દૈનિક કામના કલાકો 12, ફાઈવ-ડે વીક કરવાની કેન્દ્રની વિચારણા

દૈનિક કામના કલાકો 12, ફાઈવ-ડે વીક કરવાની કેન્દ્રની વિચારણા

નવી દિલ્હી, તા. 21 નવેમ્બર, 2020, શનિવાર

દૈનિક કામના કલાકો 12 કરવા અંગે કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. અત્યારે કામના દૈનિક કલાકો આઠ ગણાય છે. કેન્દ્રિય શ્રમ મંત્રાલયે આ અંગેનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જે અંગે કેબિનેટ વિચારણા કરશે. પ્રસ્તાવ એવો છે કે કર્મચારીઓના કામના કલાકો 12 થશે, જ્યારે શ્રમિકોના આઠ કલાક પછીના સમયને ઓવરટાઈમ ગણવામાં આવશે. એ અંગે સ્પષ્ટ નિયમો જોકે સમય જતાં બનશે.

ભારતમાં અઠવાડિયે 48 કલાક કામ કરવાનો ધારો છે. આ પ્રસ્તાવ પછી પણ કામના અઠવાડિક કલાકો તો 48 જ રહેશે. એટલે કે અત્યારે સપ્તાહમાં 6 દિવસ કામના (સિક્સ ડે વીક) હોય છે, તેના બદલે પાંચ જ દિવસ કામના (ફાઈવ ડે વીક) ગણાશે. આ પ્રસ્તાવ પર્યાવરણ અને ગ્લોબલ વૉર્મિંગને ધ્યાને રાખીને વિચારાયો છે.

કર્મચારી ઘરેથી ઓફિસ જાય એ દરમિયાન પરિવહન સહિતના અનેક તબક્કે ઊર્જાનો વપરાશ કરતો હોય છે. સવારે જઈને સાંજે પરત આવવાનું જ છે, એટલે જો ચાર કલાક વધારી દેવાય તો પરિવહનમાં મોટો ઘટાડો થાય. બીજી તરફ એ હકીકત છે કે હવા પ્રદૂષણમાં સૌથી મોટો ફાળો વાહનોનો જ છે. ફાઈવ ડે વીક થવાથી ઓફિસોને પણ સપ્તાહમાં બે દિવસ બંધ રાખી ઊર્જા-વીજળી બચાવી શકાય.

એ સિવાય ઘણા ખર્ચમાં કાપ મુકી શકાય. માટે અનેક દેશો આ સિસ્ટમ અપનાવે છે.  12 કલાક કરવામાં આવે તો પણ પાંચ કલાકથી વધારે સમય સળંગ કામ નહીં કરાવી શકાય. એટલે એ પ્રમાણે વચ્ચે રિશેષ-બ્રેકનો ઉમેરો કરવાનો રહેશે. આ પ્રસ્તાવ વિચારણાના તબક્કામાં છે અને સરકાર સંકળાયેલા તમામ પક્ષકારો પાસેથી આ અંગે સૂચનો પણ મંગાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here