ચાલુ જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં દેશમાંથી થતી નિકાસમાં ૧૬.૨ ટકાનો વધારો નોંધાયો હતો. તો બીજી તરફ દેશમાં થતી આયાત પણ ૧.૧ ટકા વધી હતી તેમ વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
કોરોના મહામારી અને લોકડાઉનના કારણે દેશમાંથી થતી નિકાસ ખોરવાઇ જવા પામી છે. લોકડાઉન પછીના માસમાં નિકાસમાં ઘટાડો થયા બાદ છેક સપ્ટેમ્બર માસમાં તેમાં ૭ ટકાનો સુધારો નોંધાયો હતો. ત્યાર પછીના બે સપ્તાહમાં પણ નિકાસમાં ઘટાડો નોંધાયો હતો.
અનલોકના વિવિધ તબક્કામાં મળેલ છૂટછાટો બાદ આર્થિક ગતિવિધિઓ ધમધમતી થતા નિકાસ મોરચે સાનુકૂળ ચિત્રનું નિરૂપણ થઇ રહ્યું છે. તેમાંય વળી નવા વર્ષના પ્રથમ સપ્તાહાં જ નોંધપાત્ર વૃધ્ધિ થતા નિકાસ મોરચે પ્રોત્સાહક આશાવાદ સર્જાયો છે.
સૂચિત સમય દરમિયાન એન્જીનીયરીંગ ગુડ્ઝની નિકાસમાં અંદાજે ૫૦ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. તો પેટ્રોલીયમ પ્રોડક્ટસની નિકાસ ૧૭.૩ ટકા વધી છે.
જો કે, શ્રમિકો આધારિત હોય તેવા ક્ષેત્રોની નિકાસ હજુ પણ ખોરવાયેલી છે. જેમ કે ગારમેન્ટની નિકાસમાં ૨૬ ટકા અને યાર્નની નિકાસમાં ૨૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
આ ઉપરાંત ઓર્ગેનિક અને ઈનઓર્ગોનેક પ્રોડક્ટસની નિકાસમાં ૫.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો.