નવા સપ્તાહમાં સેન્સેક્સ 41333 થી 39666 વચ્ચે અથડાશે

નવા સપ્તાહમાં સેન્સેક્સ 41333 થી 39666 વચ્ચે અથડાશે

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 10 ઓક્ટોબર 2020, શનિવાર

કોર્પોરેટ પરિણામોની શરૂ થયેલી સીઝન સાથે આઈટી કંપનીઓમાં શેરોના બાયબેકની ટીસીએસથી થયેલી શરૂઆતે અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલીસી મીટિંગના નિષ્કર્ષમાં રેપો રેટ જાળવાયા સાથે આર્થિક રિકવરી મામલે પોઝિટીવ અંદાજો બતાવી માર્ચ ૨૦૨૧ના ત્રિમાસિક માટે ૦.૫ ટકા વૃદ્વિના અંદાજે એપ્રિલ થી જૂન ત્રિમાસિક ૨૦૨૧-૨૨ માટે જીડીપી વૃદ્વિનો ૨૦.૬ ટકા અંદાજ બતાવાતાં અને લિક્વિડીટીની પોઝિશન જાળવવા આગામી સપ્તાહમાં રૂ.૨૦,૦૦૦ કરોડના ઓએમઓ ઓકશન યોજવાનું નક્કી થતાં બજારમાં અન્ય નેગેટીવ પરિબળોને સાઈડ ટ્રેક કરીને સેન્સેક્સને ૪૦૦૦૦ની સપાટી પાર કરાવ્યા સાથે નિફટીને ૧૨૦૦૦ની નજીક લાવી મૂક્યા છે. સપ્તાહ પૂર્વે કોરોના સંક્રમણ ફરી વિશ્વભરમાં વધી રહ્યાના અહેવાલો અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના પોઝિટીવ આવતાં વૈશ્વિક બજારોમાં આવેલા આંચકામાં ફફડાટ વ્યાપત થયો હતો. પરંતુ રિઝલ્ટની સીઝન અને આરબીઆઈના અંદાજોએ બજારની દિશા બદલી સળંગ સાત દિવસની તેજી બતાવી છે. અલબત અમેરિકામાં પ્રેસીડેન્ટ માટેની ચૂંટણી નવેમ્બરમાં યોજાવાની હોઈ આ નજીક આવતાં દિવસોએ વૈશ્વિક બજારોમાં આગામી દિવસોમાં મોટી ઉથલપાથલની પૂરી શકયતાને જોતાં આપણાં બજારો  હજુ ઓવર બોટ પોઝિશનની સ્થિતિમાં જ હોવાથી ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. 

વિપ્રોના પરિણામ-શેરોના બાયબેક, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજીના રિઝલ્ટ પર નજર

