કોર્પોરેટ,ઔદ્યોગિક જુથો માટે બેન્કિંગ લાયસન્સ મેળવવાનું આસાન નહીં હોય

કોર્પોરેટ,ઔદ્યોગિક જુથો માટે બેન્કિંગ લાયસન્સ મેળવવાનું આસાન નહીં હોય

મુંબઈ, તા. 21 નવેમ્બર 2020, શનિવાર

ખાનગી બેન્કોના કોર્પોરેટ માળખાની સમીક્ષા કરી રહેલી રિઝર્વ બેન્કની આંતરિક વર્કિંગ સમિતિએ બેન્કોના માલિકી ધોરણમાં જોરદાર ફેરફાર કરવા એક રિપોર્ટમાં ભલામણ કરી છે. બેન્કિંગ રેગ્યુલેશન એકટ ૧૯૪૯માં સુધારા કરી મોટા કોર્પોરેટ તથા ઔદ્યોગિક જુથોને બેન્કો ચલાવવાની મંજુરી આપવા સમિતિએ સૂચન કર્યું છે, પરંતુ સમિતિની ભલામણો પર નજર નાખવામાં આવતા જણાય છે કે કોર્પોરેટસ કે એનબીએફસી માટે લાયસન્સ મેળવવાનું સરળ નહીં હોય. 

સમિતિ દ્વારા જારી કરાયેલા એક રિપોર્ટમાં રૂપિયા ૫૦,૦૦૦ કરોડ કે તેથી વધુના એસેટ કદ સાથેની મોટી નોન બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઝ (એનબીએફસીસ) જેનો ટ્રેક રેકોર્ડ સારો હોય તેને બેન્કસમાં રૂપાંતરિત કરવાની પણ મંજુરી આપવા ભલામણ કરાઈ છે.

અનેક નાણાં સંસ્થાઓ પણ આ ભલામણોથી ઉત્સાહી થઈ છે. ઔદ્યોગિક ગૃહો લાયસન્સ માટે સીધી અરજી કરી શકે છે અથવા જેઓ ધિરાણ પ્રવૃત્તિ કરતા હોય તે પોતાના વર્તમાન વેપારને સીધો બેન્કમાં રૂપાંતર કરી શકે છે, એમ રિપોર્ટમાં સૂચવાયું છે. જો કે રિઝર્વ બેન્કની શરતોને ધ્યાનમાં રાખતા કેટલી કંપનીઓ લાયસન્સ મેળવી શકે છે તે જોવાનું રહેશે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. લાયસન્સ મેળવવા માગતી કંપનીઓના વહીવટી ધોરણો શ્રેષ્ઠ રહ્યા હોવાનું પણ જરૂરી છે. 

તાજેતરમાં દેશમાં અનેક બેન્કોની નિષ્ફળતાને ધ્યાનમાં રાખતા રિઝર્વ બેન્ક લાયસન્સ જારી કરવામાં હળવી નીતિ નહીં અપનાવે એમ પણ તેમણે મત વ્યકત કર્યો હતો. હાલમાં પણ માગો ત્યારે લાયસન્સની નીતિ અમલમાં છે પરંતુ રિઝર્વ બેન્ક તરફથી કોઈને લાયસન્સ મળતા નથી, એ પણ હકીકત છે. 

સમિતિની ભલામણો પર આગામી ૧૫ જાન્યુઆરી સુધીમાં સૂચનો મંગાવાયા છે. જો આ ભલામણોનો સ્વીકાર કરાશે તો ભારતના બેન્કિંગ ઉદ્યોગમાં ચાલીસ વર્ષના ગાળા એટલે કે ૧૯૮૦ બાદ કોર્પોરેટ જગતની ફરી એન્ટ્રી જોવા મળશે. 

૧૯૮૦માં દેશની બેન્કોના રાષ્ટ્રીયકરણનો અંતિમ તબક્કો પૂરો થયો હતો. ૧૯૯૩માં જ્યારથી ખાનગી ખેલાડીઓને બેન્કો ચલાવવાની પરવાનગી અપાઈ છે ત્યારથી અનેક ઔદ્યોગિક જુથો બેન્કિંગ ક્ષેત્રે ઝંપલાવવા તત્પર છે, પરંતુ આ સંદર્ભમાં કાઈ પ્રગતિ જોવા મળી નથી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here