ઘરઆંગણે સોનાચાંદીમાં મજબૂતાઈ ક્રુડ નવ મહિનાની ટોચે

(વાણિજ્ય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 18 ડિસેમ્બર 2020, શુક્રવાર

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં મજબૂતાઈ જળવાઈ રહી હતી. બ્રેકઝિટ મુદ્દે નિવેડો નહીં આવતા સપ્તાહના અંતે પાઉન્ડ તૂટયો હતો.  ક્રુડ તેલના ભાવ ઊંચકાઈને નવ મહિનાની ટોચે જોવા મળ્યા છે. અમેરિકામાં બેરોજગારીના નવા દવા ત્રણ મહિનાની  ઊંચી સપાટીએ જોવાયા હતા.

ઘરઆંગણે મુંબઈ બજારમાં ગોલ્ડ ૯૯.૫૦ દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૪૯૮૦૭વાળા વધી રૂપિયા ૪૯૯૦૮ રહ્યા હતા. ૯૯.૯૦ દસ ગ્રામના ભાવ રૂપિયા ૫૦૦૦૭થી વધી રૂપિયા ૫૦૧૦૮ બંધ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૬૬૪૬૯ વાળા વધી રૂપિયા ૬૬૫૧૯ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. 

અમદાવાદ સોનું રૂપિયા ૧૦૦ વધી ૯૯.૫૦ના રૂપિયા ૫૧૬૦૦ તથા ૯૯.૯૦ના દસ ગ્રામના રૂપિયા ૫૧૮૦૦ રહ્યા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૬૬૫૦૦ રહ્યા હતા. 

વિશ્વ બજારમાં ગોલ્ડ એક ઔંસના ભાવ ૧૮૭૮ ડોલરથી વધી ૧૮૮૮ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૨૫.૭૩ ડોલરવાળી ૨૫.૯૨ ડોલર બોલાતી હતી. પ્લેટિનમ ૧૦૫૭ ડોલરથી ઘટી ૧૦૫૦ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૨૩૫૫ ડોલરવાળો ભાવ ૨૩૪૨ ડોલર બોલાતો હતો. અમેરિકામાં નવા સ્ટીમ્યુલ્સની અપેક્ષાએ સોનાચાંદીમાં મક્કમતા જોવા મળી રહી છે. અમેરિકામાં બેરોજગારીના નવા દાવા ૮.૮૫ લાખ આવ્યા છે.

સ્થાનિક કરન્સી બજારમાં પાઉન્ડ ૬૬ પૈસા તૂટી ૯૯.૩૧ રૂપિયા રહ્યો હતો, જ્યારે ડોલર ૩ પૈસા ઘટી ૭૩.૫૬ રૂપિયા તથા યુરો ૧૨ પૈસા વધી ૯૦.૧૧ રૂપિયા રહ્યો હતો. 

ક્રુડ તેલના ભાવ વિશ્વ બજારમાં નવ મહિનાની ટોચે જોવા મળ્યા હતા. ન્યુયોર્ક ક્રુડ તેલના ભાવ પ્રતિ બેરલ ૪૮.૨૭ ડોલર જ્યારે બ્રેન્ટ ક્રુડ ૫૧.૩૩ ડોલર બોલાતું હતું. ભારતની ક્રુડ તેલની માગ વધી રહી હોવાથી ભાવને ટેકો મળી રહ્યો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here