કોર્પોરેટ પરિણામોની જુલાઈ થી સપ્ટેમ્બર ૨૦૨૦ના ત્રિમાસિકની સીઝન ટીસીએસથી શરૂ થઈ ગઈ છે. હવે આગામી સપ્તાહમાં આઈટી જાયન્ટ વિપ્રો દ્વારા ૧૨,ઓકટોબર ૨૦૨૦ના પરિણામ જાહેર કરવા સાથે ૧૩,ઓકટોબર ૨૦૨૦ના શેરોના બાયબેકની દરખાસ્ત પર વિચારણા થનારી છે. જ્યારે ઈન્ફોસીસ દ્વારા ૧૪,ઓકટોબર ૨૦૨૦ના પરિણામ અને એચસીએલ ટેકનોલોજીસ દ્વારા ૧૬,ઓકટોબર ૨૦૨૦ના રિઝલ્ટ જાહેર થનારા છે. આ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે વિશ્વમાં કોરોનાના ફરી વધી રહેલા કેસો પર નજર અને આર્થિક રિકવરી પર વધી રહેલા દબાણોને લઈ દેશો દ્વારા સિસ્ટમમાં લિક્વિડિટીની મોટી સમસ્યા ન ઉદ્દભવે અને રિકવરીને સપોર્ટ મળે એ માટે સ્ટીમ્યુલસ પગલાં કેવા લેવાય છે એના પર નજર રહેશે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા ભારતીય શેર બજારોમાં ગત સપ્તાહમાં વેચવાલી અટકાવીને થયેલી ખરીદી બાદ સપ્તાહના અંતે ફરી ખરીદી ધીમી પડી છે. હવે અમેરિકામાં આવી રહેલી ચૂંટણીની તૈયારી વચ્ચે થનારા ડેવલપમેન્ટ પર વિશ્વની નજર રહેશે. જ્યારે ચાઈના દ્વારા ૧૫,ઓકટોબર ૨૦૨૦ના સપ્ટેમ્બર મહિના માટેના ફુગાવાના જાહેર થનારા આંક અને અમેરિકામાં ૧૩,ઓકટોબરના જાહેર થનારા ફુગાવાના આંક અને ૧૬,ઓકટોબરના અમેરિકાના રીટેલ વેચાણના સપ્ટેમ્બર મહિનાના જાહર થનારા આંકડા પર નજર રહેશે. આ ઈવેન્ટ્સ વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૪૧૩૩૩ થી ૩૯૬૬૬ વચ્ચે અને નિફટી ૧૨૧૧૧ થી ૧૧૬૬૬ વચ્ચે અથડાતા જોવાય એવી શક્યતા રહેશે.

ડાર્ક હોર્સ : SBI LIFE INSURANCE CO. LTD.

બીએસઈ(૫૪૦૭૧૯), એનએસઈ(SBILIFE), લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, વર્ષ ૨૦૦૦માં શરૂ થયેલી એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ(SBI LIFE INSURANCE COMPANY LTD.) એ ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને વિશ્વની અગ્રણી ઈન્સ્યોરન્સ કંપની બીએનપી પારિબાસ કાર્ડિફ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. કંપની ગ્રાહક સેવાના ઉચ્ચ માપદંડો અને વિશ્વ કક્ષાની ઓપરેટીંગ સક્ષમતાની ખાતરી સાથે વિસ્તૃત રેન્જની જીવન વીમા-લાઈફ ઈન્સ્યોરન્સ અને પેન્શન પ્રોડક્ટસ સ્પર્ધાત્મક દરોએ ઓફર કરે છે.કંપની સેવિંગ્સ અને પ્રોટેકશન પ્લાન્સ સહિતવ્યક્તિગત અને ગુ્રપ પ્રોડક્ટસ વિવિધ ગ્રાહક સેગ્મેન્ટની જરૂરીયાતને ધ્યાનમાં લઈ ઓફર કરે છે. દેશભરમાં ૨૨,૦૦૦થી વધુ બ્રાન્ચનું નેટવર્ક અને ૩૭ દેશોમાં ૧૯૮ ફોરેન ઓફિસો ધરાવતી એસબીઆઈનું પીઠબળ ધરાવે છે. જ્યારે બીએનપી પારિબાસ કાર્ડિફ એ વિશ્વમાં મજબૂત બેંકોમાં એક અને ૭૦થી વધુ દેશોમાં અસ્તિત્વ ધરાવતા તેમ જ રીટેલ બેંકિંગ, ઈન્વેસ્ટમેેન્ટ સોલ્યુશન્સ અને કોર્પોરેટ અને ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગમાં ઉચ્ચ રેન્કિંગ ધરાવતા ગુ્રપનું લાઈફ અને પ્રોપર્ટી એન્ડ કેઝયુલિટી ઈન્સ્યોરન્સ એકમ છે. બીએનપી પારિબાસ કાર્ડિફ ક્રેડિટર ઈન્સ્યોરન્સમાં વિશ્વમાં અગ્રણી સાહસિકોમાં એક અને કંપનીના લાઈફ અને નોન-લાઈફ ઈન્સ્યોરન્સ યુનિટો સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સનું એ રેટીંગ ધરાવે છે. મલ્ટિ ચેનલ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવતી એસબીઆઈ લાઈફ દેશભરમાં ૯૪૦ ઓફિસોમાં કામકાજ સાથે ૧,૯૦,૬૯૬ પ્રશિક્ષિત ઈન્સ્યોરન્સ પ્રોફેશનલોનું મજબૂત ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવે છે, જેમાં ૧,૩૭,૦૦૦ એજન્ટો, સીઆઈએફ, એસપીઝ સહિતનો સમાવેશ છે.

દેશની સૌથી મોટી બેંકએસ્યોરન્સ પાર્ટનર એસબીઆઈ(સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા) સાથે ટાઈ-અપ ધરાવતી એસબીઆઈ લાઈફ માટે મોટી તકો રહેલી છે. કંપનીનો બેંકએસ્યોરન્સ બિઝનેસે પણ નાણાકીય વર્ષ ૨૦૨૦માં નવા બિઝનેસ પ્રીમિયમમાં મજબૂત ૧૪ ટકાની વૃદ્વિ નોંધાવી હતી. જ્યારે કુલ નવા બિઝનેસ પ્રીમિયમમાં બજાર હિસ્સો ૬૦ ટકા જાળવ્યો છે, જે નાણાકીય વર્ષ ૨૦૧૮માં ૫૦ ટકાથી ઓછો હતો. ઈન્સ્યોરન્સ પ્રોડક્ટસના વેચાણ માટે બેંકએસ્યોરન્સ પસંદગીની ચેનલ રહી છે. જેના થકી મજબૂત વેચાણ મેળવી શકવા મદદ મળે છે. વ્યક્તિગત વીમા કવચ મોટાભાગે બેંકએસ્યોરન્સ ચેનલ થકી આવી રહ્યું છે. એસબીઆઈના યોનો એપ થકી કંપની સરળ ટર્મઈન્સ્યોરન્સ પ્રોડક્ટસ ઓફર કરવા સક્ષમ રહી છે. આ સાથે કંપની નવા બિઝનેસ પ્રીમિયમની આવકમાં વૃદ્વિ પર સતત ફોક્સ કરી રહી છે. 

વર્ષ ૨૦૧૮માં શેર બજારોમાં લિસ્ટેડ થયેલી એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ ૩૦,જૂન ૨૦૨૦ મુજબ કુલ નવા બિઝનેસ પ્રીમિયમ(એનબીપી)માં ૨૩.૯ ટકા બજાર હિસ્સા સાથે પ્રાઈવેટ માર્કેટ લીડરશીપ ધરાવે છે. વેલ્યુ ઓફ ન્યુ બિઝનેસ(વીઓએનબી) ૨૯ ટકા ઘટીને રૂ.૨૪૦ કરોડ થવા સામે કંપનીએ વેલ્યુ ઓફ ન્યુ બિઝનેસ(વીઓએનબી) માર્જિન ૮૦ બેઝિઝ પોઈન્ટ વધીને ૧૮.૭ ટકા મેળવ્યું છે. આ સાથે નવું બિઝનેસ પ્રીમિયમ(એનબીપી)  રૂ.૩૧૫૦ કરોડની તુલનાએ ત્રણ ટકા ઘટીને રૂ.૩૦૬૦ કરોડ મેળવ્યા સામે રીન્યુઅલ પ્રીમિયમ(આરપી) રૂ.૩૫૪૦ કરોડની તુલનાએ ૩૦ ટકા વધીને રૂ.૪૫૮૦ કરોડ મેળવીને ગ્રોસ રીટન પ્રીમિયમ(જીડબલ્યુપી) રૂ.૬૬૯૦ કરોડની તુલનાએ ૧૪ ટકા વધીને રૂ.૭૬૪૦ કરોડ મેળવ્યું છે. નોન-પાર સેગ્મેન્ટમાંથી વ્યક્તિગત નવું બિઝનેસ પ્રીમિયમ આ પ્રથમ ત્રિમાસિકમાં ૫૦ ટકા વધીને રૂ.૪૨૦ કરોડ મેળવ્યું છે. જ્યારે નવા બિઝનેસ એપીઈ રૂ.૧૮૬૦ કરોડની તુલનાએ ૩૨ ટકા ઘટીને રૂ.૧૨૭૦ કરોડની રહી છે. આ સાથે કુલ કોસ્ટ રેશીયો પણ ૧૧.૨ ટકાથી ઘટીને ૧૦.૧ ટકા થયો છે, કમિશન રેશીયો ગત વર્ષના સમાનગાળાના ૩.૮ ટકાની તુલનાએ ઘટીને ૩.૧ ટકા અને ઓપરેટીંગ ખર્ચ ૭.૩ ટકાથી ઘટીને ૭ ટકા થયો છે. નફાકારકતા પણ આ સમયગાળામાં પાંચ ટકા વધીને રૂ.૩૯૦ કરોડની થઈ છે. અલબત વેલ્યુ ઓફ ન્યુ બિઝનેસ(વીઓએનબી) ૨૯ ટકા ઘટીને રૂ.૨૪૦ કરોડનું થયું છે, પરંતુ વીઓએનબી માર્જિન ૮૦ બેઝિઝ પોઈન્ટ વધીને ૧૮.૭ ટકા થયું છે. 

