બિહારમાં કલેક્ટર્સ અને પોલીસ અધિકારીઓની બદલી

-જદયુના નેતાની પુત્રી સહરસામાં એસપી પદે 

-ટ્રાન્સફરનું કોઇ વાજબી કારણ આપવામાં આવ્યું નથી

પટણા તા.1 જાન્યુઆરી 2021 શુક્રવાર

નવા વર્ષના પ્રભાતે બિહાર રાજ્ય સરકારે બાર જિલ્લા કલેક્ટર્સ અને 13 જિલ્લાઓના પોલીસ વડાઓની બદલીની જાહેરાત કરી હતી. આ ટ્રાન્સફર પાછળ કોઇ કારણ જાહેર કરવામાં આવ્યું નહોતું.

સૌથી મોટી વાત એ હતી કે જદયુના રાષ્ટ્રીય પ્રમુખ આરસીપી સિંઘની પુત્રી લિપિ સિંઘને સહરસામાં પોલીસ સુપરિન્ટેન્ડન્ટ બનાવવામાં આવી હતી. લિપિ સિંઘને મૂંગેરમાં મૂર્તિ વિસર્જન દરમિયાન થયેલી બબાલ પછી ચૂંટણી પંચે એને ખસેડી નાખી હતી. હવે એને સહરસામાં એસપી બનાવવામાં આવી હતી.

ચંદ્રશેખ સિંઘને બિહારની રાજધાની પટણાના નવા જિલ્લાધિકારી બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત જમુઇ, મુઝફ્ફરપુર, ભાગલપુર, અરવલ, શિવહર, મધેપુરા, ગોપાલગંજ, સાસારામ, મધુબની અને સારણના જિલ્લા કલેક્ટર્સની બદલી કરવામાં આવી હતી.

સાથોસાથ ગયા, ભાગલપુર,સહરસા, ગોપાલગંજ, કૈમૂર, રોહતાસ, નાલંદા, નવાસા, છપરા અને શિવહરના પોલીસ વડાઓની બદલી કરવામાં આવી હતી.

સૌથી મહત્ત્વની બદલી લિપિ સિંઘની હતી. જદયુના રાષ્ટ્રીય પ્રમુખ આર સી પી સિંઘની પુત્રી હોવા ઉપરાંત મહત્ત્વની વાત એ છે કે આર સી પી  સિંઘ મુખ્ય પ્રધાનની ખૂબ નિકટ હોવાનું કહેવાય છે. અગાઉ મૂંઘેરમાં મૂર્તિ વિસર્જન દરમિયાન થયેલી હિંસા પછી ચૂંટણી પંચે લિપિને ત્યાંથી ખસેડવાનો આદેશ આપ્યો હતો. મૂંઘેરમાં સ્થાનિક પ્રજા અને પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી. ચૂંટણી પંચે એ માટે લિપિ સિંઘને જવાબદાર ગણાવી હતી અને તરત ત્યાંથી ખસેડી લીધી હતી.

સ્થાનિક લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે લિપિ સિઁઘના કહેવાતી પોલીસે લોકો પર ગોળીબાર કર્યો હતો જેમાં એક યુવક મરણ પામ્યો હતો. સ્થાનિક લોકોની ફરિયાદના પગલે લિપિને ખસેડવામાં આવી હતી. હવે એને ફરી એક જિલ્લાની જવાબદારી સોંપવામા આવી હતી.

ઓચિંતાના આ તમામ અધિકારીઓની બદલીથી જાતજાતના તર્કવિતર્ક શરૂ થઇ ગયા હતા. એક અહેવાલ મુજબ રાજદ પક્ષના વફાદાર અધિકારી હોવાની છાપ ધરાવતા તમામ અધિકારીઓને રાતોરાત બદલી નાખવામાં આવ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here