દેશમાં કોરોનાના કેસ 74.85 લાખને પાર, 65.83 લાખ દર્દી સાજા થયા

દેશમાં કોરોનાના કેસ 74.85 લાખને પાર, 65.83 લાખ દર્દી સાજા થયા

નવી દિલ્હી, તા. 17 ઓક્ટોબર, 2020, શનિવાર

ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાનો પ્રકોપ ઘટી રહ્યો છે. કોરોનાના દૈનિક કેસમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. જોકે, શનિવારે કોરોનાના દૈનિક મોતનો આંકડો ફરીથી 1,000થી વધુ નોંધાયો હતો, જે ચિંતાજનક બાબત છે. બીજીબાજુ બંગાળ ભાજપના અધ્યક્ષ દીલિપ ઘોષ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58,181 કેસ નોંધાયા હતા અને વધુ 1,057નાં મોત નીપજ્યાં હતા જ્યારે 67,092 દર્દીઓ સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ 74,85,720 થયા છે અને મૃત્યુઆંક 1,13,983 થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 65,83,863 દર્દીઓ સાજા થયા છે. 

રિકવરી રેટ વધીને 87.92 ટકા થયો છે. જોકે, દેશમાં છેલ્લા કેટલાક દિવસમાં પહેલી વખત એક દિવસમાં કોરોનાથી 1,000થી વધુના મોત નીપજ્યાં છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસ 15.86 લાખને પાર થયા છે જ્યારે મૃત્યુઆંક 41,965 થયો છે.

બંગાળ ભાજપ અધ્યક્ષ દીલિપ ઘોષ પણ કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જણાતાં તેમને કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘોષને બે દિવસથી સાધારણ તાવ હતો. ડૉક્ટરે તેમને કોરોનાની તપાસ કરાવવાની ભલામણ કરી હતી. 

શુક્રવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દીલિપ ઘોષે કોરોના વાઈરસ મુદ્દે અગાઉ કેટલાક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગૌમુત્ર પીવાથી કોરોના વાઈરસ સહિત અનેક પ્રકારના વાઇરસ સામે લડવા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here