તાજેતરમાં બાજુમાં આવેલી જૂનાગઢ જિલ્લાની ઉબેણ નદીને પ્રદુષિત કરતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો, ત્યાર બાદ થોડા દિવસો પહેલાં જેતપુરથી 50 કિલોમીટર દૂર ઉપલેટા તાલુકામાં આવેલા સાડીના ગેરકાયદેરસર ધોલાઈ ઘાટ બે જગ્યાએ તોડી પાડવામા આવ્યા હતા. આ ઘટનાના પડઘા હજી શાંત નથી પડ્યા ત્યાં ઉપલેટાની મોજ નદી ઉપર બનેલા ચેક ડેમમાં આજે કલર કેમિકલવાળાં પાણી ડેમમાં ઠાલવતા ચેક ડેમ પ્રદુષિત થઈ ગયો છે.
ઉપલેટા પાસે વાડલા ગામ અને શહેરના સ્મશાન પાસે મોજ નદી ઉપરના ચેક ડેમનુ પાણી સંપૂર્ણ રીતે પ્રદુષિત થઈ ગયુ છે. ચેક ડેમનું તમામ પાણી કાળું અને દુર્ગંધયુક્ત થઈ જતાં લોકોમા રોષ જોવા મળ્યો છે, સાથે સાથે આ પ્રદૂષિત પાણી લાગતાં કાંઠાના ખેતરના પાકને મોટું નુકસાન થવાનો ભય ખેડૂતોને લાગી રહ્યો છે.
સાથે સાથે આસપાસમાં ખેતરોના બોર-કૂવાના તળના પાણી પ્રદૂષિત થવાના ભયે ખેડૂતો અને લોકોમા રોષ જોવા મળી રહ્યો છે. નદીમાં રહેલા હજારો માછલાઓ છે, જે મરણને શરણ થઈ જશે. આ મોજ નદીનું પાણી ધીમે ધીમે ભાદર નદીમાં પહોંચી રહ્યું છે.
ઉપલેટા શહેરના પાટણવાવ રોડ ઉપર ભાદર નદીમાં જ્યાં નદીનો સંગમ થાય છે ત્યાં પંચેશ્વર મહાદેવ મંદિર પાસેથી આ પાણી ભાદરમાં ભળી જશે અને છેક પોરબંદર સુધીના કાંઠા વિસ્તારમાં રહેલા માછલાઓ તેમ જ જમીન અને પાકને ભારે નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. આ ચેક ડેમનું પાણી પશુઓને પણ પીવા લાયક ન રહેતા અહીંના ખેડૂતો અને લોકો દ્વારા આ કૃત્ય કરનાર પ્રદૂષણ માફિયાઓ સામે કડકમાં કડક પગલાં લેવાની માગ કરવામાં આવી છે.
ઉપલેટા શહેરના પોરબંદર રોડ વિસ્તારમાંથી નીકળતી મોજ ડેમની માઇનોર કેનાલ છેલ્લા ૨૪ કલાકથી છલકાઈ રહી છે અને તેનું પાણી રોડ ઉપર અને આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યુ છે. સોસાયટીઓમાં પાણી પાણી થઈ ગયું છે. રોડ પર ગોઠણડૂબ પાણી ભરાયાં છે. આ વિસ્તારમાં આવેલા મારબલના કારખાનાઓમાં પણ પાણી ભરાતા લોકો હેરાન થઈ રહ્યા છે.
સ્થાનિક સોસાયટીના લોકોને પણ આવવા જવામાં પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. આ વિસ્તારમાં આ સમસ્યા દર વર્ષે સર્જાય છે. અનેક વખત રજુઆત થઈ ચૂકી છે પરંતુ તંત્ર કોઈ પણ જાતની યોગ્ય કામગીરી કરતું નથી.