૩૦,જૂન ૨૦૨૦ મુજબ કંપનીના વહીવટ હેઠળની અસ્કયામતો(એસેટ અન્ડર મેનેજમેન્ટ) રૂ.૧,૪૬,૯૫૦ કરોડની તુલનાએ ૧૯ ટકા વધીને રૂ.૧,૭૫,૩૫૦ કરોડ થઈ છે. ડેટ ઈક્વિટી રેશીયો પણ ૭૬:૨૪ રહ્યો છે. કંપનીના ડેટ રોકાણો પૈકી ૯૦ ટકા ટ્રીપલ એ અને સોવરેઈન છે. કંપનીની નેટવર્થ પણ ૩૦,જૂન ૨૦૧૯ની રૂ.૭૯૪૦ કરોડની તુલનાએ ૧૭ ટકા વધીને ૩૦,જૂન ૨૦૨૦ના રૂ.૯૩૧૦ કરોડની થઈ છે. કંપની મજબૂત સોલવન્સી રેશીયો ૨.૩૯નો ધરાવે છે, જેની નિયામક જરૂરીયાત ૧.૫૦ની છે.

એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સના પરફોર્મન્સમાં વેલ્યુ ઓફ ન્યુ બિઝનેસમાં ચાર ટકાના ઘટાડાના અંદાજ સાથે કોટક સિક્યુરિટીઝ દ્વારા આવક અંદાજોએ રૂ.૧૦૫૦નો શેર ભાવ લક્ષ્યાંક જાળવવામાં આવ્યો છે. 

શેર હોલ્ડિંગ પેટર્ન :

સ્ટેટ બે ંક ઓફ ઈન્ડિયા પાસે ૫૫.૫૦ ટકા અને બીએનપી પારિબાસ કાર્ડિફ પાસે ૫.૨૦ ટકા મળીને પ્રમોટર્સ હસ્તક ૬૦.૭૦ ટકા હોલ્ડિંગ, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૫.૭૧ ટકા પૈકી આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ નિફટી નેક્સ્ટ ૫૦ ઈટીએફ પાસે ૨.૦૩ ટકા, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ) પાસે ૨૬.૧૫ ટકા પૈકી ગર્વમેન્ટ ઓફ સિંગાપુર પાસે ૧.૧૫ ટકા, કેનેડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ પાસે ૨.૮૬ ટકા, સીએ એમરાલ્ડ ઈન્વેસ્ટમેન્ટ પાસે ૬ ટકા છે. જ્યારે ઓવરસીઝ કોર્પોરેટ બોડીઝ મેકરીટચી ઈન્વેસ્ટમેન્ટ પાસે ૧.૫૧ ટકા અને રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેર મૂડીધારકો પાસે ૧.૯૦ ટકા છે. 

