કપાસિયા તેલ મથકો પાછળ ફરી ઊછળ્યુ

કપાસિયા તેલ મથકો પાછળ ફરી ઊછળ્યુ

(વાણિજ્ય પ્રતિનિધિ દ્વારા), મુંબઈ, તા. 21 ઓક્ટોબર 2020, બુધવાર

મુંબઈ તેલ-તેલીબિયાં બજારમાં આજે દેશી ખાદ્યતેલોમાં કપાસિયા તેલના ભાવ ઉત્પાદક મથકો પાછળ ફરી ઊછળ્યા હતા, સામે સિંગતેલ તથા મસ્ટર્ડના ભાવ વધ્યામથાળે અથડાતા રહ્યા હતા, જ્યારે આયાતી ખાદ્યતેલોમાં પામતેલ, સોયાતેલ તથા સનફ્લાવર તેલના ભાવ હાજર તેમ જ વાયદા બજારમાં વિશ્વબજાર પાછળ ઊંચા બોલાઈ રહ્યા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

 દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે પામતેલમાં હવાલા રિસેલમાં ૧૦ કિલોદીઠ રૂ.૮૬૮થી રૂ.૮૭૦માં આશરે ૧૦૦ ટનના વેપાર થયા હતા, જ્યારે રિફાઈનરીઓના ડાયરેક્ટ ડિલિવરીઓમાં વેપારો પાંખા હતા. દરમિયાન, મલેશિયા ખાતે આજે પામતેલનો વાયદો વધુ ૨૮ પોઈન્ટ ઊંચકાયો હતો, સામે ત્યાં પામ પ્રોડક્ટના ભાવ જોકે, ૨.૫૦ ડોલર માઈનસમાં રહ્યા હતા.

મલેશિયા ખાતે ઓક્ટોબરના પ્રથમ ૨૦ દિવસમાં પામતેલનું ઉત્પાદન આશરે ૧૦થી ૧૧ ટકા ઘટયાના નિર્દેશો હતા, સામે આ ગાળામાં મલેશિયા ખાતેથી ભારત તરફ પામતેલની નિકાસમાં આશરે ૧૬થી ૧૭ ટકાની વૃદ્ધિ થઈ હોવાનું વિશ્વબજારના જાણકારોએ જણાવ્યું હતું. અમેરિકાના કૃષિબજારોના સમાચારો પણ તેજી બતાવનારા મળ્યા હતા.

દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ કપાસિયા તેલના ઊછળી રૂ.૯૭૦ બોલાયા હતા, જ્યારે સિંગતેલના ભાવ રૂ.૧,૩૪૦ તથા મસ્ટર્ડના રૂ.૧,૦૯૦ના મથાળે શાંત હતા. દરમિયાન, ઉત્પાદક મથકોએ આજે કોટન વોશ્ડના ભાવ ઊછળી રૂ.૯૧૦થી રૂ.૯૧૫ બોલાયા હતા.

જ્યારે સિંગતેલના ભાવ રૂ.૧,૩૦૦ તથા ૧૫ કિલોના રૂ.૨,૦૭૦થી રૂ.૨,૦૮૦ના મથાળે શાંત હતા. દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે પામતેલના ભાવ વધી રૂ.૮૬૮ રહ્યા હતા, જ્યારે સોયાતેલના ભાવ વધી ડીગમના રૂ.૯૧૫ તથા રિફાઈન્ડના રૂ.૯૪૦ બોલાતા હતા.

સનફ્લાવર તેલ ફરી વધી રૂ.૧,૧૧૦ તથા રિફાઈન્ડના ભાવ રૂ.૧,૧૪૦ બોલાતા હતા. દરમિયાન, ક્રૂડ પામ ઓઈલ (સીપીઓ) કંડલાના ભાવ ઊછળી રૂ.૭૯૫થી રૂ.૭૯૭ બોલાયા હતા, જ્યારે વાયદા બજારમાં આજે સાંજે સીપીઓનો ઓક્ટોબર વાયદો વધી રૂ.૮૦૦ થઈ રૂ.૭૯૩.૮૦ બોલાતો હતો, જે રૂ.૩.૮૦ પ્લસમાં રહ્યો હતો. સામે સોયાતેલનો નવેમ્બર વાયદો સાંજે રૂ.૫.૩૦ વધી રૂ.૯૫૪.૫૦ બોલાઈ રહ્યો હોવાનું વાયદા બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે દિવેલના ભાવ ૧૦ કિલોના રૂ.૪ વધ્યા હતા, જ્યારે હાજર એરંડાના ભાવ ક્વિન્ટલના રૂ.૨૦ ઊંચા બોલાઈ રહ્યા હતા, સામે એરંડાનો નવેમ્બર વાયદો રૂ.૨૮ વધી સાંજે રૂ.૪,૨૩૬ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here