ખરીફ બાદ હવે રવી વાવેતરમાં પણ દેશના ખેડૂતોમાં ઉત્સાહ

ખરીફ બાદ હવે રવી વાવેતરમાં પણ દેશના ખેડૂતોમાં ઉત્સાહ

નવી દિલ્હી, તા. 21 નવેમ્બર 2020, શનિવાર

વર્તમાન વર્ષમાં દેશમાં નૈઋત્યનું ચોમાસું મોડું સમાપ્ત થતાં જમીનમાં ભેજનું પ્રમાણ ઊંચુ રહ્યું  છે જેને કારણે ખેડૂતોને રવી પાકની વાવણી માટે  સ્થિતિ સાનુકૂળ રહી છે. ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ વર્તમાન વર્ષમાં રવી પાકનો વાવેતર વિસ્તાર અત્યારસુધી ૯.૮૪ ટકા વધુ રહ્યો છે. ખરીફ વાવેતર પણ આ વર્ષે વિક્રમી જોવા મળ્યું હતું.

કૃષિ મંત્રાલયના આંકડા પ્રમાણે, ૨૦ નવેમ્બર સુધીમાં ૨.૬૫ કરોડ હેકટર વિસ્તાર પર રવી પાકનું વાવેતર પૂરુ થયું છે, જે ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ ૯.૮૪ ટકા વધુ છે. 

છેલ્લા પાંચ વર્ષમાં  રવી પાકના સરેરાશ વાવેતર વિસ્તારનો આંક ૬.૨૦ કરોડ હેકટર રહ્યો છે. આમ વર્તમાન વર્ષમાં સામાન્ય કરતા ૪૩ ટકા વાવણી પૂરી થઈ હોવાનું આંકડા પરથી જણાય છે.

ઘઉં એ મુખ્ય રવી પાક છે જેની વાવણી ૯૭.૨૦ લાખ હેકટર વિસ્તાર પર પૂરી થઈ છે. આ ઉપરાંત કઠોળમાં ચણા જે મુખ્ય રવી પાક છે તેની વાવણી પણ ૫૭.૪૦ લાખ હેકટર વિસ્તાર પર પૂરી થઈ છે જે ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ ૩૦ ટકા વધુ છે.

રાયડો જે મુખ્ય રવી તેલીબિયાં છે તેનું વાવેતર પણ ૮.૮૦ ટકા વધુ રહીને ૫૨.૨૦ લાખ હેકટર વિસ્તાર રહ્યાનું જાણવા મળે છે. કોરોનાના કાળમાં પણ ખરીફ પાકનું વાવેતર ઊંચુ રહ્યું હતું અને સારા ચોમાસાને પગલે પાક પણ વિક્રમી રહેવા ધારણાં બંધાઈ છે ત્યારે ખેડૂતો રવી પાક માટે પણ ઉત્સાહી જણાઈ રહ્યા છે.

૨૦૨૦નું નૈઋત્યનું ચોમાસુ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી શ્રેષ્ઠ રહ્યાનું કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here