ઉત્તરાયણના પર્વ ટાંણે ઊંધિયાની માંગ વધુ રહેતા હાલ શિયાળાની મોસમમાં શાકભાજીની આવક વધી હોવા છતાં ભાવમાં 15 થી 20 ટકા જેટલો વધારો નોંધાયો છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. જોકે પર્વ પૂર્ણ થયા બાદ ભાવ રાબેતા મુજબ થઇ જશે એમ વિક્રેતાઓએ જણાવ્યું હતું.
મકરસંક્રાંતિના તહેવારમાં ઊંધીયાની મિજબાની માણવામાં સુરતીઓ તૈયાર જ હોય છે. ત્યારે તેને બનાવવા માટે વપરાતા અલગ અલગ લીલા શાકભાજી ભાવમાં વધારો જોવા મળે છે. પાપડી, શક્કરિયા, રતાળુ અને લીલા લસણના ભાવમાં વધારો છે જ્યારે તેની સામે અન્ય શાકભાજી ખૂબ જ સસ્તા છે. ખાસ કરીને કતારગામની નાયલોન પાપડી વખણાય છે. રતાળુ અને શક્કરિયાની વાત કરવામાં આવે તો સુરત જિલ્લામાં હજી પણ સણીયા , કુંભારીયા કે તેની આજુબાજુ ગામના અસલ ખેડૂતો હજી પણ રતાળાનું ઉત્પાદન કરે છે. જ્યારે શકકરીયાની આયાત ઉત્તર ગુજરાત થી કરવામાં આવે છે. ગયા વર્ષની સરખામણીએ અથવા તો ચાલુ દિવસોની સરખામણીએ શાકભાજીના ભાવ 15 થી 20 ટકા વધ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
સરકાર માર્કેટના બાબુભાઈએ કહ્યું કે, સુરત જિલ્લા અને શહેરમાં ઊંધિયું તેમજ ઉબાડીયું વધારે ચલણમાં હોવાને કારણે આ ભાવ વધારો છે. જોકે ઉતરાયણ બાદ તેમાં ઘટાડો થશે. શાકભાજી તેમજ આવશ્યક વાહનોને પરવાનગી હોવાથી નાઈટ કરફ્યૂની અસર જોવા મળી રહી નથી.