કોરોના સંકટ દરમિયાન લાદવામાં આવેલા કર્ફ્યુંથી લોકો કંટાળી ગયા છે અને અવનવા બહાના બનાવીને ઘરની બહાર ફરવા જવા માટેનાં પ્રયાસો કરતા રહે છે, તાજેતરમાં જ કેનેડાનાં ક્યુબેક પ્રાંતમાં એક અનોખી ઘટના બની, અહીં રહેતી એક મહિલા પોતાના પતિનાં ગળે પટ્ટો બાંધીને તેમને બહાર ફરવા લઇ જતી જોવા મળી છે, જો કે પોલીસે તે બંનેની સામે કાર્યવાહી કરીને તેમના પર દંડ પણ લગાવ્યો છે.
કેનેડાનાં ક્યુબેક પ્રાંતમાં ચાર સપ્તાહનું કર્ફ્યું લગાવવામાં આવ્યું છે, આ કર્ફ્યું રાતનાં સમયે જ અમલી રહે છે, જેનાં કારણે રાત્રે આઠ વાગ્યાથી સવારનાં પાંચ વાગ્યા સુધી બહાર નિકળવાની મંજુરી નથી, જો કે વહીવટીતંત્રે આ સમય દરમિયાન જરૂરી ચીજો લાવવા અને પોતાના પાલતું કુતરાને ટહેલવા લઇ જવા માંગે તો તેમને મંજુરી આપી છે.
એક મહિલા શેરબ્રુકની કિંગ સ્ટ્રીટ ઇસ્ટ પર પોતાના પાર્ટનરનાં ગળે પટ્ટો બાંધીને બહાર ફરવા લઇ જતી જોવા મળતા પોલીસ ત્યાં આવી પહોંચી અને જ્યારે મહિલાને પોલીસે પુછ્યું ત્યારે તેણે કહ્યું કે પોતાના કુતરા સાથે ફરી રહી છું, પોલીસ ડિપાર્ટમેન્ટનાં ઇસાબેલ ગેંડ્રોને જણાવ્યું કે આ યુગલ પોલીસની સાથે બિલકુલ પણ સહયોગ કરી રહ્યું ન હતું.
કર્ફ્યુંનાં નિયમોનું ઉલ્લંઘન કરવાનાં આરોપમાં પોલીસે મહિલા અને તેના પાર્ટનરને 2400 ડોલરનો દંડ ફટકાર્યો. જો કે આ સમાચારે લોકોમાં ભારે કુતુહલ જગાડ્યું છે.