જંગલની જમીન મુદ્દે બાયડ-દહેગામ રોડ ફતેપુરાના ગ્રામજનોનો ચક્કાજામ

બાયડ, તા. 25  ડિસેમ્બર, 2020, ગુરૂવાર

બાયડ તાલુકાના ડાભા પેઈન
રોડ પર આવેલી જંગલ વિસ્તારની ઠાકોર સાહેબે ફતેપુરાના ખેડૂતોને આપેલી ૨૦૦ વિઘા જમીન
પૈકી ૫૦ વિઘા જમીન તંત્ર દ્વારા વેચી દેવાતા રોષે ભરાયેલા ખેડૂતોએ બાયડ-દહેગામ રોડ
પર રસ્તા રોકો આંદોલન કર્યું હતું. જેના પગલે માર્ગ ટ્રાફિકજામ સર્જાયો હતો. જોકે
પોલીસે તાકીદે દોડી આવી સ્થિતિ થાળે પાડી હતી.

બાયડ તાલુકાના ફતેપુરા
ગામ પાસે આવેલી ૨૦૦ વિઘા જંગલની જમીન જે તે ઠાકોર સાહેબે ગામના ખેડૂતો માટે ગૌચર
અને બળતણના ઉપયોગ માટે આપી હતી. ગામના ખેડૂતો ૧૯૬૧થી આ જમીનનો ગૌચર અને બળતણના
લાકડા મેળવવા ઉપયોગ કરતા હતા. ખેડૂતોના આક્ષેપ મુજબ બાયડ મામલતદાર દ્વારા ખેડૂતોની
૨૦૦ વિઘા જમીન પૈકી ૫૦ વિઘા જમીન ભૂમાફિયાઓને વેચી દેવામાં આવી હતી. આ અંગે
ગ્રામજનોએ મામલતદાર પાસેથી માહિતી માંગતા ૧૮ સામે ખોટી ફરિયાદો કરી જામીન
લેવડાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

વધુમાં જણાવ્યા મુજબ
ગૌચર અને બળતણ માટેની ૨૦૦ વિઘા પૈકી ૫૦ વિઘા જમીન વેચી દઈ દસ્તાવેજ કરી નાખ્યા બાદ
મામલતદાર દ્વારા પંચાયત કે વનવિભાગની મંજૂરી વિના જ ૫૦ વિઘા જમીનમાં વૃક્ષો કાપી
નાખવાનો આદેશ કરતા ફતેપુરા ગામના ખેડૂતો જમીન છિનવાઈ જતા વિફર્યા હતા અને આજરોજ
સવારે બાયડ-દહેગામ હાઈવે પર ન્યાયની માંગણી સાથે રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું
હતું. હાઈવે પર મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરી
બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ગ્રામજનોના રસ્તા રોકો આંદોલનના પગલે હાઈવે પર
વાહનોની કતારો લાગી ગઈ હતી
. જોકે
ઘટનાની જાણ થતાં દોડી આવેલી પોલીસે મામલો થાળે પાડી વાહન વ્યવહાર પૂર્વરત કર્યો
હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here