એમ. જે. લાઇબ્રેરી તંત્રનાં સ્માર્ટ સિટી મિશન હેઠળ અત્યાધુનિક બનશે

એમ. જે. લાઇબ્રેરી તંત્રનાં સ્માર્ટ સિટી મિશન હેઠળ અત્યાધુનિક બનશે

અમદાવાદ, તા. 18 ઓક્ટોબર, 2020 રવિવાર 

શહેરની ઐતિહાસિક એમ.જે.લાઇબ્રેરી તંત્રનાં સ્માર્ટ સિટી મિશન હેઠળ અત્યાધુનિક બનાવાઇ રહી છે. સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા એમ.જે.લાઇબ્રેરીના ઓટોમેશનના પ્રોજેકટ હાથ ધરાયો છે.

આ લાઇબ્રેરીમાંથી ગુમ થતાં પુસ્તકને રોકવા માટે ખાસ ‘બઝર’ સિસ્ટમ વિકસિત કરાશે. એટલે કોઇ સભ્ય પુસ્તક ગુપચાવશે તો ‘ઓટોમે‌ટિક બઝર’ વાગી તે સભ્યને લાઇબ્રેરીના સ્ટાફ રંગે હાથ પકડી પાડશે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હસ્તે એમ.જે.લાઇબ્રેરી (માણેકલાલ જેઠાલાલ)નું ખાતમુહૂર્ત કરાયા બાદ તેનું દેશના લોહપુરુષ ગણાતા સરદાર વલ્લભભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. 

મ્યુનિ. સંચાલિત આ લાઇબ્રેરી જયપુરી સ્થાપત્ય ધરાવતી હોઇ અમદાવાદનું ગૌરવ છે. પ્રારંભમાં સસ્તું સાહિત્ય કાર્યાલયના સ્વામી અખંડાનંદ તરફથી ભેટ મળેલાં 8,891 પુસ્તકોથી એમ.જે. લાઇબ્રેરી જાહેર જનતા માટે ખુલ્લી મુકાઇ હતી.

તાજેતરમાં તંત્રે ‘સ્માર્ટ સિટી મિશન’ અંતર્ગત પુસ્તકને આરએફઆઇડી ટેગ લગાવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. તેમ જણાવતાં એમ.જે.લાઇબ્રેરીના ગ્રંથપાલ ડો.બિપીન મોદી વધુમાં કહે છે, આરએફઆઇડી કોડ લગાવાયેલાં પુસ્તકને કોઇ સભ્ય ચોરવાનો પ્રયાસ કરશે તો તત્કાળ ‘બઝર’ વાગતાં સ્ટાફ સાવધાન થઇ જશે. 

જોકે આરએફઆઇડી ટેગથી લાગેલાં પુસ્તકથી સભ્યો પોતે પણ પુસ્તકની આપ લે કરી શકશે. એમ.જે.લાઇબ્રેરીના વાર્ષિક સભ્યપદની ફી રૂ.500 હોઇ તેમાં રૂ.300 ડિપોઝિટ પેટે છે. જ્યારે આજીવન સભ્યપદ ફી રૂ.1500 છે. 

અત્યારે બાળકિશોર વિભાગના 1,491 સભ્ય મળીને લાઇબ્રેરીના કુલ 25,298 સભ્યો છે. આ પ્રોજેકટ પાછળ રૂ.40 લાખ ખર્ચાશે અને તેમાં પાંચ વર્ષનાં ઓપરેશન અને મેન્ટેનન્સનો પણ સમાવેશ થાય છે. પ્રારંભમાં લાઇબ્રેરીના 1.70 લાખ પુસ્તકને આરએફઆઇડી ટેગ લગાવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here