પંજાબ કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ ચાર બિલ, ઠરાવ પસાર કરનાર પહેલું રાજ્ય

પંજાબ કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ ચાર બિલ, ઠરાવ પસાર કરનાર પહેલું રાજ્ય


– કૃષિ પેદાશોના સંગ્રહની છૂટ રદ કરી, રાજ્ય સરકાર પાકના સંગ્રહની મર્યાદા જાહેર કરશે, સંગ્રહની વિગતો આપવી પડશે

– પંજાબમાં લઘુત્તમ ટેકાના ભાવથી નીચા ભાવે ખરીદી પર ત્રણ વર્ષની કેદ, ખેડૂતોને સિવિલ કોર્ટમાં પણ લડવાની જોગવાઈ

(પીટીઆઈ) ચંડીગઢ, તા. ૨૦

પંજાબ વિધાનસભામાં મંગળવારે કેન્દ્રના નવા કૃષિ કાયદાઓને નકારી કાઢતો એક ઠરાવ અને આ કાયદાઓને અર્થહીન બનાવતા ત્રણ બિલ સર્વાનુમતે પસાર કરાયા હતા. આ સાધે કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં બિલ પસાર કરનાર પંજાબ દેશનું પહેલું રાજ્ય બન્યું છે. આ બિલો મંજૂરી માટે મુખ્યમંત્રી અમરિંદર સિંહ અન્ય નેતાઓ સાથે રાજ્યપાલ વી.પી. સિંહ બાડનોરેને મળ્યા હતા. સૂચિત બિલોમાં રાજ્યમાં લઘુત્તમ ટેકાના ભાવથી નીચી ખરીદી પર ત્રણ વર્ષની કેદ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે.  

પંજાબ સરકારે કૃષિ સંબંધિત ચાર બિલો રજૂ કરવા માટે વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. વિશેષ સત્રના બીજા દિવસે કેન્દ્ર સરકારના ત્રણ કાયદાઓને નિષ્પ્રભાવી કરવા માટે ત્રણ બિલ રજૂ કરાયા હતા, જેને વિધાનસભાએ સર્વસંમતિથી પસાર કરી દીધા હતા. મુખ્યમંત્રી અમરિન્દર સિંહે ત્રણ બિલ રજૂ કર્યા હતા જ્યારે ચોથું બિલ નાણામંત્રી મનપ્રીતસિંહ બાદલે રજૂ કર્યું હતું. વિધાનસભામાં આ બિલો પસાર થયા પછી મુખ્યમંત્રી અમરિંદરસિંહે ખેડૂતોને રેલવે ટ્રેક ખાલી કરી દેવા અપીલ કરી છે. પંજાબમાં ટ્રેનોની આવાગમન ઠપ્પ થઈજવાથી રાજ્ય સરકારને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓની અસર રાજ્યમાં રોકવા માટે પંજાબ સરકાર જે ત્રણ બિલ લાવી છે, જેમાં ખેડૂતોની આશંકાઓને દૂર કરવાનો પ્રયાસ કરાયો છે. મંડીઓની બહાર ખરીદી કરનારાઓને કોઈ ટેક્સ નહીં કરવાની જોગવાઈ રોકવા માટે પંજાબ સરકારે તેના કાયદામાં કહ્યું છે કે પંજાબ રાજ્યમાં ક્યાંય પણ ઘઉં, ડાંગર અથવા ધાન્ય લઘુત્તમ ટેકાના ભાવથી ઓછા પર ખરીદી નહીં શકાય. કોઈ કંપની, કોર્પોરેટ વેપારી વગેરે આવું કરશે તો તેમને ૩ વર્ષની જેલ અને દંડની જોગવાઈ કરાઈ છે. જોકે, આ જોગવાઈમાં ૨.૫ કરોડ સુધીની જમીન ધરાવતા ખેડૂતોને મુક્તિ આપવામાં આવી છે તેમજ કૃષિ પેદાશોની સંગ્રાહખોરી અને કાળા બજારને પણ અટકાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત કેન્દ્રીય કાયદામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંક કાયદામાં ખેડૂતો અને કંપનીઓ વચ્ચે વિવાદ થતાં માત્ર એસડીએમ સુધી જ કેસ લડવાની જગોવાઈ કરાઈ છે. તેની અસર ઘટાડવા માટે રાજ્ય સરકારે તેના કાયદામાં ખેડૂતો સિવિલ કોર્ટમાં જઈ શકશે તેવી જોગવાઈ કરી છે. કેન્દ્રના આવશ્યક કાયદામાં કહેવાયું છે કે પાકની ખરીદી પર કોઈ મર્યાદા નહીં હોય અને તેનો સંગ્રહ ક્યાં કરાયો છે તે જણાવવાની પણ જરૂર નથી. આ કાયદાની અસર ઘટાડવા માટે પંજાબ સરકારે તેના બિલમાં કહ્યું કે ખરીદવામાં આવનારા પાકની મર્યાદા રાજ્ય સરકાર દ્વાર નિશ્ચિત કરાશે અને તેનો સંગ્રહ ક્યાં કરાયો છે, તે પણ બતાવવું પડશે.

કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યું કે કેન્દ્ર સરકારે બંધારણનો ભંગ કર્યો છે. પંજાબે દેશને ખાદ્યાન્ન બાબતમાં આત્મનિર્ભર બનાવ્યો છે. હવે એ જ ખેડૂતોને બરબાદ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ ચર્ચામાં ભાગ લેતા કહ્યું કે કેન્દ્રના નવા કાયદા મંડીઓને બરબાદ કરી દેશે. જ્યાં મફત મંડીઓ છે ત્યાં ખેડૂતોની સ્થિતિ શું છે. ખેડૂતોને સીધી ચૂકવણી અંગે સિદ્ધુએ કહ્યું કે જે કેન્દ્ર સરકાર જીએસટીના રૂપિયા નથી આપતી તે ખેડૂતોને તેમના ખાતામાં રૂપિયા આપશે?

અડધામાંથી એક તૃતિયાંને કાયદાની માહિતી નથી

અડધાથી વધુ ખેડૂતો કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધી : સરવે

૫૭ ટકા ખેડૂતોને નીચી કિંમતે ખુલ્લા બજારમાં પેદાશ વેચવાનો ભય : ૨૮ ટકાના મતે મોદી સરકાર ખેડૂત વિરોધી

મોદી સરકારે ખેડૂતોની આવકમાં જંગી વધારો કરવાનો દાવો કરતાં ત્રણ નવા કૃષિ કાયદા અમલમાં મૂક્યા છે. જોકે, પંજાબ અને હરિયાણા સહિત અનેક રાજ્યોમાં ખેડૂતો આ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. જોકે, નવા કાયદાઓનું સમર્થન કરી રહેલા અથવા વિરોધ કરી રહેલાં અડધાથી વધુ ખેડૂતોને કાયદા અંગે કોઈ માહિતી નથી તેમ ગાંવ કનેક્શનના એક સરવેમાં જણાયું હતું.

‘નવા કૃષિ કાયદાઓ અંગે ભારતીય ખેડૂતોની સમજ’ નામના એક સરવેમાં જણાયું હતું કે, કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા બાવન ટકા ખેડૂતોમાંથી એક તૃતિયાંશ ખેડૂતોને કાયદાની જોગવાઈઓ અંગે કોઈ માહિતી નહોતી. એ જ રીતે કૃષિ કાયદાઓનું સમર્થન કરનારા ૩૫ ટકા ખેડૂતોમાંથી ૧૮ ટકાને તેની કોઈ વિશેષ માહિતી નહોતી. નવો કૃષિ કાયદો અન્ય બાબતો ઉપરાંત ખેડૂતોને ખુલ્લા બજારમાં તેમની પેદાશો વેચવાની સ્વતંત્રતા આપે છે.

ખેડૂતોની પ્રત્યક્ષ મુલાકાત લઈ હાથ ધરાયેલો સરવે દેશના ૧૬ રાજ્યોના ૫૩ જિલ્લામાં ૩જી ઑક્ટોબરથી ૯મી ઑક્ટોબર વચ્ચે યોજાયો હતો તેમ ગાંવ કનેક્શન દ્વારા જણાવાયું હતું. આ સરવેમાં ૫,૦૨૨ ખેડૂતોએ ભાગ લીધો હતો. આ સરવેમાં ભાગ લેનારા ૫૭ ટકા ખેડૂતોને એવો ભય છે કે તેમને હવે તેમની પેદાશો નીચી કિંમતે ખુલ્લા બજારમાં વેચવાની ફરજ પડશે જ્યારે ૩૩ ટકાને ભય છે કે સરકાર લઘુત્તમ ટેકાના ભાવની વ્યવસ્થાનો અંત લાવી દેશે. ૫૯ ટકા ખેડૂતોનું માનવું છે કે ભારતમાં લઘુત્તમ ટેકાના ભાવની વ્યવસ્થાને ફરજિયાત કાયદો બનાવવો જોઈએ. ૪૪ ટકા ખેડૂતો મોદી સરકારને ખેડૂત તરફી જ્યારે ૨૮ ટકા ખેડૂત વિરોધી માને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here