ટ્રમ્પને ત્રણ ચેનલમાં 1.35 કરોડ અને બિડેનને એક ચેનલમાં 1.41 કરોડ દર્શકો મળ્યાં

ટ્રમ્પને ત્રણ ચેનલમાં 1.35 કરોડ અને બિડેનને એક ચેનલમાં 1.41 કરોડ દર્શકો મળ્યાં

ટ્રમ્પને ભાગલાવાદ અને ઉથલપાથલમાં જ આનંદ આવે છે: બિડેન

ન્યૂયોર્ક, તા. 17 ઓક્ટોબર, 2020, શનિવાર

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટે મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ બંને ઉમેદવારો એડીચોટીનું બળ લગાવી રહ્યા છે. એ દરમિયાન ટીવી દર્શકોનો મિજાજ સામે આવ્યો છે, એ પ્રમાણે ટ્રમ્પ સામે તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર જો બિડેન ભારે પડી રહ્યા છે. ટેલિવિઝનમાં બિડેને ટ્રમ્પ કરતા બમણાં દર્શકો મેળવ્યા હતા.

એક સર્વેક્ષણ પ્રમાણે બિડેનનો એક કાર્યક્રમ એબીસીમાં રાત્રે આઠથી નવ એમ એક કલાક  પ્રસારિત થયો હતો. એ કાર્યક્રમને અમેરિકાના 1.41 કરોડ દર્શકોએ જોયો હતો. બીજી તરફ ટ્રમ્પનો કાર્યક્રમ એનબીસી, સીએનબીસી અને એમએસએનબીસી એમ ત્રણ ચેનલમાં પ્રસારિત થયો હતો. એ કાર્યક્રમના ત્રણ ચેનલના કુલ મળીને 1.35 કરોડ દર્શકો મળ્યા હતા.

એક જ ચેનલમાં બિડેનનો કાર્યક્રમ પ્રસારિત થયો હોવા છતાં એ કાર્યક્રમ ટ્રમ્પને ભારે પડયો હતો. દરમિયાન બંને ઉમેદવારોએ એક બીજા ઉપર આરોપો લગાડવાનું ચાલુ રાખ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું, બિડેન અમેરિકા માટે ખતરનાક રાષ્ટ્રપતિ બનશે. બિડેન અમેરિકાના ઈતિહાસમાં સૌથી ભ્રષ્ટ ઉમેદવાર છે.

ટ્રમ્પે બિડેનને ડાબેરી વિચારધારાના ગણાવીને કહ્યું હતું કે ડાબેરી મીડિયાની મદદથી તે પ્રચાર કેમ્પેઈન ચલાવી રહ્યા છે. બીજી તરફ બિડેને પણ ટ્રમ્પ પર શાબ્દિક હુમલા કર્યા હતા. બિડેને રેલીમાં કહ્યું હતું કે ટ્રમ્પ ભાગલાવાદી માનસિકતા ધરાવે છે. ટ્રમ્પને ભાગલાવાદ અને ઉથલ-પાથલમાં આનંદ આવે છે. કોરોનાની નિષ્ફળતા છુપાવવા માટે ટ્રમ્પ કંઈ પણ કરી શકે છે. ટ્રમ્પે અમેરિકામાં નફરતનું રાજકારણ શરૂ કર્યું છે.

બિડેન અને કમલા હેરિસના સમર્થનમાં ઓબામા ચૂંટણી પ્રચાર કરશે

પૂર્વ પ્રમુખ બરાક ઓબામા ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર જો બિડેન અને ઉપપ્રમુખ પદના ઉમેદવાર કમલા હેરિસનો પ્રચાર કરશે.  ઓબામાના બંને કાર્યકાળમાં જો બિડેન ઉપપ્રમુખ હતા. ટ્રમ્પે કહ્યું હતું કે ઓબામા પ્રચારમાં ઉતરશે તેનાથી એને કોઈ જ ફરક  પડશે નહીં. ઓબામા પ્રભાવશાળી પ્રચારક નથી. 2016માં ઓબામા નિષ્ફળ ગયા હતા એટલે જ હું તમારો પ્રેસિડેન્ટ બન્યો હતો. ઓબામાએ આ પહેલાં પ્રચારની શરૂઆત થઈ ત્યારે બિડેન અને કમલા હેરિસ માટે ઓનલાઈન કેમ્પેઈન કર્યું હતું. 21મી ઓક્ટોબરે ઓબામા ફિલાડેલ્ફિયા અને પેન્સિલવેનિયામાં પ્રચાર કરવા જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here