બેડમિન્ટન સ્ટાર સાઈના નહેવાલ કોરોનાથી સંક્રમિત થઈ છે.સાઈના નહેવાલ એક ટુર્નામેન્ટ રમવા માટે થાઈલેન્ડ પહોંચી છે.જ્યાં તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
દરમિયાન કોરોના પોઝિટિવ હોવાનુ નિદાન થયા બાદ સાઈનાને હોસ્પિટલમાં જ ક્વોરેન્ટાઈન કરાઈ છે.કોરોના ટેસ્ટ સાઈના માટે મોટો ઝાટકો પૂરવાર થયો છે.કારણકે થાઈલેન્ડમાં રમનારી થાઈલેન્ડ ઓપન ટુર્નામેન્ટ 12 થી 17 જાન્યુઆરી સુધી ચાલશે અને એ પછી તરત સાઈનાને 19 થી 24 તારીખ વચ્ચે રમાનારી અને 27 થી 31 જાન્યુઆરી વચ્ચે રમાનારી બીજી બે મહત્વની ટુર્નામેન્ટમાં પણ ભાગ લેવાનો હતો.
સાઈનાએ કહ્યુ હતુ કે, મને હજી સુધી કોરોના રિપોર્ટ આપવામાં આવ્યો નથી.આજે મેચ અગાઉ વોર્મ અપ પહેલા મને કહેવાયુ હતુ કે, તમે કોરોના પોઝિટિવ હોવાથી હોસ્પિટલમાં ભરતી થવુ પડશે.નિયમ પ્રમાણે તો ટેસ્ટના પાંચ કલાક બાદ રિપોર્ટ આપી દેવાનો હોય છે.
આ પહેલા પણ સાઈનાએ કોરોનાના કારણે ટુર્નામેન્ટો પર લગાવાયેલા પ્રતિબંધને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.જોકે કોરોના પોઝિટિવ થયા બાદ હવે સાઈના આ ત્રણે ટુર્નામેન્ટમાં રમી નહીં શકે.
સાઈનાની સાથે સાથે અન્ય એક ભારતીય ખેલાડી એચ એસ પ્રણયનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.તેમને પણ હોસ્પિટલમાં 10 દિવસ ક્વોરેન્ટાઈન રહેવુ પડશે.ભારતીય ટીમના બાકીના ખેલાડીઓને ટુર્નામેન્ટમાં રમવા માટે મંજૂરી અપાઈ છે.જેમાં પીવી સિંધુ, કિદામ્બી શ્રીકાંત અશ્વિની પોનપ્પા જેવા સ્ટાર પ્લેયર્સનો સમાવેશ થાય છે.