દુનિયાની સૌથી વધુ મૂલ્યવાન 500 કંપનીઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 11 ભારતીય કંપનીઓ સ્થાન મેળવવામાં સફળ થઇ છે. આ યાદીમાં ભારત 10માં ક્રમે આવ્યુ છે. આ માહિતી હારુન ગ્લોબલ-500 રિપોર્ટમાં જાહેર કરવામાં આવી છે.
હારુન ગ્લોબલ-500 યાદીમાં શામેલ આ 11 ભારતીય કંપનીઓનું કુલ બજારમૂલ્ય પાછલા વર્ષે 14 ટકા વધ્યુ છે. તેમની વેલ્યૂએશન 805 અબજ ડોલર આંકવામાં આવી છે જે ભારત દેશની કુલ જીડીપીના લગભગ એક તૃત્યાંશ બરાબર છે.
આ રિપોર્ટ મુજબ, આઇટીસી અને ICICI બેન્કને બાદ કરતા યાદીમાં શામેલ તમામ ભારતીય કંપનીઓની વેલ્યૂએશન કોરોના કટોકટીના વર્ષ 2020માં વધી છે. મુકેશ અંબાણીના આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) આ 11 ભારતીય કંપનીઓમાં સૌથી ટોચ પર છે.
1લી ડિસેમ્બર સુધી કંપનીની માર્કેટ વેલ્યૂએશન વર્ષ દરમિયાન 20.5 ટકા વધીને 168.8 અબજ ડોલરે પહોંચી ગઇ હતુ. કંપની હારુન ગ્લોબલ-500ની યાદીમાં 54માં સ્થાને છે. ત્યારબાદ ટાટા ગ્રૂપની ટીસીએસનો નંબર છે અને હારુન ગ્લોબલ-500ની યાદીમાં 73માં ક્રમે આવી છે. પાછલા વર્ષે ટીસીએસની માર્કેટ વેલ્યૂ 30 ટકા વધીને 139 અબજ ડોલર થઇ છે. જે ભારતની બીજા ક્રમની સૌથી વધુ મૂલ્યવાન કંપની રહી છે.
રિપોર્ટ મુજબ, HDFC બેન્કની વેલ્યૂએશન 11.5 ટકા વધીને 107.5 અબજ ડોલર રહી છે, જ્યારે હિન્દુસ્તાન યુનિલિવરની વેલ્યૂ 3.3 ટકાની વૃદ્ધિ સાથે 68.2 અબજડોલરે પહોંચી ગઇ છે. ઇન્ફોસિસની માર્કેટ વેલ્યૂ 56.6 ટકા વધીને 66 અબજ ડોલર જ્યારે એચડીએફસીની માર્કેટ વેલ્યૂ 2.1 ટકા વધીને 56.4 અબજ ડોલર રહી છે.
કોટક મહિન્દ્રા બેન્કનું બજારમૂલ્ય 16.8 ટકા વધીને 50.6 અબજ ડોલર થયુ. તો આઇસીઆઇસીઆઇ બેન્કની વેલ્યૂએશન 0.5 ટકા ઘટીને 45.6 અબજ ડોલર થઇ છે અને આ સાથે તે હારુન ગ્લોબલ-500 યાદીમાં 316માં ક્રમે છે.
આઇટીસીની વેલ્યૂ 22ટકા ઘટીને 32.6 અબજ ડોલર ઘટી છે અને તે યાદીમાં 480માં સ્થાને રહી છે. હારુન ગ્લોબલ-500 રેન્કિંગમાં એપલ ઇન્ક 2100 અબજ ડોલરની માર્કેટકેપ સાથે સૌથી ટોચ ઉપર છે.
આ યાદીમાં બીજા ક્રમે 1000 અબજ ડોલરની વેલ્યૂએશન સાથે માઇક્રોસોફ્ટ છે. આ યાદીમાં સૌથી વધુ અમેરિકાની 242 કંપનીઓ છે, જ્યારે ચીનની 51 અને જાપાનની 30 કંપનીઓ છે. આ રિપોર્ટ મુજબ જાહેર ક્ષેત્રની કંપનીઓમાં ભારતની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) 45 કંપનીઓની યાદીમાં સ્થાન બનાવવામાં સફળ રહી છે.
આ સરકારી બેન્કની વેલ્યૂએશન 33 અબજ ડોલર રહી છે અને તે હારુન ગ્લોબલ-500 રેન્કિંગમાં સૌથી છેલ્લે છે. 11 ભારતીય કંપનીઓમાં સાત કંપનીઓનું હેડક્વાર્ટર દેશની આર્થિક રાજધાની મુંબઇમાં છે, જ્યારે પૂના, દિલ્હી, કલક્તા અને બેંગ્લોરમાં એક-એક કંપનીનું હેડક્વાર્ટર છે. આ યાદીમાં 239 કંપનીઓ એવી છે જેમનું હેડક્વાર્ટર ભારતની બહાર છે પરંતુ તેઓ ભારતમાં વેપારી પ્રવૃત્તિ કરે છે.
હારૂન ગ્લોબલ-500માં શામેલ મૂલ્યવાન 11 ભારતીય કંપનીઓ
કંપનીઓનું નામ | માર્કેટવેલ્યૂ | વર્ષ 2020માં વૃદ્ધિ |
Reliance Industries Limited | 168.8 અબજ ડોલર | 20.5 ટકા |
TCS | 139.0 અબજ ડોલર | 30.0 ટકા |
HDFC Bank | 107.5 અબજ ડોલર | 11.5 ટકા |
Hindustan | 68.2 અબજ ડોલર | 3.3 ટકા |
Infosys | 66.0 અબજ ડોલર | 56.6 ટકા |
HDFC | 56.4 અબજ ડોલર | 2.1 ટકા |
Kotak Mahindra Bank | 50.6 અબજ ડોલર | 16.8 ટકા |
ICICI Bank | 45.6 અબજ ડોલર | -0.5 ટકા |
ITC | 32.6 અબજ ડોલર | -22.0 ટકા |