(પીટીઆઈ)
વૉશિંગ્ટન, તા.૧૩
અમેરિકામાં ટ્રમ્પની નૌકા કાંઠે
આવીને ડૂબે એવી શક્યતા છે. પ્રમુખપદની સત્તાના ચાર વર્ષમાંથી હવે માંડ અઠવાડિયું
બાકી છે. ત્યાં ટ્રમ્પ પર બીજી વખત મહાભિયોગની કાર્યવાહી આરંભાય એવા સંકેતો મળી
રહ્યા છે. અમેરિકી પ્રમુખને સત્તા પરથી હટાવવા માટે ઈમ્પિચમેન્ટ (મહાભિયો)ની
કાર્યવાહી કરવી પડે. આ કાર્યવાહી માટે અમેરિકી સંસદના બન્ને ગૃહમાં મતદાન થતું હોય
છે. રિપ્રેઝન્ટેટિવ્સે આજે બહુમતીથી ખરડો પાસ કરી ઉપરાષ્ટ્રપતિ પાસે અમેન્ડમેન્ટ
૨૫નો અમલ કરવા ભલામણ મોકલી હતી.
બુધવારે અમેરિકી સંસદના નિચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવમાં મતદાન થયું
હતુ. આ ગૃહમાં ટ્રમ્પના રિપબ્લિકન પક્ષનું નહી, પણ
ડેમોક્રેટિક પક્ષનું પ્રભુત્વ છે. માટે અહીં ટ્રમ્પ વિરૃદ્ધ મતદાન થાય તેની નવાઈ
નથી. હવે મહત્ત્વનું મતદાન અમેરિકી સેનેટ (સંસદનું ઉપલું ગૃહ) કરશે. આ ગૃહમાં ટ્રમ્પના પક્ષ રિપબ્લિકનની બહુમતી છે. આ ગૃહ ૧૦૦ સભ્યોનું
બનેલું છે. તેમાંથી ૬૭ સભ્યો જો ઈમ્પિચમેન્ટની તરફેણમાં મતદાન કરે તો પછી
ઈમ્પિચમેન્ટની કાર્યવાહીનો આરંભ થાય.
અત્યારેે સેનેમાં ટ્રમ્પના રિપબ્લિકન પક્ષના૫૧ સાંસદો છે. જો એ પૈકીના ૨૦
સભ્યો ટ્રમ્પની વિરૃદ્ધ મતદાન કરે તો ટ્રમ્પ સામે ઈમ્પિચમેન્ટનો અમલ થઈ શકે.
અલબત્ત, અત્યારે અમેરિકી સંસદ પાસે એટલો સમય નથી કે આ
નિર્ણય આવી શકે. કેમ કે ઇમ્પિચમેન્ટની કાર્યવાહી ગમે તેટલી ઝડપથી આગળ ધપાવે તો પણ
૨૦મી જાન્યુઆરી પહેલા નિર્ણય આવે તેવી શક્યતા ઓછી છે.
પરંતુ આ કાર્યવાહી આગળ વધે તો ટ્રમ્પની ભારે નામોશી થાય. અમેરિકી બંધારણના
સુધારા ૨૫ મુજબ રાષ્ટ્રપતિ સત્તા ચલાવવા અસક્ષમ હોય ત્યારે તેમને હટાવી શકાય છે.
અત્યારે ટ્રમ્પના પોતાના પક્ષના જ સભ્યો પણ તેના વિરૃદ્ધ હોવાથી ટ્રમ્પ માટે
મુશ્કેલ સમય ચાલી રહ્યો છે.
રાષ્ટ્રપતિ
પદની ચૂંટણીમાં ઉભા રહી શકશે?
ઈમ્પિચમેન્ટની કાર્યવાહી સફળ ન થાય તો પણ અમેરિકી સેનેટ પાસે ટ્રમ્પ પર
આજીવન રાજકારણથી દૂર કરવાની સત્તા છે. સેનેટ ધારે તો ખરડો પસાર કરી ટ્રમ્પ વિરૃદ્ધ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ભાગ
લેવા પર પ્રતિબંધ મુકી શકે છે. એ પછી ૨૦૨૪ની ચૂંટણીમાં ટ્રમ્પ ઉભા ન રહી શકે.
બાઈડેન
સમર્થક સાંસદોને ધમકી
અમેરિકામાં ટ્રમ્પના સમર્થકો ખરા તોફાને ચડયા છે. અમુક સાંસદોને આ સમર્થકો
ધમકી આપી રહ્યા છે. બાઈડેનની પડખે ઉભા રહેનારા સાંસદોએ ધમકીની વાત સ્વિકારી હતી.
એફબીઆઈએ પણ ૨૦ તારીખે અથવા એ પહેલા તોફાનો
થવાની શંકા વ્યક્ત કરી છે. માટે આખા દેશમાં સુરક્ષા મજબૂત કરી દેવાઈ છે. બીજી તરફ
કેપિટલ હિલમાં તોફાન મચાવનારાઓ વિરૃદ્ધ વિવિધ ૧૬૦ ફરિયાદ નોંધી તપાસ શરૃ કરી દેવાઈ
છે.
ટ્રમ્પની
યુટયુબ ચેનલ એક અઠવાડિયા માટે સસ્પેન્ડ
ટ્રમ્પની યુટયુબ ચેનલ એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દેવાઈ છે. અગાઉ
ટ્રમ્પના ટ્વિટર-ફેસબૂક એકાઉન્ટ સસ્પેન્ડ થયા છે. ટ્રમ્પના સમર્થનથી જ તેમના
તોફાની સમર્થકો ઉત્પાત મચાવતા હોવાથી આ નિર્ણય લેવાયો છે. હાલ ટ્રમ્પ પોતાની
સત્તાવાર ચેનલ પર કોઈ નવો વિડીયો અપલોડ
કરી નહી શકે. એ રીતે ટ્રમ્પનો સોશિયલ
મીડિયા દ્વારા સમર્થકો સાથેનો સંપર્ક કાપી નાખવામાં આવ્યો છે. ટ્રમ્પે આ નિર્ણયના
વિરોધમાં કહ્યુ હતુ કે અમેરિકામાં હવે અભિવ્યક્તિ
સ્વાતંત્ર્ય રહ્યુ નથી.
ટ્રમ્પની
કંપનીનો ૧.૭ કરોડ ડૉલરનો કોન્ટ્રાક્ટ રદ
ન્યૂયોર્કના મેયરે શહેરમાં ચાલતો ટ્રમ્પની કંપનીનો કન્સ્ટ્રક્શન
કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે. ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન ન્યૂયોર્કમાં બે આઈસ રિંગ અને
અન્ય બાંધકામ કરે છે. આ ઓર્ગેનાઈઝેશન આ બાંધકામ દ્વારા ૧.૭ કરોડ ડોલર નફો કમાય એવી
શક્યતા હતી. એ કોન્ટ્રાક્ટ રદ કરાતા
ટ્રમ્પ ફરતે ચારે બાજુથી ભીંસ વધી છે.