ભારત ખાતેથી થતી સોયાખોળની નિકાસમાં જંગી વૃધ્ધિ

(ગુજરાત સમાચાર કાર્યાલય), મુંબઈ, તા. 12 જાન્યુઆરી 2021, મંગળવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે આયાતી પામતેલ તથા સોયાતેલના ભાવ ઘટયા હતા  જ્યારે સનફલાવર તેલ શાંત હતું. દરમિયાન, સિંગતેલ ટકેલું હતું જ્યારે કપાસીયા તેલમાં ઘટાડો આગળ વધ્યો હતો. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ આયાતી પામતેલના ઘટી રૂ.૧૦૮૨ રહ્યા હતા જ્યારે ક્રૂડ પામ ઓઈળ સીપીઓ કંડલાના ભાવ ઘટી રૂ.૯૮૫થી ૯૮૮ રહ્યા હતા. નવા વેપારો ધીમા હતા. સોયાતેલના ભાવ ડિગમના રૂ.૧૧૭૦ તથા રિફાઈન્ડના રૂ.૧૧૮૫ રહ્યા હતા જ્યારે સનફલાવરના ભાવ રૂ.૧૩૨૦ તથા રિફાઈન્ડના રૂ.૧૩૫૦ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૧૨૮૫ બોલાતા હતા. 

સિંગતેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૪૧૦ જ્યારે કપાસીયા તેલના રૂ.૧૧૫૦ રહ્યા હતા જ્યારે ઉત્પાદક મથકોએ ભાવ  સિંગતેલના રૂ.૧૩૭૫થી ૧૩૮૦, ૧૫ કિલોના રૂ.૨૨૧૦ તથા કોટન વોશ્ડના રૂ.૧૦૮૫ રહ્યા હતા. મગફળીના ભાવ મથકોએ મણદીઠ જાતવાર રૂ.૯૫૦થી ૧૧૩૦ રહ્યા હતા. વાયદા બજારમાં આજે સાંજે સીપીઓનો વાયદો રૂ.૯૮૦ તથા સોયાતેલનો વાયદો રૂ.૧૧૭૨.૫૦ બોલાઈ રહ્યો હતો.

દરમિયાન, મલેશિયા ખાતે આજે પામતેલનો વાયદો તૂટતાં ભાવ ૭૦થી ૧૦૮ પોઈન્ટ ગબડયા હતા જ્યારે ત્યા ંપામ પ્રોડકટના ભાવ આજે ૧૦થી ૧૨.૫૦ ડોલર તૂટયા હતા. ચીનમાં આજે પામતેલ તથા સોયાતેલના ભાવ ગબડયાના સમાચાર હતા અને તેની અસર પણ મલેશિયાના બજાર પર વર્તાઈ હી હતી.

દરમિયાન, અમેરિકાના કૃષી બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં હવામાન મિશ્ર રહ્યું હતું. ત્યાં ઓવરનાઈટ  સમાચારમાં કોટનના ભાવ ૬૬ પોઈન્ટ વધ્યા હતા જ્યારે સોયાબીનના ભાવ ૧૨ પોઈન્ટ તથા સોયાતેલના ભાવ ૬૩ પોઈન્ટ તૂટયા હતા સામે ત્યાં સોયાખોળના ભાવ ૭૦ પોઈન્ટ વધ્યાના નિર્દેશો હતા. મલેશિયામાં ૨૦૨૦માં પામતેલમાં સપ્લાય ટાઈટ રહ્યા પછી હવે ૨૦૨૧ના નવા વર્ષમાં ત્યાં ઉત્પાદન તથા પુરવઠો વધવાની શક્યતા વિશ્વબજારના જાણકારો બતાવી રહ્યા હતા.

મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ દિવેલના રૂ.ચાર નરમ રહ્યા હતા સામે હાજર એરંડાના ભાવ રૂ.૨૦ ઘટયા હતા જ્યારે મુંબઈ ખોળ બજારમાં આજે ટનદીઠ ભાવ એરંડા ખોળના રૂ.૧૦૦ ઉંચા બોલાઈ રહ્યા હતા જ્યારે અન્ય ખોળો સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. દરમિયાન, દેશમાંથી સોયાખોળની નિકાસ વધી છે તથા ડિસેમ્બર મહિનામાં આવી નિકાસ વધી ત્રણ ગણી થઈ આશરે ૨ લાખ ૬૮ હજાર ટન જેટલી થઈ હોવાનું સોયાબીન  પ્રોસેસર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું. ભારતના સોયાખોળમાં વૈશ્વિક માગમાં નોંધપાત્ર વૃધ્ધિ થઈ છે.

 ૨૦૧૯ના ડિસેમ્બરમાં આવી નિકાસ ૯૦ હજાર ટન થઈ હતી. ભારતના સોયાખોળમાં તાજેતરમાં ફ્રાંસ તથા ઈરાનની માગ વધી છે. ભારતથી આવી નિકાસ ઓક્ટોબર, નવેમ્બર તથા ડિસેમ્બરના ત્રણ મહિનાના ગાળામાં અઢી ગણી વધી પાંચ લાખ ૯૯ હજાર ટન થઈ છે. વિશ્વબજારમાં બ્રાઝીલ, અમેરિકા તથા આર્જેન્ટીના સોયાખોળના ભાવ ઉંચા રહ્યા છે તેની સામે ભારતના ખોળના ભાવ સરખામણીએ નીચા રહ્યા છે.

અમેરિકામાં આજે સાંજે પ્રોજેકશનમાં સોયાતેલ વાયદાના ભાવ ૧૯થી ૨૦ પોઈન્ટ માઈન્સમાં રહ્યા હતા. ઘરઆંગણે આજે સાંજે એરંડાનો જાન્યુઆરી વાયદો રૂ.ચાર ઘટી રૂ.૪૪૧૦ રહ્યો હતો. દરમિયાન, નવી મુંબઈ બંદરે વિવિધ ડિલીવરીના ભાવ આજે સોયાતેલના રૂ.૧૨૦૦ તથા સનફલાવરના રૂ.૧૩૫૦થી ૧૩૭૦ રહ્યા હતા જ્યારે મુંદ્રા તથા હઝીરા બાજુ ભાવ વિવિધ ડિલીવરીના પામતેલના રૂ.૧૧૦૦થી ૧૧૧૦, સોયાતેલના રૂ.૧૧૮૫થી ૧૧૯૫ તથા સનફલાવરના રૂ.૧૩૮૦થી ૧૩૮૫ રહ્યાની ચર્ચા  હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here