ક્રુડમાં તેજીનો પતંગ ચગ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 13 જાન્યુઆરી 2021, બુધવાર

મકરસંક્રાતિના પર્વમાં વિશ્વ બજારમાં ક્રુડ તેલમાં તેજીનો પતંગ જોવા મળ્યો હતો. અમેરિકામાં ક્રુડ તેલનો સ્ટોક અપેક્ષા કરતા વધુ ઘટીને આવતા તેની અસર ભાવ પર જોવા મળી હતી. સોનાચાંદીમાં ગઈકાલનો સુધારો અલ્પજીવી નિવડયો હતો અને ભાવ ફરી ઘટાડા તરફી જોવા મળ્યા હતા. સ્થાનિક કરન્સી બજારમાં પાઉન્ડ ઉછળી રૂપિયા ૧૦૦ને પાર કરી ગયો હતો.

અમેરિકામાં ક્રુડ ઓઈલનો સ્ટોકસ જે ૨૩ લાખ બેરલ ઘટવાની અપેક્ષા હતી તે બમણાથી પણ વધુ ઘટીને એટલે કે ૫૮ લાખ બેરલ ઘટીને આવતા ક્રુડ તેલના ભાવ ઊચકાયા હતા. અમેરિકામાં સ્ટોક ઘટીને ૪૮૪૫ લાખ બેરલ રહ્યો હતો. બ્રેન્ટ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૫૭ ડોલર પાર કરી ઉપરમાં ૫૭.૪૦ ડોલર થઈ મોડી સાંજે ૫૬.૪૦ ડોલર બોલાતું હતું.

ન્યુયોર્ક ક્રુડ તેલનો ભાવ ૫૩.૪૩ ડોલર બોલાતો હતો.  વિશ્વ બજારમાં ક્રુડ તેલના ભાવમાં ઉછાળાની અસર ઘરઆંગણે પેટ્રોલ-ડિઝલના ભાવ પર જોવા મળે છે. ઘરઆંગણે મુંબઈ બજારમાં સોનાચાંદીના ભાવમાં ગઈકાલે આવેલો સુધારો અલ્પજીવી નિવડયો હતો.

ગોલ્ડ ૯૯.૫૦ના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૪૯૪૬૫વાળા ઘટી રૂપિયા ૪૯૨૮૧ રહ્યા હતા. ૯૯.૯૦ના દસ ગ્રામના   ભાવ રૂપિયા ૪૯૬૬૪વાળા ઘટી રૂપિયા ૪૯૪૭૯ રહ્યા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૬૫૫૬૪ વાળા રૂપિયા ૬૫૪૪૫ રહ્યા હતા.  

અમદાવાદ બજારમાં ચાંદી રૂપિયા ૫૦૦ ઘટી એક કિલોના રૂપિયા ૬૬૦૦૦ રહ્યા હતા જ્યારે સોનું રૂપિયા ૧૦૦ વધી ૯૯.૫૦ના દસ ગ્રામના રૂપિયા ૫૧૨૦૦ તથા ૯૯.૯૦ના રૂપિયા ૫૧૪૦૦ રહ્યા હતા.

વિશ્વ બજારમાં ગોલ્ડ ઔંસ દીઠ ૧૮૫૯ ડોલરવાળો ભાવ ૧૮૫૫ ડોલર જ્યારે ચાંદી ૨૫.૪૨ ડોલરથી ઘટી ૨૫.૪૦ ડોલર બોલાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમનો ભાવ ૧૦૬૮ ડોલરથી વધી ૧૦૭૫ ડોલર જ્યારે પેલેડિયમ એક ઔંસ દીઠ ૨૩૯૧ ડોલરથી વધી ૨૪૦૨ ડોલર બોલાતું હતું. 

સ્થાનિક કરન્સી બજારમાં ડોલર ૧૨ પૈસા ઘટી ૭૩.૧૪ રૂપિયા રહ્યો હતો. જ્યારે પાઉન્ડ ૫૦ પૈસા વધી રૂપિયા ૧૦૦ની સપાટી કુદાવી ઉપરમાં ૧૦૦.૨૭ રૂપિયા થઈ છેવટે ૧૦૦.૧૪ રૂપિયા બંધ રહ્યો હતો. યુરો ૯ પૈસા વધી ૮૯.૧૭ રૂપિયા રહ્યો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here