જેસિન્ડા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન તરીકે બીજી વખત ઐતિહાસિક બહુમતિથી જીત્યાં

જેસિન્ડા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન તરીકે બીજી વખત ઐતિહાસિક બહુમતિથી જીત્યાં


ઓકલેન્ડ, તા. ૧૭
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા એર્ડર્ન બીજી વખત ઐતિહાસિક બહુમતિ સાથે વડાપ્રધાન બન્યા છે. તેમના પક્ષને ૪૯ ટકા મતો મળ્યા હતા. તેમની હરિફ પાર્ટીને ૨૭ ટકા મતોથી સંતોષ માનવો પડયો હતો. કોરોનામુક્ત દેશ બનાવીને ન્યૂઝીલેન્ડમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવનારા જેસિન્ડા નાની વયે બબ્બે વખત પીએમ બનનારા દુનિયાના પ્રથમ મહિલા છે.
જેસિન્ડાની પાર્ટી લિબરલ લેબર પાર્ટીને ન્યૂઝીલેન્ડની ચૂંટણીમાં ૪૯ ટકા મતો મળ્યા છે. તેમની નજીકની હરિફ પાર્ટી કન્ઝર્વેટિવ નેશનલ પાર્ટીને ૨૭ ટકા મતોથી સંતોષ માનવો પડયો હતો. લિબરલ લેબર પાર્ટીની આ ઐતિહાસિક જીત પાછળ જેસિન્ડા એર્ડર્નની અપ્રતિમ લોકપ્રિયતા કારણભૂત છે.
જેસિન્ડા ન્યૂઝીલેન્ડમાં ખૂબ જ લોકપ્રિય છે અને અસરકારક રીતે વડાપ્રધાનપદ સંભાળી રહ્યા છે. તેમણે ન્યૂઝીલેન્ડને કોરોનામુક્ત કરીને ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. જેસિન્ડાએ હજુ થોડા દિવસ પહેલાં જ બીજી વખત દેશને કોરોનાથી મુક્ત કર્યાની જાહેરાત કરી હતી.
ન્યૂઝીલેન્ડમાં યોજાયેલી ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યા પછી પીએમ જેસિન્ડાએ રાષ્ટ્રજોગ સંબોધન કરતા કહ્યું હતુંઃ મારા પક્ષને આ ચૂંટણીમાં જેટલાં મત મળ્યા છે એટલાં ન્યૂઝીલેન્ડમાં છેલ્લાં ૫૦ વર્ષમાં એકેય પાર્ટીને મળ્યા નથી. મારા પર મતદારોએ જે વિશ્વાસ મૂક્યો છે તેને હું ખરો સાબિત કરવા કટિબદ્ધ રહીશ.
ન્યૂઝીલેન્ડમાં લોકસભાની કુલ ૧૨૦ બેઠકો છે. એમાંથી ૬૪ બેઠકો પર જેસિન્ડાના પક્ષ લિબરલ લેબર પાર્ટીના ઉમેદવારો વિજેતા બન્યા હતા. ૧૨૦ બેઠકો ધરાવતી ન્યૂઝીલેન્ડની સંસદમાં બહુમતિ માટે ૬૧ બેઠકો જરૃરી હોય છે. કઝર્વેટિવ નેશનલ પાર્ટીને ૩૫ બેઠકો મળી હતી.
ચૂંટણી પહેલાં જ જેસિન્ડા જીતવા માટે હોટ ફેવરિટ હતાં. તેમની લોકપ્રિયતા તેમના બધા જ હરિફ નેતાઓ કરતાં અનેક ગણી વધુ છે. જેસિન્ડા વડાપ્રધાન ઉપરાંત પોતાની પાર્ટીને પ્રમુખ પણ છે. ન્યૂઝીલેન્ડમાં સત્તાધારી પક્ષના પ્રમુખ અને વડાપ્રધાન હોય એવા જેસિન્ડા પ્રથમ મહિલા નેતા છે.
૨૦૧૭માં ૩૭ વર્ષની વયે જેસિન્ડા લેબર પાર્ટીના નેતા બન્યાં હતા. એ પછીના બે મહિનામાં ચૂંટણી આવી ત્યારે તેઓ વડાપ્રધાન બન્યાં હતાં. ૩૭ વર્ષની વયે વડાપ્રધાન બનનારા જેસિન્ડા દુનિયાના પ્રથમ  ૪૦ વર્ષની નીચેની  વયના નેતા હતા. ૪૦ વર્ષની વયે બીજી વખત ભારે બહુમતિથી ચૂંટાઈને તેમણે ઈતિહાસ રચ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here