(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
સુરતી માંજાને લઈને વિદેશોમાં પણ સુરત જાણીતું છે ત્યારે આ વર્ષે કોરોનાને કારણે નાઈટ કરફ્યૂ અને ટ્રેન- ફ્લાઇટ બંધ હોવાની અસર માંજાના નિકાસ પર પડી છે. જેથી આ વર્ષે વેપારીઓને વિદેશમાંથી માંજાના ઓર્ડર જોવા મળ્યા નથી.
ઉત્તરાયણમાં સુરતી ઉંધીયા સાથે માંજો પણ લોકપ્રિય બન્યો છે અને અનેક મિશ્રણ દ્વારા બનતો સુરતી માંજો દેશ-વિદેશમાં વખણાય છે. સુરતી માંજા ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં વેચાણ માટે જાય છે. એટલું જ નહીં અમેરિકા અને દુબઇના પતંગ રસિયાઓ સુરતથી આ ખાસ માંજા ઓર્ડર આપી મંગાવે છે. ત્યારે આ વર્ષે કોરોનાને કારણે વિદેશોના ઓર્ડર પર ગ્રહણ લાગ્યું છે. સામાન્ય રીતે માંજા તૈયાર કરીને અહીં થી મુંબઈ અને મુંબઈથી વિદેશ મોકલવામાં આવતા હતા. જો કે હાલ આ સમગ્ર પ્રક્રિયા બંધ છે જેને કારણે વેપારીઓને નિરાશા જોવા મળી રહી છે. અનેક મહિનાઓ પહેલા શરૂ થતી આ પ્રક્રિયા હવે માત્ર સ્થાનિકો પૂરતી જ સીમિત રહી ગઈ છે. જોકે તો ભાવની વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણીએ ભાવ તેના તે જ છે. તેમાં વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી.
અસલ ભગવાનદાસના ચંદ્રેશભાઈએ કહ્યું કે, પાર્સલ સેવા બંધ હોવાને કારણે તેમજ આંતરરાષ્ટ્રીય ફલાઇટ તેમજ ટ્રેનની અગવડતા તેમજ નાઈટ કરફ્યૂને કારણે સીધી અસર ઓર્ડર ઉપર થઈ છે. આ વર્ષે વિદેશમાં માંજાની એક પણ ફિરકી ગઈ નથી.