ખાદ્યતેલો ઉછળતાં ઈમ્પોર્ટ ડયુટી ઘટવાના સંકેત

ખાદ્યતેલો ઉછળતાં ઈમ્પોર્ટ ડયુટી ઘટવાના સંકેત

(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ, તા. 21 નવેમ્બર 2020, શનિવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે આયાતી પામતેલ તથા સોયાતેલના ભાવમાં ઉંચા મથાળેથી ધીમો ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વબજારના સમાચાર સોયાતેલમાં વધ્યા મથાળે નરમાઈ બતાવતા હતા. જ્યારે વૈશ્વિક સોયાબીનના ભાવ નવા ઉછાળા વચ્ચે સાડા ચાર વર્ષની ટોચે પહોંચ્યાના સમાચાર હતા.

દરમિયાન, ઘરઆંગણે વિવિધ ખાદ્યતેલોના ભાવ તાજેતરમાં ટૂંકા ગાળામાં નોંધપાત્ર ઉછળતાં હવે કેન્દ્ર સરકાર તરફથી વળતા પગલા શરૂ થવાની તથા કદાચ ઈમ્પોર્ટ ડયુટીમાં પાંચ ટકા જેટલો ઘટાડો થવાની શક્યતા આજે બજારમાં ચર્ચાઈ રહી હતી. 

આના પગલે આજે મુંબઈ બજારમાં નવી માગ ધીમી રહી હતી તથા વેપારો છૂટાછવાયા રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં અમેરિકાના કૃષી બજારમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાતેલના ભાવ ૧૫ પોઈન્ટ ઘટયા હતા જ્યારે સોયાબીનના ભાવ ૩૪ પોઈન્ટ વધ્યા હતા. ત્યાં સોયાખોળના ભાવ ૧૦ પોઈન્ટ નરમ રહ્યા હતા સામે કોટનના ભાવ ૧૫૬ પોઈન્ટ ઉછળ્યાના સમાચાર દરીયાપારથી મળ્યા હતા.

દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૪૦૦ રહ્યાહતા જ્યારે કપાસીયા તેલના ભાવ રૂ.૧૦૬૩ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૧૨૩૦ રહ્યા હતા. આયાતી પામતેલના ભાવ રૂ.૧૦૦૫ તથા ક્રુડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ ઘટી રૂ.૯૨૬ રહ્યા હતા.

સોયાતેલના ભાવ ઘટી ડિગમના રૂ.૧૦૪૫ તથા રિફાઈન્ડના રૂ.૧૦૭૦ બોલાઈ રહ્યા હતા. સનફલાવરના ભાવ રૂ.૧૨૨૦ તથા રિફાઈન્ડના રૂ.૧૨૬૦ રહ્યા હતા. દરમિયાન, ઉત્પાદક મથકોએ આજે સિંગતેલના ભાવ રૂ.૧૩૭૫ તથા ૧૫ કિલોના રૂ.૨૧૭૦થી ૨૧૮૦ રહ્યા હતા જ્યારે કોટન વોશ્ડના ભાવ રૂ.૧૦૦૫થી ૧૦૧૦ રહ્યાના સમાચાર હતા.

મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ દિવેલના રૂ.પાંચ વધી રૂ.૯૮૦થી ૧૦૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૨૫ વધી રૂ.૪૮૦૦ને આંબી ગયા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે ટનદીઠ ભાવ સોયાખોળના આશરે રૂ.૩૦૦ ઘટી રૂ.૩૪૬૪૦થી ૩૪૬૫૦ બોલાઈ રહ્યા હતા જ્યારે અન્ય ખોળોના ભાવ સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા.

દરમિયાન, દેશમાં તથા વિદેશમાં કોરોનાનાં કેસો ફરી વધી રહ્યાના સમાચાર હતા તથા આના પગલે ખાદ્યતેલોની નવી માગ પર અસર પડવાની ભીતી પણ જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વબજારના સમાચાર મુજબ બ્રાઝીલ ખાતે ડ્રાય વેધર રહેતાં તથા ઉરુગ્વેમાં પણ દુકાળ જેવી પરિસ્થિતિ વચ્ચે સોયાબીનના વાવેતર પર અસર પડશે એવી શક્યતા વચ્ચે વૈશ્વિક સોયાબીનના ભાવ ઉછળી સાડા ચાર વર્ષની ટોચે પહોંચ્યા છે.

અમેરિકામાં પણ સોયાબીનની  સપ્લાય ટાઈટ રહી છે. વિશ્વબજારમાં સોયાબીનના ભાવમાં આવી તેજી આ પૂર્વે જૂન- ૨૦૧૬માં આવી હતી. યુક્રેનમાં સનફલાવરનું વાવેતર વધ્યાના સમાચાર પણ મળ્યા હતા. આવું વાવેતર તથા અત્યાર સુધીના ગાળામાં વધી આશરે ૬૪ લાખ હેકટર્સ થયાના નિર્દેશો મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here