કોરોનાને પગલે ઉત્તરાયણની ગાઈડ લાઇનનો અમલ કરાવવા તંત્ર સજ્જ: CCTVથી નજર રખાશે, ડ્રોનનો પણ ઉપયોગ કરાશે

અમદાવાદ, તા. 14 જાન્યુઆરી 2021 ગુરૂવાર

કોરોનાના કહેર વચ્ચે આજે ગુજરાતમાં ઉત્તરાયણ ઉજવાશે. છેલ્લા કેટલાક દિવસોથી કેસો સતત ઘટી રહ્યા હોવાના કારણે લોકોમાં ઉત્તરાયણ માટે જોરદાર ઉત્સાહ છે. પરંતુ બીજી બાજુ પોલીસે ધાબા પર પણ ભીડ ભેગી ના થાય અને લોકો માસ્ક પહેરીને જ પતંગ ચગાવે તે સુનિશ્ચિત કરવા માટે પૂરતી તૈયારીઓ કરી લીધી છે. 

અમદાવાદમાં આજે મોટાભાગના લોકો ધાબા પર જ હશે, ત્યારે પોલીસ પણ પબ્લિક પર ધાબા પર ચઢીને જ નજર રાખવાની છે. તેના માટે ધાબા પર બંદોબસ્તના પોઈન્ટ પણ ગોઠવવામાં આવ્યા છે. જ્યાંથી દૂરબીન વડે પોલીસ પબ્લિક પર વોચ રાખશે.

ઉતરાયણની ગાઈડલાઈન પ્રમાણે જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો અને રસ્તાઓ પર એકઠા થઈ શકાશે નહીં કે પતંગ ચગાવી શકાશે નહીં. સરકારે સલાહ આપી છે કે, પરિવારજનો સાથે કોરોનાના નિયમોનું પાલન કરીને તહેવારની ઉજવણી કરવામાં આવે. ઘર બહારનું કોઇ વ્યક્તિ ધાબા પર આવે નહીં અને ધાબા પર ભીડ ન જામે. આ ગાઇડલાઇન સામે અનેક ગુજરાતીઓએ રોષ જાહેર કર્યો હતો કે, નેતાઓ મોટી સંખ્યામાં લોકોને ભેગા કરીને પોતાની રેલીઓ કાઢી શકે પરંતુ સામાન્ય માણસ પોતાના ધાબા પર પોતાના મિત્રો અને અન્ય પરિવાર સાથે ઉત્તરાયણ પણ ન માણી શકે. 

ઉતરાયણ માટેની સરકારની ગાઈડલાઈન આ મુજબ છે

– જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો કે રસ્તાઓ પર એકઠા થઈ શકાશે નહીં અને પતંગ ચગાવી શકાશે નહીં.

– પરિવારજનો સાથે કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરતા તહેવાર ઉજવવાની સલાહ આપવામાં આવે છે.

– માસ્ક વગર બિલ્ડિંગ કે ફ્લેટના ધાબા પર એકઠા થવાની મંજૂરી આપવામાં આવશે નહીં, આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝર પણ ફરજિયાત રહેશે.

– બિલ્ડિંગના રહેવાસીઓ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિઓને ફ્લેટના ધાબા અને રહેણાક સોસાયટીઓના ખુલ્લા મેદાનમાં એકઠા થવા દેવામાં આવશે નહીં, જો આનો ભંગ થશે તો સોસાયટીના ચેરમેન જવાબદાર રહેશે.

– ધાબા અને મેદાનોમાં મોટી સંખ્યામાં એકઠા થઈ શકાશે નહીં.

– લાઉડ સ્પીકર્સ અને મ્યૂઝિક વગાડી શકાશે નહીં.

– 65 વર્ષ કરતા વધુ ઉંમરની સાથે કોમોરિબિડિટીઝ ધરાવતા તેમજ બાળકોને ઘરે રહેવાની સલાહ આપવામાં આવે છે.

– જનતામાં અશાંતિ સર્જાય તેવું લખાણ અને સ્લોગન પતંગ પર લખવાની પરવાનગી નથી.

– ચાઈનિઝ તુક્કલ અને દોરી પર પ્રતિંબધ છે, સાથે જે દોરીમાં કાચનો ઉપયોગ કરવો નહીં, આ ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવું.

– અમદાવાદના પતંગ બજાર જેવા કે રાયપુર, ટંકશાળ, નરોડામાં ખરીદી કરવા જાઓ ત્યારે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું તેમજ પોલીસને સહયોગ આપવો.

– અગાઉની ગાઈડલાઈન મુજબના કોરોનાના તમામ નિયમો પાલન કરવાનું રહેશે.

– રાજ્યના ચાર શહેરોમાં જે રાત્રિ કર્ફ્યુ લાગુ કરાયો છે તેનો અમલ કરવાનો રહેશે.

– ચોક્કસ અમલીકરણ માટે પોલીસ ગોઠવાશે, સીસીટીવીથી નજર રખાશે તેમજ ડ્રોનનો પણ ઉપયોગ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here