહેવા તેમણે બેન્કો તથા નાણાંકીય ઈન્ટરમીડિયરિસને સૂચન કર્યું છે. નાણાં વ્યવસ્થા અને બજારો એકબીજા સાથે સંકળાયેલા હોવાનું ધ્યાનમાં રાખી તેમનું આ સૂચન આવી પડયું છે. 

કોરોનાની મહામારીને કારણે ગયા વર્ષના માર્ચમાં ૪૦ ટકા જેટલુ તૂટી ગયા બાદ ભારતીય શેરબજાર તેની નીચી સપાટીએથી ૮૦ ટકા વધ્યું છે અને તેજી હજુપણ ચાલુ છે. શેરબજારો ઊંચે ગયા હોવા છતાં  દેશના બેન્કિંગ ક્ષેત્રમાં ખાસ સરકારી બેન્કોની સ્થિતિ હાલમાં નબળી છે અને ૨૦૨૧ના સપ્ટેમ્બર સુધીમાં આ બેન્કોની ગ્રોસ નોન – પરફોર્મિંગ એસેટસ (એનપીએ) વધીને ૧૬.૨૦ ટકા પહોંચવા ધારણાં છે. એકદમ ખરાબ સ્થિતિમાં આ પ્રમાણ ૧૭.૬૦ ટકા સુધી જઈ શકે એમ છે. 

ગવર્નરે આવા પ્રકારની ચેતવણી આ અગાઉ પણ ઉચ્ચારી છે પરંતુ આ વખતે તેમણે નાણાંકીય સ્થિરતાના મુદ્દાને જોડી દીધો છે. વર્તમાન નાણાં વર્ષમાં દેશનો આથક વિકાસ દર ૭.૫૦ ટકા ઘટવાની ધારણાં છતાં શેરબજારોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. મહામારી તથા તેને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને પરિણામે આ ઘટાડો જોવા મળી રહ્યો છે.

વિશ્વભરમાં સરળ લિક્વિડિટીને કારણે શેરબજારોમાં તેજી જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારો જે બજારોમાં ઊંચી ઉપજ મળે છે તેમાં નાણાં રોકવાનો વ્યૂહ ધરાવે છે. વિદેશી રોકાણકારોએ ૨૦૨૦માં ભારતીય મૂડી બજારમાં રૂપિયા ૧.૬૦ લાખ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here