બુક વેલ્યુ :

માર્ચ ૨૦૧૭ની રૂ.૫૪.૬૫, માર્ચ ૨૦૧૮ની રૂ.૬૫.૨૮, માર્ચ ૨૦૧૯ની રૂ.૭૫.૭૬, માર્ચ ૨૦૨૦ની રૂ.૮૭.૪૩, અપેક્ષિત માર્ચ ૨૦૨૧ની રૂ.૧૦૪.૫૫

નાણાકીય પરિણામ :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦ :

આવક રૂ.૧૫૧૭.૭૦ કરોડની તુલનાએ વધીને રૂ.૧૯૪૬.૧૪ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૧૩૨૬.૭૯ કરોડની તુલનાએ વધીને રૂ.૧૪૨૨.૧૮ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૧૩.૨૭ થી વધીને રૂ.૧૪.૨૨ હાંસલ કરી હતી.

(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૦ થી જૂન ૨૦૨૦ :

આવક રૂ.૩૮૮.૪૧ કરોડની તુલનાએ ત્રણ ટકા ઘટીને રૂ.૩૭૮.૬૭ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૩૭૧.૯૦ કરોડની તુલનાએ પાંચ ટકા વધીને રૂ.૩૯૦.૮૯ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક રૂ.૩.૭૨ થી વધીને રૂ.૩.૯૧  હાંસલ કરી છે. 

(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧ :

અપેક્ષિત ચોખ્ખી આવક  રૂ.૧૯૨૪.૭૨ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૧૭૧૨.૨૫ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૧૭.૧૨ અપેક્ષિત છે. 

(૪) વેલ્યુએશન : B :

ઉદ્યોગના સરેરાશ ૬૯ના પી/ઈ સામે કંપની ૫૭નો પી/ઈ આપીએ તો પણ કંપનીની અપેક્ષિત કમાણીએ શેર રૂ.૯૭૫ને આંબી શકે એ માટે વેલ્યુએશન સિંગલ B.

આમ (૧) સ્ટેટ બે ંક ઓફ ઈન્ડિયા પાસે ૫૫.૫૦ ટકા અને બીએનપી પારિબાસ કાર્ડિફ પાસે ૫.૨૦ ટકા મળીને પ્રમોટર્સ હસ્તક ૬૦.૭૦ ટકા હોલ્ડિંગ ધરાવતી (૨) ૩૦,જૂન ૨૦૨૦ મુજબ કંપનીના વહીવટ હેઠળની અસ્કયામતો(એસેટ અન્ડર મેનેજમેન્ટ) રૂ.૧,૪૬,૯૫૦ કરોડની તુલનાએ ૧૯ ટકા વધીને રૂ.૧,૭૫,૩૫૦ કરોડ ધરાવતી  અને નેટવર્થ પણ ૩૦,જૂન ૨૦૧૯ની રૂ.૭૯૪૦ કરોડની તુલનાએ ૧૭ ટકા વધીને ૩૦,જૂન ૨૦૨૦ના રૂ.૯૩૧૦ કરોડ ધરાવતી (૩) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૦ થી જૂન ૨૦૨૦માં ચોખ્ખો નફો રૂ.૩૭૧.૯૦ કરોડની તુલનાએ પાંચ ટકા વધીને રૂ.૩૯૦.૮૯ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક(ઈપીએસ) રૂ.૩.૯૧ હાંસલ કરનાર (૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧માં અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૧૭.૧૨ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૦૪.૫૫ સામે શેર એનએસઈ, બીએસઈ પર રૂ.૮૦૬.૧૫ ભાવે અપેક્ષિત કમાણી સામે ૪૭ના પી/ઈએ ઉપલબ્ધ છે. 

મનોજ શાહ : રીસર્ચ એનાલિસ્ટ(SEBI REG. NO. INH000000107) 

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ છે :  ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી :  (૧)લેખક ઉપરોકત કંપનીઓના  શેરોમાં કોઈ રોકાણ ધરાવતા નથી. (૨) રીચર્સ માટેના અમારા સ્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતર ું હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન H, BB, BBB, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે.  (૬) ફીડબેક ઈ-મેઈલ : [email protected]માં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે  પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here