કોરોના સાથે પેચ લાગતા મકરસંક્રાંતિનો ઉત્સાહ ગત વર્ષોની જેમ જામશે નહી

ભાવનગર, તા.13 જાન્યુઆરી 2021, બુધવાર

ભાવનગર શહેર અને જિલ્લાભરમાં આજે ગુરૂવારે પતંગ પર્વની ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. જો કે, ચાલુ વર્ષે પતંગને કોરોનાની મહામારી સાથે પેચ લાગતા ગાઈડલાઈનની અમલવારીને લઈને પતંગરસિકોની પતંગોત્સવની મજા બગડી જવાનો સંભવ છે.અગાશી,ધાબાઓ ઉપર લાઉડ સ્પીકર કે ડી જેના શોરબકોરના બદલે સુનકાર જોવા મળશે. 

તા.૧૪ જાન્યુઆરીને  ગુરૂવારે મકરસંક્રાંતિના પર્વે આખો દિવસ પતંગરસિકો અગાશી, ધાબા કે છાપરા પર જ વીતાવશે. આબાલવૃધ્ધ સૌ કોઈ અવનવી પતંગના આકાશી યુધ્ધમાં ઓતપ્રોત રહેશે. તો વળી ભાવેણાનું ગગન એક એકથી ચડીયાતા રંગબેરંગી પતંગોથી છવાઈ જશે. જો કે, કોરોનાની મહામારીના કારણે  દર વર્ષે ધામધુમથી ઉજવાતી મકર સંક્રાંતિનો તહેવાર આ વર્ષે ફિક્કો પડી જવાની ભીતિ પણ પતંગરસિકો સેવી રહ્યા છે. મકરસંક્રાંતિના તહેવારને અનુલક્ષીને છેલ્લી ઘડીની ખરીદી માટે પર્વની પૂર્વ સંધ્યાથી મોડી રાત્રી સુધી લોકોએ ભારે ઘસારો કરતા શહેરના તમામ શાકમાર્કેટ, બજારોમાં તેમજ જાહેર માર્ગો અને સર્કલો આસપાસ ઠેર-ઠેર કાળી અને સફેદ શેરડી, જીંજરા, ખટમીઠ્ઠા બોર, અવનવી ચીકી, લાડવાઓ, તરેહ તરેહની ડિઝાઈનના ચિત્તાકર્ષક માસ્ક સહિત પતંગ પર્વ સંબંધીત તમામ એસેસરીઝ તેમજ ગોગલ્સ ચશ્મા અને ટોપીની ધુમ ખપત થઈ રહી છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થાનિક ચશ્માના વેપારીઓએ ઉત્તરાયણને અનુલક્ષીને ખાસ ગોગલ્સ ચશ્માના સેલ શરૂ કર્યા હતા.  સરકારની કોવિડ-૧૯ સંબંધિત મકરસંક્રાંતિના તહેવારને અનુલક્ષીને જાહેર કરાયેલ ગાઈડલાઈન હાસ્યાસ્પદ બની રહી છે. લગ્ન અને મુખ્ય રાજકીય પક્ષોના જાહેર સમારંભોની જેમ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે અગાશી,ધાબા ઉપર ૫૦ લોકોને એકઠા થવાની મંજુરી આપવી જોઈએ તેવી માંગ થઈ રહી છે.  કેટલાક રાજકીય પક્ષ દ્વારા  શાસક પક્ષના પદાધિકારીઓના મોટા કદના ફોટોગ્રાફ તેમજ પક્ષના પ્રતિક સાથે કોરોનાથી બચવાના મેસેજવાળા પતંગોનું મ્યુનિ.ની શાળાઓના બાળકોને તેમજ શહેરના પછાત વિસ્તારોમાં નીશુલ્ક વિતરણ કરાયુ હતુ.

હવે કન્ની બાંધેલા પતંગનુ વેચાણ

શહેરની વિવિધ પતંગબજારમાં કોરોના વાયરસથી બચવાના મેસેજવાળા પતંગો પણ વેચાઈ રહ્યા છે.તેની સાથોસાથ હવે તો બજારમાં કન્ની (કાનેતર)બાંધેલા પતંગોનું પણ સ્થાનિક બજારોમાં વધારાના ચાર્જ સાથે વેચાણ થઈ રહ્યુ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here