કાશ્મીરના ઝંડા સિવાય બીજો કોઈ ઝંડો નહીં ઊઠાવું : મેહબૂબા મુફ્તી

કાશ્મીરના ઝંડા સિવાય બીજો કોઈ ઝંડો નહીં ઊઠાવું : મેહબૂબા મુફ્તી

(પીટીઆઈ) શ્રીનગર, તા. 23 ઓક્ટોબર 2020, શુક્રવાર

જમ્મુ-કાશ્મીરમાંથી મોદી સરકારે કલમ 370 ઉઠાવી તેની પૂર્વ સંધ્યાથી અંદાજે 14 મહિનાની અટકાયત પછી છૂટેલાં જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મેહબૂબા મુફ્તિએ નજરકેદમાંથી મુક્તિની સાથે જ જમ્મુ-કાશ્મીરમાં રાજકીય પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી છે.

મેહબૂબાએ શુક્રવારે જાહેરાત કરી કે તેમનો પક્ષ પીડીપી જમ્મુ-કાશ્મીરને જૂનો દરજ્જો (કલમ 370 ફરીથી લાગુ કરવા) પાછો અપાવવા માટે જમીન-આકાશ એક કરી દેશે. આ સમયે મેહબૂબાએ દેશના રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કરતાં કહ્યું કે તે કાશ્મીરના ઝંડા સિવાય બીજો કોઈ ઝંડો નહીં ઊઠાવે. 

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) પ્રમુખ મેહબૂબાએ લગભગ 14 મહિનાની અટકાયત પછી શ્રીનગરમાં શુક્રવારે તેમની સૌપ્રથમ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. આ સમયે તેમણે ટેબલ પર પીડીપીના ઝંડા સાથે જમ્મુ-કાશ્મીરનો ઝંડો રાખ્યો હતો જ્યારે કલમ 370ની નાબૂદી પછી જમ્મુ-કાશ્મીરનો ઝંડો રદ થઈ ગયો છે અને કેન્દ્રશાસિત પ્રદેશમાં માત્ર તિરંગો ફરકાવવાની મંજૂરી છે. 

તેમણે જમ્મુ-કાશ્મીરના ઝંડા તરફ ઈશારો કરતાં કહ્યું કે જ્યાં સુધી મારો ઝંડો અમારી પાસે પાછો નહીં આવે ત્યાં સુધી હું બીજો કોઈ ઝંડો એટલે કે તિરંગો નહીં ઉઠાવું. હાલ મારો ઝંડો મારી સામે છે.

પીડીપીએ કહ્યું કે ગયા વર્ષે પાંચમી ઑગસ્ટે કેન્દ્ર સરકારે કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ સમાપ્ત કરીને જમ્મુ-કાશ્મીરના લોકોને ગેરકાયદે અને ગેરબંધારણીય રીતે શક્તિહીન કરી દીધા હતા. આ પરિવર્તન અમને મંજૂર નથી અને તેના વિરૂદ્ધ અમે એક થઈને લડાઈ ચાલુ રાખીશું. આ જાહેરાત પીડીપી અધ્યક્ષ મેહબૂબા મુફ્તીના વડપણ હેઠળ પક્ષના વરિષ્ઠ નેતાઓની એક બેઠક પછી કરાઈ હતી. મેહબૂબા મુફ્તિની મુક્તી પછી પક્ષની આ પહેલી બેઠક હતી.

વધુમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી લડવી કે નહીં તે અંગે અંતિમ નિર્ણય તાજેતરમાં રચાયેલા પીપલ્સ અલાયન્સ ફોર ગુપકર ડેક્લેશન લેશે. નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સહિત જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રવાહના રાજકીય પક્ષોએ 15મી ઑક્ટોબરે અગાઉના રાજ્યનો વિશેષ દરજ્જો હાંસલ કરવા માટે ગુપકર જોડાણની રચના કરી છે.

મેહબૂબાએ કહ્યું હતું કે, વ્યક્તિગતરૂપે તેમને જમ્મુ-કાશ્મીરને અગાઉનો રાજ્યનો દરજ્જો ન મળે ત્યાં સુધી ચૂંટણી લડવામાં કોઈ રસ નથી. પીડીપને સંબંધ છે ત્યાં સુધી હવે અમે એકલા નથી. જિલ્લા વિકાસ પરિષદોની ચૂંટણીમાં ગુપકર જોડાણ લડશે કે કેમ તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, શનિવારે ગુપકરની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાશે.   

મેહબૂબાના વલણ પર ભાજપે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી કવિન્દ્ર ગુપ્તાએ કહ્યું, ‘જમ્મુ-કાશ્મીરમાં બે ઝંડા હતા તે સમય જતો રહ્યો. 

ભાજપે વચન આપ્યું હતું કે, એક કાયદો, એક નિશાન, એક પ્રધાન અને અમે સત્તામાં આવતાં જ તે પૂરૂં કર્યું. આ લોકો ખબર નથી કયા વહેમમાં જીવી રહ્યા છે અને તેમણે પણ જમ્મુ-કાશ્મીરનો જૂનો ઝંડો ઊતારી દેવો જોઈએ. સમગ્ર ભારતનો એક જ રાષ્ટ્ર ધ્વજ છે અને તે છે તિરંગો. તેમણે પણ તિરંગાનું સન્માન કરવું જોઈએ.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here