‘દસ લાખ બેકારોને નોકરી આપીશું’ મતદારોની કોણીએ ગોળ લગાડતા નેતાઓ

‘દસ લાખ બેકારોને નોકરી આપીશું’ મતદારોની કોણીએ ગોળ લગાડતા નેતાઓ

– મહાગઠબંધને જાહેર કર્યો કોમન ચૂંટણી ઢંઢેરો

પટણા તા.17 ઓક્ટોબર 2020 શનિવાર

બિહાર વિધાનસભાની ચૂંટણી આડે ફક્ત આઠ નવ દિવસો રહ્યા છે ત્યારે મહાગઠબંધને આજે પહેલે નોરતે પોતાનો કોમન ચૂંટણી ઢંઢેરો બહાર પાડતાં કહ્યું હતું કે અમે સત્તા પર આવશું તો દસ લાખ યુવાનોને નોકરી આપશું. 

વચન આપવામાં ક્યાં કોઇ ખર્ચ થાય છે. મહાગઠબંધને બિહડામાં એરપોર્ટ બનાવવાનું, શિક્ષકોને સમાન કામ સમાન વેતન આપવાનું, નોકરીનો ઇન્ટરવ્યૂ આપવા જતા યુવાનોને વાહનભથ્થું આપવાનું અને ખેડૂતોનાં તમામ દેવાં માફ કરી દેવાનું વચન પણ આપ્યું હતું. 

રાજદના લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે વધુમાં કહ્યું હતું કે અત્યાર સુધી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો નથી. અમે રાજ્યને વિશેષ દરજ્જો અપાવીશું, બંધ પડેલી સાકરની મિલો ફરી ચાલુ કરાવીશું અને બેકારની નાબૂદ કરી દેશું. મહાગઠબંધને ‘પ્રણ હમારા સંકલ્પ બદલાવ કા…’ સૂત્ર પણ જાહેર કર્યું હતું. તેજસ્વીએ કહ્યું કે આજે નવરાત્રિનો પહેલો દિવસ છે, લોકો ઘરમાં કળશની સ્થાપના કરતા હોય છે. અમે પણ અમારે ત્યાં કળશની સ્થાપના કરી છે અને પ્રણ લીધું છે કે નીતિશ કુમારની સરકારને પરાજિત કરીને અમારી સરકારની સ્થાપના કરીશું. 

આ મહાગઠબંધને નીતિશ કુમારની સરકારે પચાસથી વધુ કૌભાંડો કર્યાં હોવાના આક્ષેપ કર્યા હતા. પત્રકારો સમક્ષ તેજસ્વીએ એવો દાવો પણ કર્યો હતો કે અમારી પાસે નીતિશ કુમારની સરકારના કૌભાંડોના પુરાવા છે. તેમણે કહ્યું કે હાલની સરકાર વીજળી ખરીદીને લોકોને વેચે છે. અમે વીજપુરવઠો વધુ ઉત્પન્ન કરવાના છીએ. લોકોને વાજબી ભાવે વીજળી મળી રહે એ અમારો અગ્રતાક્રમ રહેશે.

આ પ્રસંગે ભાકપા, સામ્યવાદી પક્ષ વગેરેના નેતાઓએ પણ પત્રકાર પરિષદમાં ભાષણ કર્યા હતા અને નીતિશ કુમારની સરકારને બિહાર પર અભિશાપ સમાન ગણાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here